SURAT

ટામેટા-આદુ બાદ કાંદા અને કોથમીર પણ થયા મોંઘા: વરસાદને લીધે શાકભાજીના ભાવ બેથી ત્રણ ગણા વધ્યા

સુરત: એક તરફ કારમી મોંઘવારીમાં ગરીબ,મધ્યમ વર્ગના પરિવારો માટે જીવન નિર્વાહ કરવું મુશ્કેલ બન્યું છે. બીજી તરફ પેટનો ખાડો પૂરવા માટે જરૂરી શાકભાજીના ભાવો આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. ઓછું ઉત્પાદન અને ભારે વરસાદને કારણે પાક ધોવાઈ જતા શાકભાજીના ભાવો આસમાને પહોંચ્યા છે.

120 રૂપિયે કિલો વેચાતા ટામેટા અને 200 રૂપિયે કિલો વેચાતા આદુ પછી હવે લીલા કાંદા, કોથમીર, ભીંડા, ચોળી, ફલાવરનાં ભાવો ગરીબ, મધ્યમ વર્ગની ગૃહિણીઓની ખરીદ શક્તિ બહારનાં થઈ ગયાં છે. એક જ મહિનામાં શાકભાજીના ભાવ બમણાથી ત્રણ ગણા થઈ ગયા છે.

તા.4/6/2023 નાં રોજ ગીલોળાનાં ભાવ સુરત એપીએમસીમાં 20 કિલોના 160થી 180 હતા એ 4 જુલાઇએ વધીને 600 થી 620 થઈ ગયા છે. લીલા કાંદાનો ભાવ એક મહિના પહેલા 300 -400 રૂપિયા ચાલતો હતો એ વધીને 600 -700 થઈ ગયો છે. સૌથી વધુ મોંઘી કોથમીર થઈ છે.

200 -300 રૂપિયે કિલો મળતી કોથમીર સીધી 900 -1000 રૂપિયે પહોંચી છે. ભીંડા જ્યાં 200-300 રૂપિયે મળતાં હતા તે હવે 20 કિલો એ 800 થી 1000 રૂપિયે મળી રહ્યાં છે. ચોળીનો ભાવ 20 કિલોનો 400-420 હતો તે એક મહિનામાં વધીને 1000 થી 1100 થઈ ગયો છે.

ફ્લાવરનો ભાવ એક મહિના પહેલા 180 થી 200 હતો એ બમણો થઈ 400 થી 500 થઈ ગયો છે. ગવાર, ફુદીનો, મરચા અને કોબીના ભાવમાં 20 કિલોએ 50 રૂપિયાથી 200 રૂપિયા વધારો થયો છે. મોટાભાગની શાકભાજીનો ભાવ છૂટક શાકભાજી માર્કેટમાં 100 રૂપિયા અથવા તેથી વધુ થઈ ગયો છે. સુરત એપીએમસીમાં 20 કિલો હોલસેલના ભાવ બેથી ત્રણ ગણા વધી ગયા હોય ત્યારે છૂટક શાકભાજી માર્કેટમાં આ ભાવો 5 ગણા વધી સદી વટાવી ગયા છે.

જે સિઝનમાં ભાવો ઓછા મળે છે ખેડૂતો એ શાકભાજીનો પાક ફરી લેતા નથી: બાબુભાઇ શેખ
સુરત એપીએમસીના ડિરેક્ટર બાબુભાઇ શેખ કહે છે કે, ગુજરાત,મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં શાકભાજીના ઓછા ઉત્પાદન ઉપરાંત ભારે વરસાદને લીધે ખેતરોમાં પાક ધોવાઈ જતા શાકભાજીના ભાવો ખૂબ વધ્યા છે. શાકભાજીના ભાવો વધવાનું બીજું કારણ ગત સિઝનમાં ખેડૂતોને ટામેટા અને આદુના પોષણક્ષમ ભાવ નહીં મળતાં આ સિઝનમાં તેમણે બીજી શાકભાજીનો પાક લીધો હતો.

બીજી તરફ ભારે વરસાદને લીધે ખેતરોમાં દિવસો પાણી ભરાઈ રહેતા શાકભાજીનો મોટો જથ્થો ખરાબ થયો છે. ખેડૂતને જે સિઝનમાં શાકભાજીનો ભાવ મળતો નથી બીજી સિઝનમાં પ્રોડકટ બદલી નાખે છે. એની અસરને લીધે પણ ભાવો વધે છે.

Most Popular

To Top