SURAT

સુરતીઓનો શોખ ગજબ: ચાંદીની ચપંલ, પર્સ અને વિન્ટેજ કાર બનાવડાવે છે

જ્વેલરીમાં ભલે અલગ અલગ ધાતુઓનો ટ્રેન્ડ આવે પણ સોના ચાંદીનો ક્રેઝ તો કયારેય ઓછો નહીં જ થાય. આ ધાતુઓ કિંમતી હોવાથી પહેલાના સમયમાં તેને પ્રસંગોપાત ખરીદવા અને આપવાનો રિવાજ હતો અને જો પૈસાની જરૂર પડે તો આ જ જણસ વહારે પણ આવતી, એટલે લગ્નપ્રસંગો કે કોઈ ખાસ પ્રસંગોમાં સોનાચાંદીના દાગીના આપવામાં આવતા જેથી એ પહેરી પણ શકાય અને જરૂર હોય ત્યારે કામ પણ આવે. પરંપરા પ્રમાણે અખાત્રીજ નિમિત્તે વધતા ઓછા પ્રમાણમાં સોનું તો ખરીદવામાં આવે જ છે.

જો કે આજની જનરેશનને કઈક યુનિક જ જોઈએ છે એટલે સોના ચાંદીમાં પણ નવી વેરાયટી શોધી જ કાઢી છે અને તેમાં પણ ચાંદી પર લોકોની ખાસ પસંદગી ઉતારી રહી છે. કારણ કે એની કિંમત પોસાય એવી તો હોય જ છે અને સ્ટેટસ પણ જળવાય રહે, આ જ કારણે આજે તો ચાંદીના વાસણો ઉપરાંત પાંખો, વોટર બોટલ, વિંટેજ કાર અને ચંપલ સુધ્ધાં ચાંદીમાથી બનાવડાવવાનો ક્રેઝ વધી રહ્યો છે. તો ચાલો જાણીએ કેમ વધી રહ્યો છે સુરતીઝમાં આ ક્રેઝ.

સ્ટેટસ સિમ્બોલ બની રહી છે ચાંદીની વસ્તુઓ: હિતેશ સોની
જવેલરીનો વ્યવસાય કરતાં હિતેશભાઇ સોની કહે છે કે, આજે તો લોકોને થોડા થોડા સમયમાં કઈક હટકે જોઈએ, જે તેમનું સ્ટેટસ જાળવી રાખે. થોડા સમય અગાઉ દીકરીને લગ્નમાં સોનાચાંદીની જવેલરી આપવાનો ટ્રેન્ડ હતો પણ અત્યારની જનરેશનનો ટેસ્ટ બદલાયો છે એટલે પેરેન્ટ્સ પણ સગવડ પ્રમાણે ચાંદી લઈને મૂકી દે છે અને જ્યારે જરૂર હોય ત્યારે દીકરી તેની પસંદગી પ્રમાણે વસ્તુઓ લઈ લે છે.

આ વસ્તુઓમાં હવે જવેલરીનો જ સમાવેશ નથી થતો પરંતુ સ્ટેટસમાં ચાર ચાંદ લાગે એવી મનગમતી કોઈપણ વસ્તુઓ ખરીદવામાં આવે છે. વધુ શ્રીમંત હોય એવા ફેમિલી તો સોનાની પાયલ કે પાણીની બોટલ પણ બનાવડાવે છે પરંતુ મોટાભાગના લોકોમાં આજે ચાંદીના પર્સ અને શો પિસ અને ચંપલ અને મોજડીનો ક્રેઝ જોવા મળી રહ્યો છે.

સોના કરતાં સસ્તું હોવાથી ચાંદી પહેલી પસંદ
થોડા સમય અગાઉ રોઝ ગોલ્ડ અને વ્હાઇટ ગોલ્ડ તરફ લોકોની પસંદગી ઉતારી હતી પણ તેમ છતા સોના ચાંદીનો ક્રેઝ તો રહેવાનો જ. એમાં પણ ખાસ કરીને સિલ્વરની વસ્તુઓ લેવાનું ખાસ કારણ એ કે આવી વસ્તુઓ તમે શો પીસ તરીકે પણ મૂકી શકો છો અને બાદમાં આ વસ્તુઓથી મન ભરાય જાય ત્યારે તેને વેચીને એ જ પૈસામાથી બીજી વસ્તુ પણ લઈ શકો છો. એટલે કોઈપણ વર્ગના લોકો પણ આસાનીથી ખરીદીને પોતાનો શોખ પૂરો કરી શકે છે.

