તાલિબાનની નવી અફઘાન સરકાર ખુંખાર આતંકવાદીઓથી ભરેલી, ભારતે ચેતવું પડશે

તાલિબાને જ્યારે અફઘાનિસ્તાન પર કબજો કર્યો ત્યારે સુફિયાણી વાતો કરી હતી. તાલિબાને ત્યાં સુધી જણાવ્યું હતું કે તે અગાઉ જેવું તાલિબાન નથી. મહિલાઓનું સન્માન કરાશે અને અન્યોને માફી અપાશે પરંતુ જેવા દિવસો વિત્યા કે તાલિબાને અસલી રંગ દેખાડવાની શરૂઆત કરી દીધી છે. મહિલાઓ પર અત્યાચારો શરૂ થઈ ગયા છે. અમેરિકન નાગરિકો અને અન્ય નાગરિકોની હત્યા કરવામાં આવી રહી છે. શરૂઆતમાં સરકારની રચના માટે તાલિબાનના નેતાઓ અંદરોઅંદર જ લડ્યા અને હવે જ્યારે સરકાર બનાવી તો તેમાં પણ તાલિબાની ત્રાસવાદીઓને જ મોટો હોદ્દા પર બેસાડી દીધા. અફઘાન સરકારમાં જે ગૃહમંત્રી બન્યો છે તેની પર તો અમેરિકા દ્વારા 50 લાખ ડોલરનું ઈનામ પણ જાહેર કરાયેલું છે. હવે જ્યારે ત્રાસવાદીઓને જ તાલિબાન દ્વારા સરકારમાં મુકવામાં આવ્યા છે ત્યારે તાલિબાનનો આગળનો રસ્તો આતંકનો જ હશે તે નિશ્ચિત છે.

તાલિબાન દ્વારા અફઘાનિસ્તાન કબજે કરતી વખતે જે વચનો આપવામાં આવ્યા હતા તેવા કોઈ વચન પાળવામાં આવ્યા નથી. કેબિનેટમાં એકપણ મહિલાને સ્થાન આપવામાં આવ્યું નથી. નવી તાલિબાન કેબિનેટમાં જેને સ્થાન આપવામાં આવ્યું છે તે તમામ એવા છે કે જેઓ દ્વારા અમેરિકન ફોજ સામે 20 વર્ષ સુધી અફઘાનિસ્તાનમાં લડાઈ લડવામાં આવી છે. નવી સરકારમાં મુલ્લા હસનને વડાપ્રધાન બનાવવામાં આવ્યા છે. આ મુલ્લા હસન યુનોના આતંકીઓના લિસ્ટમાં સામેલ છે. જ્યારે બેને વચગાળાના નાયબ વડાપ્રધાન બનાવવામાં આવ્યા છે.

એક મંત્રી તો એવા છે કે જેની પર યુનો દ્વારા 73 કરોડ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મુલ્લા હસન તાલિબાનના સ્થાપકો પૈકીનો એક છે. હસન નાટો દેશની સેનાઓ પર હુમલાનું નેતૃત્વ પણ કરી ચૂક્યો છે. તાલિબાનમાં મોટા નિર્ણયો લેનારી લિડરશિપ કાઉન્સિલનો હસન પ્રમુખ છે. હસન જેહાદના નામ પર દુનિયામાં આતંક ફેલાવવામાં નિષ્ણાંત છે. જે બે નાયબ વડાપ્રધાન બનાવવામાં આવ્યા છે તે પૈકી મુલ્લા અબ્દુલ સલામ હનાફીએ સોમવારે જ અફઘાનિસ્તાનમાં ચીનના રાજદૂત સાથે મુલાકાત કરી હતી. જે બતાવે છે કે તાલિબાનની નવી સરકારની રચનામાં ચીનનો મોટો પ્રભાવ છે.

નવી તાલિબાન સરકારમાં પ એવા છે કે જેને યુનો દ્વારા ત્રાસવાદી તરીકે જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે તાલિબાન દ્વારા જે સિરાઝ હક્કાનીને ગૃહમંત્રી બનાવવામાં આવ્યો છે પરંતુ આ હક્કાની ખુદ ખુંખાર આતંકવાદી સંગઠન હક્કાનીનો વડો છે. હક્કાનીનો તાલિબાન સરકારમાં સમાવેશ એ બાબતનો મોટો સંકેત છે કે તાલિબાન સરકારની રચનામાં પાકિસ્તાનના આતંકી સંગઠન આઈએસઆઈએ મોટી ભૂમિકા ભજવી છે. માત્ર આટલેથી જ તાલિબાનની નવી સરકારની રચના અટકી નથી. તાલિબાનની નવી સરકારમાં જે વડાપ્રધાન બન્યો છે તેણે 2001માં બામીયાન બુદ્ધની પ્રતિમાને તોડી નાખવા માટે આદેશ આપ્યો હતો. ગૃહમંત્રી હક્કાની 2008માં કાબુલમાં ભારતીય દુતાવાસ પર થયેલા હુમલા માટે પણ જવાબદાર છે. અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ હામીદ કરજાઈની હત્યા કરવાનો પણ તેના પર આરોપ છે. હક્કાનીએ જ અફઘાનિસ્તાનમાં આત્મઘાતી હુમલાઓ શરૂ કરાવ્યા હતા. હક્કાની સ્યુસાઈડ બોમ્બર તૈયાર કરવામાં માસ્ટર છે.

તાલિબાનનો જે વિદેશ મંત્રી છે તે આમિર ખાન તાલિબાનનો સૌથી ખુંખાર આતંકવાદીઓ પૈકીનો એક છે. જ્યારે અમેરિકાની જેલમાં રહી ચૂકેલો બીજો ખુંખાર આતંકવાદી ખૈરૂલ્લાહ ખૈરખ્વાહ તાલિબાન સરકારનો સૂચના અને પ્રસારણ મંત્રી બન્યો છે. જે રીતે તાલિબાન દ્વારા અફઘાનિસ્તાનમાં નવી સરકાર બનાવવામાં આવી છે અને તેમાં ખુંખાર આતંકવાદીઓને જ ભેગા કરવામાં આવ્યા છે તે જોતાં આ આતંકી સરકારને ક્યારેય યુનો દ્વારા માન્યતા મળી શકે તેમ નથી. અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારની રચનામાં પાકિસ્તાન અને ચીનનો મોટો પ્રભાવ છે. પાકિસ્તાન અને ચીન, બંને દેશ ભારતના વિરોધી છે. ત્યારે અફઘાનિસ્તાનમાં નવી રચાયેલી તાલિબાન સરકારને હળવાશથી લેવાનું ભારતને પરવડે તેમ નથી. તાલિબાન નહીં ઈચ્છતું હોય તો પણ ચીન અને પાકિસ્તાન તેને ભારત સાથે લડાવશે જ. આ સંજોગોમાં ભારતે અફઘાનિસ્તાન અને તાલિબાનના મામલે એકદમ એલર્ટ રહેવું પડશે. જો ભારત સ્હેજેય ગાફેલ રહેશે તો તેનો મોટો ફાયદો પાકિસ્તાન અને ચીન ઉઠાવશે અને તે ભારતના હિતમાં સ્હેજેય નહીં હોય તે નક્કી છે.

Related Posts