Vadodara

અતિભારે વરસાદની આગાહી છતાં મેઘરાજાની બે દિવસથી હાથતાળી

વડોદરા: વડોદરા શહેરમાં વીતેલા 48 કલાકમાં શહેરી જનો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.તો બીજી તરફ મેઘરાજા હાથતાળી આપી પલાયન બની રહ્યા છે.શહેર-જિલ્લામાં વરસાદના છાંટા પડ્યા બાદ મેઘરાજાએ હાથતાળી આપી હતી.મધ્ય ગુજરાતનાં ભરૂચ, ગ્રામીણ વિસ્તારો, નસવાડી, પાદરા તથા રાત્રે વડોદરા શહેરમાં વરસાદી ઝાપટાં પડ્યાં હતાં.જ્યારે શહેરના અલકાપુરી, વડીવાડી, વાડી, રાવપુરા, દાંડિયા બજાર સહિતના કેટલાક વિસ્તારોમાં બેથી ત્રણ મિનિટ વરસાદી છાંટાં પડ્યાં હતાં.

બીજી તરફ શહેરમાં દિવસભર પવનો ફૂંકાતા ધૂળની ડમરીઓએ વાહનચાલકોને પજવ્યા હતા.શહેરના રાજમાર્ગો પર પવનો ફૂંકાતા ધૂળની ડમરીઓનું દિવસ દરમિયાન સામ્રાજ્ય છવાયેલું રહ્યું હતું.જેને લીધે શહેરમાં નીકળેલા વાહનચાલકો અને રાહદારીઓની હાલત કફોડી થઈ હતી.જોકે તાપમાનમાં બદલાવ આવતા શહેરીજનો ગરમીથી મુશ્કેલીમાં મુકાયા હતા.આજે ગઈ કાલની સરખામણીમાં પવનોની ઝડપ વધતા ૧૫ કિમીની ઝડપે આખો દિવસ વેગીલા પવનો દક્ષિણપશ્ચિમ દિશા તરફથી ફૂંકાતા રહેતા શહેરના રાજમાર્ગો પર ઘૂળની ડમરીઓ ઉડી હતી.જેને લીધે રાહદારીઓ અને વાહનચાલકોની આંખમાં ઘૂળ પડતાં શહેરીજનોને આંખો ચોળતા નજરે ચઢ્યા હતા.જોકે ગોગલ્સ કે હેલ્મેટ પહેરેલા વાહનચાલકોને કામચલાઉ રાહત થઈ હતી.

Most Popular

To Top