ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા જાહેર કરવામાં આવેલા નવા ODI રેન્કિંગમાં ભારતીય ટીમે વિશ્વની નંબર-1 વનડે ટીમ તરીકે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. વાર્ષિક અપડેટ બાદ પણ ટીમ ઇન્ડિયા ટોચ પર યથાવત્ છે, પરંતુ આ વખતે ભારતની લીડમાં ઘટાડો થયો છે. જેના કારણે હવે નંબર-1ના તાજ માટેની સ્પર્ધા વધુ રોમાંચક બની ગઈ છે. ભારતીય ટીમ હાલમાં 118 રેટિંગ પોઈન્ટ્સ સાથે પ્રથમ સ્થાને છે. જોકે, ગયા અપડેટની સરખામણીએ ભારતને 1 રેટિંગ પોઇન્ટનું નુકસાન થયું છે. બીજી તરફ ન્યૂઝીલેન્ડે પોતાની સ્થિતિ મજબૂત બનાવી છે અને હવે તે 113 પોઇન્ટ્સ સાથે ભારતથી માત્ર 5 પોઇન્ટ પાછળ છે. એટલે કે આવનારા સમયમાં જો ભારતનું પ્રદર્શન થોડું પણ નબળું રહેશે તો કિવી ટીમ ટોચનું સ્થાન કબજે કરી શકે છે.
વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા પણ આ રેસમાં પાછળ નથી. ઓસ્ટ્રેલિયન ટીમ 109 પોઇન્ટ્સ સાથે ત્રીજા સ્થાને છે. છેલ્લા કેટલાક સમયથી ઓસ્ટ્રેલિયાએ વનડે ક્રિકેટમાં સતત સારું પ્રદર્શન કર્યું છે અને તેઓ પણ ટોચના સ્થાન માટે મજબૂત દાવેદાર બની રહ્યા છે. એટલે હવે ભારત માટે નંબર-1નું સ્થાન જાળવી રાખવું સરળ નહીં રહે. આ નવા રેન્કિંગમાં સૌથી મોટો ફેરફાર ચોથા અને પાંચમા સ્થાન પર જોવા મળ્યો છે. દક્ષિણ આફ્રિકાએ પાકિસ્તાનને પાછળ છોડીને ચોથું સ્થાન મેળવી લીધું છે. દક્ષિણ આફ્રિકા હવે 102 પોઇન્ટ્સ સાથે ચોથા ક્રમે પહોંચી ગયું છે, જ્યારે પાકિસ્તાન 98 પોઇન્ટ્સ સાથે પાંચમા સ્થાને સરકી ગયું છે. પાકિસ્તાન માટે આ મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે, કારણ કે ટીમ છેલ્લા કેટલાક સમયથી સતત સ્થિર પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહી છે.
અન્ય ટીમોની વાત કરીએ તો શ્રીલંકા 96 પોઇન્ટ્સ સાથે છઠ્ઠા સ્થાને છે. અફઘાનિસ્તાન 93 પોઈન્ટ્સ સાથે સાતમા ક્રમે છે અને ટીમે છેલ્લા કેટલાક વર્ષોમાં પોતાના પ્રદર્શનથી વિશ્વ ક્રિકેટમાં ખાસ ઓળખ બનાવી છે. ઇંગ્લેન્ડ 89 પોઇન્ટ્સ સાથે આઠમા સ્થાને છે, જ્યારે બાંગ્લાદેશ 84 પોઇન્ટ્સ સાથે નવમા અને વેસ્ટ ઇન્ડિઝ 74 પોઈન્ટ્સ સાથે દસમા સ્થાને છે. આ રેન્કિંગ માત્ર પ્રતિષ્ઠા માટે જ મહત્વપૂર્ણ નથી, પરંતુ 2027ના ODI વર્લ્ડ કપ માટે પણ ખૂબ જ નિર્ણાયક છે. ICCના નિયમ મુજબ 31 માર્ચ 2027 સુધી ટોપ-8માં રહેનારી ટીમોને સીધું વર્લ્ડ કપ ક્વોલિફિકેશન મળશે. દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વે યજમાન દેશ હોવાથી તેઓ પહેલેથી જ ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય થઈ ચૂક્યા છે. આ રેન્કિંગમાં આયર્લેન્ડે પણ સારી પ્રગતિ કરી છે. આયર્લેન્ડ હવે ઝિમ્બાબ્વેને પાછળ છોડીને 11મા સ્થાને પહોંચી ગયું છે. બીજી તરફ અમેરિકાની ટીમ પણ ધીમે ધીમે આગળ વધી રહી છે અને હવે તે 13મા સ્થાને પહોંચી ગઈ છે.
ભારતીય ટીમ હવે આવતા મહિનાથી અફઘાનિસ્તાન સામે ઘરઆંગણે ત્રણ મેચોની ODI શ્રેણી રમશે. આ શ્રેણી ટીમ ઇન્ડિયા માટે 2027 વર્લ્ડ કપની તૈયારીનો મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવી રહી છે. સાથે જ ભારત માટે હવે દરેક મેચ અગત્યની બની જશે, કારણ કે નંબર-1નું સ્થાન જાળવી રાખવા માટે સતત જીત જરૂરી બનશે. હવે નજર રહેશે કે ભારત પોતાની ટોચની પોઝિશન કેટલા સમય સુધી જાળવી રાખે છે અને ન્યૂઝીલેન્ડ તથા ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમો તેને કેટલો પડકાર આપે છે.