ચાંદીનું પર્સ લેવાની બહું ઈચ્છા છે: યાશી વરિયાવવાલા
સ્કૂલ ટીચર યાશી વરિયાવવાલાને ચાંદીની વસ્તુઓનો જબરો ક્રેઝ છે. યાશી વરિયાવવાલા કહે છે કે, ‘’પહેલાં તો હું પ્રસંગોપાત સોના ચાંદીની જવેલરીની ખરીદી કરતી હતી પરંતુ મારો દીકરો આવ્યો ત્યારે મેં એના માટે કઈક નવું લેવાનું વિચાર્યું અને મેં ચાંદીની બોટલ લીધી, કારણ કે ચાંદીના વાસણમાં પાણી પીવું પણ ફાયદાકારક માનવામાં આવે છે. જો કે હવે તો ચાંદીમાથી જરૂરી હોય એવી અને સ્ટેટસ સિમ્બોલ ગણાતી ઘણીબધી વસ્તુઓ અવેલેબલ હોય છે પણ મારે તો હવે ચાંદીનું પર્સ લેવાની ઈચ્છા છે. ચાંદીની વસ્તુઓ લેવાનું એક ખાસ કારણ એ પણ છે કે, એ જૂનું થાય કે તૂટી જાય તો પણ તમને તેના પૈસા તો મળે જ છે એટલે એવી વસ્તુઓમાં ઇન્વેસ્ટ કરવાનું હું પ્રિફર કરું છુ અને સાથે જ ટ્રેન્ડી પણ લાગે.’’

નવી જવેલરી સાથે ટ્રેડિશનલની ડિમાન્ડ તો ખરી જ
અખાત્રીજમાં વર્ષોથી સોનું ખરીદવાની પરંપરા રહી છે. આજે સોનું મોંઘું બન્યું છે એટ્લે લોકો મોટા પ્રમાણમાં ખરીદતા નથી પરંતુ શુકન પૂરતું તો ખરીદી જ લે છે. જેને વધુ ખરીદવાની હોંશ હોય એમના માટે હવે 1 કે 2 ગ્રામની જ્વેલરી અને 18 કેરેટ ગોલ્ડ ખરીદવાનું સરળ છે. જો કે ઇન્વેસ્ટમેંટના હિસાબે લોકો આજે પણ લગડી કે ગિની ખરીદીને સંતોષ માને છે.

ચાંદીની વસ્તુઓ જોઈને આંખોમાં આવશે ચમક
પહેલાના સમયમાં રાજા રજવાડા કે ગર્ભ શ્રીમંત વર્ગના લોકો સોના કે ચાંદીના વાસણોમાં જમતા હોવાનું કહેવાતું, અને તેમની ઘણીખરી વસ્તુઓ પણ ચાંદી કે સોનામાથી બનાવવામાં આવતી હતી. ત્યારે હવે આજનો નવો ટ્રેન્ડ જોઈને એ દિવસો જરૂર યાદ આવી જાય એમ છે. આજે લોકો સ્ટેટસ સિમ્બોલને લઈને ખાસ્સા સજાગ થયા છે અને આ કારણે હાલમાં સોના કરતાં ચાંદીનો ખાસ્સો ક્રેઝ વધ્યો છે. જો કે કેટલાક લોકો સોનામાથી પણ વાસણો કે કંદોરા અને બાજુબંધ વગેરે બનાવડાવે છે પણ ચાંદીમાથી બનતા પર્સ, પંખા, બોટલ, વિંટેજ કાર વગેરે જોઈને તેને ખરીદવા તમારું મન જરૂર લલચાશે.

Most Popular

To Top