National

ભારતમાં વેક્સિનથી મોતનો પહેલો કિસ્સો: સરકારે કરી મોતની પુષ્ટિ

નવી દિલ્હી: (Delhi) કોરોના રસી (Vaccine) આપવામાં આવ્યા બાદ ભારતમાં પ્રથમ મોતની પુષ્ટિ થઈ છે. આ રસીના કારણે 68 વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા રચાયેલી પેનલના અહેવાલમાં આ વાત સામે આવી છે. વૈજ્ઞાનિક ભાષામાં, રસીકરણ પછી કોઈ ગંભીર બીમારી અથવા મૃત્યુની ઘટનાને એડવર્સ ઇવેન્ટ ફોલોઇંગ ઇમ્યુનાઇઝેશન (એઇએફઆઈ) કહેવામાં આવે છે. કેન્દ્ર સરકારે એઇએફઆઈ માટે એક સમિતિની રચના કરી છે. આ સમિતિએ રસી લગાડ્યા બાદ થયેલા 31 મૃત્યુનું મૂલ્યાંકન કર્યા પછી પુષ્ટિ કરી હતી કે રસી લીધા પછી 68 વર્ષીય વૃદ્ધનું મૃત્યુ એનાફિલેક્સિસથી ((Anaphylaxis)) થયું હતું. આ એક પ્રકારની એલર્જીક પ્રતિક્રિયા છે. વૃદ્ધને રસીનો પ્રથમ ડોઝ 8 માર્ચ 2021 ના ​​રોજ મળ્યો હતો અને થોડા દિવસો પછી તેનું મૃત્યુ થયું હતું.

રિપોર્ટ મુજબ 5 ફેબ્રુઆરીથી 31 માર્ચની વચ્ચે કોવિડ-19 રસી લેનારા લાખો લોકોમાંથી 3 લોકોને રસીના કારણે એનાફિલેક્સીસ (Anaphylaxis)ની સમસ્યા થઈ હતી. જેમાંથી એક વ્યક્તિનું મોત થયું. ગંભીર આડઅસરની સરકારી સમીક્ષા મુજબ તે કોરોના વાયરસ રસી સંલગ્ન હોઈ શકે છે.  રિપોર્ટ પ્રમાણે, AEFI કમિટીના ચેરમેન ડૉ. એનકે અરોરાની અધ્યક્ષતામાં તૈયાર કરવામાં આવેલા રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે કે વધુ બે લોકોને વેક્સિન લીધા પછી એનાફિલેક્સિસની સમસ્યા જોવા મળી છે. તેમની ઉંમર 20 વર્ષની આસપાસની હતી. જોકે હોસ્પિટલમાં સારવાર પછી બંનેની તબિયતમાં સુધારો આવ્યો હતો. તેમને 16 અને 19 જાન્યુઆરીએ અલગ-અલગ વેક્સિન આપવામાં આવી હતી.

કેવી રીતે થાય છે રિએક્શન

વેક્સિન લગાવ્યા પછી કોઈ ગંભીર બીમારી થવા અથવા મોત થવાને વૈજ્ઞાનિક ભાષામાં એડવર્સ ઈવેન્ટ ફોલોઈંગ ઈમ્યુનાઈઝેશન (AEFI) કહેવામાં આવે છે. આ રિએક્શન થવાથી આખા શરીરમાં ખૂબ ઝડપથી દાણા દેખાવા લાગે છે. વેક્સિન પછી એનાફિલેક્સિસનાં લક્ષણ દેખાય તો તેમને તરત સારવારની જરૂર હોય છે. હજાર લોકોમાંથી 1ને એનાફિલેક્સિસ અથવા ગંભીર એલર્જી રિએક્શનની સમસ્યા હોય છે. એની સારવારમાં એપિનફિરીનનો શોટ ફાયદાકારક રહે છે અને એ તરત દર્દીને આપવાનો હોય છે. આ એક અડ્રેનલિન ઓટો-ઈન્જેક્ટર હોય છે, જે બ્લડ વેસલ્સને સાંકડી કરે છે. 

એનાફિલેક્સિસનાં લક્ષણો

  • શ્વાસ લેવામાં તકલીફ
  • સ્કિન પર રેશિસ
  • આખા શરીરે ખંજવાળ, સોજા આવવા
  • પેટમાં દુખાવો અને ઊલટી
  • ચક્કર આવવા અને માથામાં દુખાવો
  • ગભરામણ
  • જીભ થોથવાઈ જવી
  • પલ્સ રેટ ઘટી શકે અથવા ખૂબ વધી શકે
  • ખાવા-પીવામાં મુશ્કેલી, ગળામાં સોજો

Most Popular

To Top