National

રોમાનિયામાં ભારતીય વિદ્યાર્થીઓ પાસે ટોયલેટ સાફ કરાવાયા, મદદ પાછળની કડવી હકીકત સામે આવી

નવી દિલ્હી: યુક્રેનમાં (Ukraine) ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને (Indian Student) વતન પરત લાવવા માટે સરકાર મદદ કરી રહી હોવાના દાવા વચ્ચે એક ચોંકાવનારી હકીકત સામે આવી છે. યુક્રેનથી પરત ફરેલા કેટલાંક વિદ્યાર્થીઓએ ઈન્ડિયન એમ્બેસી (Indian Embassy) પર ગંભીર આક્ષેપ (Allegations) કર્યા છે. આજે નવી દિલ્હી ખાતે આવી પહોંચેલા વિદ્યાર્થીઓએ કહ્યું કે, સરકાર તરફથી કોઈ મદદ મળી નથી. ઈન્ડિયન એમ્બેસીના અધિકારીઓએ મદદ કરવાના બદલે ખરાબ સમયમાં વિદ્યાર્થીઓને વધુ હેરાન કર્યા છે.

નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (New Delhi Indira Gandhi International Airport) પર આજે રોમાનિયાથી (Romania) કેટલાંક વિદ્યાર્થીઓ આવ્યા હતા. પ્રથમ વર્ષની વિદ્યાર્થીની દિવ્યાંશી સચાને એરપોર્ટ પર મીડિયા સાથે વાતચીતમાં પોતાનો રોષ ઠાલવતા કહ્યું કે, રોમાનિયાથી ફ્લાઈટમાં બેસાડી ઈન્ડિયા પરત લાવવાના કામને મદદ નહીં કહી શકાય. યુક્રેનની યુદ્ધભૂમિમાં અમે ફસાયા હતા અને મદદ માંગી રહ્યાં હતાં ત્યારે ઈન્ડિયન એમ્બેસીના અધિકારીઓ ફોન પણ ઉપાડતા નહોતા. પ્રતિ વિદ્યાર્થી 6000 રૂપિયા કાઢી જાતે બસ શોધી અમે રોમાનિયા બોર્ડર સુધી પહોંચ્યા હતા. રોમાનિયા બોર્ડર પર પણ ઈન્ડિયન એમ્બેસીના એકેય અધિકારી હાજર નહોતા. આફ્રિકન એમ્બેસીના અધિકારીઓ પોતાના દેશના વિદ્યાર્થીઓને લેવા ઉભા હતા પણ આપણા અધિકારીઓ શોધ્યે જડતા નહોતા. રોમાનિયા બોર્ડર ક્રોસ કરતા લોકો છોકરીઓને કચડીને આગળ વધતા હતા. ચોટલાં ખેંચતા હતા. મને પણ કચડવામાં આવી હતી. યાતના અહીંથી અટકી જતી નથી.

બિહારના સહરસાની વતની અને વિનિસ્તિયા મેડિકલ યુનિવર્સિટીની ચોથા વર્ષની વિદ્યાર્થીની પ્રતિભાએ કહ્યું કે, ભારતીય દૂતાવાસ અમારો ફોન ઉપાડતા નહોતા. એક વિદ્યાર્થીએ દૂતાવાસની કડવી હકીકતનો વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો તો તરત જ ફોન આવ્યો કે વીડિયો ડિલીટ કરો. સરકાર યુક્રેનમાંથી બહાર કાઢવાના બદલે પ્રચાર અભિયાનમાં વ્યસ્ત રહી હોવાનો આક્ષેપ પ્રતિભાએ કર્યો છે.

વધુ જણાવતા આ વિદ્યાર્થીનીઓએ કહ્યું કે, યુક્રેનમાં ભારતીય દૂતાવાસ તરફથી કોઈ મદદ મળી નથી. ચાર દિવસ-રાત હિમવર્ષામાં વિદ્યાર્થીઓ કોઈ પણ શેલ્ટર વિના ખુલ્લા રસ્તાઓ પર રહ્યા છે. બોર્ડર ક્રોસ કર્યા બાદ રોમાનિયાના સેફ ઝોનમાં પહોંચ્યા ત્યાર બાદ ઈન્ડિયન એમ્બેસીના અધિકારીઓ દેખાયા હતા. ત્યાં પણ ઈન્ડિયન એમ્બેસીના અધિકારીઓ દ્વારા ખૂબ જ ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. માઈનસ 20 ડિગ્રી ઠંડીમાં 14 કલાક સુધી 15 કિલોમીટર ચાલનારા વિદ્યાર્થીઓને રોમાનિયામાં ભારતીય દૂતાવાસના અધિકારીઓ મળ્યા હતા. તેઓએ ખૂબ જ ખરાબ વર્તન કર્યું હતું. અધિકારીઓએ થાકેલા વિદ્યાર્થીઓને કહ્યું જે પણ બાથરૂમ સાફ કરશે અમે તેને પહેલાં ભારત લઈ જઈશું અને બાકીના લોકોને પછી. બધા જ વિદ્યાર્થી થાકેલા હતા. 4 દિવસ હિમવર્ષામાં ચાલીને થાકેલા વિદ્યાર્થીઓમાં એટલી તાકાત નહોતી કે તેઓ બાથરૂમ સાફ કરે, છતાં ભારત પરત ફરવાની લાલચમાં કેટલાંક વિદ્યાર્થીઓએ બાથરૂમ-ટોયલેટ સાફ કર્યા હતા. આ દ્રશ્ય એમ્બેસીના અધિકારીઓ બેશરમીથી જોઈ રહ્યાં હતાં.

વિદ્યાર્થીની શતાક્ષીએ કહ્યું કે, રોમાનિયા બોર્ડર જાતે જ ક્રોસ કરી હતી. રોમાનિયામાં પ્રવેશ બાદ તો અમે જાતે જ ફ્લાઈટની ટિકીટ લઈ ભારત જઈ શકતા હતા. માત્ર ફ્રી ફ્લાઈટની સગવડ આપી મદદની ક્રેડીટ સરકાર લઈ રહી છે, તે ખોટું છે.

Most Popular

To Top