ઇંગ્લેન્ડને ત્રણ દિવસમાં હરાવી ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચ્યું

ચોથી ટેસ્ટમાં ઇંગ્લેન્ડને ઇનિંગ અને 25 રનથી હરાવીને ભારતીય ટીમે દબદબાભેર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જગ્યા મેળવી લીધી છે. બીજી ઇનિંગમાં ઇંગ્લેન્ડની ટીમ 135 રનમાં ઓલઆઉટ થઇ હતી. ભારત તરફથી બંને ફ્રન્ટલાઇન સ્પિનર અક્ષર પટેલ અને આર. અશ્વિને 5-5 વિકેટ ઝડપીને ઇંગ્લેન્ડને કારમો પરાજ્ય આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.


આ પહેલા આજે સવારે ભારતીય ટીમે ગઇકાલના સ્કોર 294 પર સાત વિકેટથી આગળ રમવાનું શરૂ કર્યુ હતું. અક્ષર પટેલ અને વોશિંગ્ટન સુંદર વચ્ચે 106 રનની ભાગીદારીના પગલે ભારતે ઇંગ્લેન્ડ પર 160 રનની લીડ મેળવી હતી. જો કે, ફરી એકવાર સુંદર સદી ફટકારી શક્યો નહીં અને તે 96 રન પર અણનમ રહ્યો હતો. ભારતની પહેલી ઇનિંગ 365 રનમાં સમેટાઇ હતી.

આ સાથે ભારતીય ટીમે આ સીરિઝ 3-0થી જીતી લીધી છે. 165 રનનાં દેવા સાથે ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમને ફરી એક વખત અક્ષર પટેલે અને અશ્વિને ભીંસમાં લીધી હતી અને માત્ર 20 રનમાં ઇંગ્લેન્ડે 3 વિકેટ ગુમાવી દીધી હતી. ચોથી વિકેટ સ્ટોક્સના રૂપમાં પડી હતી જે માત્ર 2 રન નોંધાવી શક્યો હતો. ત્યારબાદ ઓલી પોપને પંતે સ્ટમ્પ આઉટ કરીને પાંચમો ઝટકો આપ્યો હતો.

છઠ્ઠી વિકેટ પણ 65ના સ્કોર પર પડી જ્યારે કેપ્ટન જો રૂટ 30 રન બનાવીને અશ્વિનનો શિકાર બન્યો હતો. બેન ફોક્સ 13 રન બનાવીને અક્ષરનો શિકાર બન્યો. છેવટે 135 રન પર ઇંગ્લેન્ડ ઓલઆઉટ થતાં ભારતે ઇનિંગ અને 25 રનથી જીત મેળવીને સીરિઝ 3-1થી જીતી લીધી હતી.

Related Posts