Vadodara

પાણીગેટ અને મચ્છીપીઠ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી

વડોદરા: શહેરના પાણીગેટ વિસ્તારમાં આજે પાલિકાની દબાણ શાખા દ્વારા ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પોલીસ વિભાગને સાથે રાખીને પાલિકાની દબાણ શાખા દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. શહેરમાં રાત્રીના સમયે અનેક વિસ્તારમાં બબાલ થાય છે આ અંગેના અહેવાલો ગુજરાત મિત્ર દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યા હતા. જો કે મોડે મોડેથી તંત્ર જાગ્યું છે અને ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

પાલિકાની દબાણ શાખા દ્વારા છેલ્લા બે દિવસથી વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો ઉપર તવાઈ બોલાવવામાં આવી રહી છે. ગતરોજ વાડી, ગાજરાવાડી વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો દૂર કરાયા બાદ આજે શહેરના પાણીગેટ વિસ્તારમાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. વાડી વિસ્તારમાં બે જૂથ વચ્ચે રાત્રીના સમયે થયેલ ધિંગાણા બાદ તંત્ર દ્વારા કડકાઈ કરવામાં આવી રહી છે. અને ગેરકાયદેસર દબાણો દૂર કરાઈ રહ્યા છે. આજરોજ પશ્ચિમ ઝોનની ટિમ દ્વારા પાણીગેટ પોલીસ મથકના સ્ટાફને સાથે રાખીને પી.આઈ. એચ.જે.પટેલના બતાવ્યા પ્રમાણે પાણીગેટના જુના પોલીસ મથકથી નવા પોલીસ મથક વચ્ચે દબાણો દૂર કરવામાં આવ્યા હતા.રોડ ઉપર ખડકાયેલા લારી ગલ્લા તથા પથારાને દૂર કરવામાં આવ્યા હતા. હજુ આગામી દિવસોમાં પણ આ કામગીરી ચાલુ રહેશે.

Most Popular

To Top