Madhya Gujarat

વિરપુરમાં ભાડાની આંગણવાડીમાં ભૂલકાઓ ભણતર લેવા મજબુર !

વિરપુર : વિરપુર તાલુકાની આંગણવાડીઓ જર્જરિત હાલતમાં હોવાના કારણે હાલ બાળકોને ક્યાંક ઓટલા પર તો ક્યાંક કોકના ઘરમાં કે પછી પાણી પુરવઠા વિભાગની પંપ રૂમમાં બેસાડી આંગણવાડી ચલાવવાની ફરજ પડી રહી છે.
વિરપુર તાલુકાના ઉમરીયા ગામની આંગણવાડીનું મકાન છેલ્લા ત્રણ વર્ષથી જર્જરિત હાલતમાં છે, જેના કારણે આંગણવાડી કાર્યકર બહેનો અને બાળકોના જીવ જોખમમાં ન મુકાય કરી ખાનગી મકાનમાં નાના ભૂલકાઓને બેસાડી પાયાનું શિક્ષણ આપે છે.

સરકાર વિકાસના મસમોટા દાવાઓ કરે છે પણ આંગણવાડીઓમાં ભણતા બાળકોની વેદના કોઇ સમજતું નથી. જેથી, આ બાળકો માટે ઉપર આભ અને નીચે ધરતી જેવો ઘાટ સર્જાય રહ્યો છે. હવે, ગામના બાળકો તેમજ આંગણવાડી કાર્યકર તેડાઘર બહેનોની મુશ્કેલીનો અંત ક્યારે આવશે ? તે જોવું રહ્યું. હાલ આ આંગણવાડીના અંદાજીત 25થી 30 જેટલા નાના ભૂલકાઓ માટે સુવિધાઓ યુક્ત નવા આંગણવાડીના મકાનો બંને માટે સરકાર ધ્યાન આપે તે જરૂરી બન્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, શિક્ષણ મંત્રીના જિલ્લામાં જ આંગણવાડી કેન્દ્ર પાસે પોતાનું મકાન ન હોવાના કારણે ભાડાના મકાનમાં આંગણવાડી ચાલે છે, ત્યારે એક નાનકડા રૂમમાં તે પણ ભાડામાં આ બાળકો બીજી કોઇ સુવિધા વગર અભ્યાસ કરી રહ્યા છે.

પંચાયતમાં ઠરાવ કરીને જાણ કરી છે
‘ઉમરીયા ગામની આંગણવાડી છેલ્લા ત્રણ વર્ષથી વિરપુર તાલુકા પંચાયત કચેરીને ઠરાવ કરી જાણ કરી તેમ છતાં મૌખીક પણ અનેકવાર રજૂઆતો કરી છે. હાલ‌ આંગણવાડીના બાળકોને છેલ્લા એક વર્ષથી ભાડાના મકાનમાં બેસાડે છે.’
દક્ષાબહેન પગી, પૂર્વ સરપંચ, ગ્રામ પંચાયત, ભરોડી

Most Popular

To Top