Madhya Gujarat

નડિયાદમાં 5 કરોડનો ખર્ચ છતાં ગંદકી યથાવત

નડિયાદ: નડિયાદ નગરપાલિકા હદના મુખ્ય રસ્તાઓ ચોખા ચણક છે. પરંતુ આંતરીયાળ વિસ્તારો અને મોટા પોષ વિસ્તારની સોસાયટીઓમાં પણ સમયસર ગદંકી ન હટાવાતી હોવાના દ્રશ્યો દેખાઈ રહ્યા છે. શહેરના પારસ સર્કલની સામે જ કાંસની ઉપર મુકેલા સફાઈના કન્ટેઈનરમાં અઢળક ગંદકી કલાકોના કલાકો સુધી ભરાયેલી રહે છે. આ કચરો તેની બહાર નીકળી કાંસમાં ઉતરી જતો હોય છે. તો ચકલાસી ભાગોળ વિસ્તારમાં પણ આ જ પરિસ્થિતી સર્જાયેલી છે.
નડિયાદ નગરપાલિકા માસિક 20થી 40 હજાર રૂપિયા સુધીના પગારમાં 160 ઉપરાંત કાયમી સફાઈકર્મીઓને વાર્ષિક 3 કરોડ જેટલી માતબર રકમ ચુકવે છે.

350ના મહેકમ સામે પાલિકા પાસે અત્યારે માત્ર 160 કર્મીઓ છે, જે વધારવા માટે સામાન્ય સભામાં દરખાસ્ત થઈ ચૂકી છે. આ ઉપરાંત સફાઈના કોન્ટ્રાક્ટમાં 1 કરોડ જેટલી માતબર રકમ ચુકવાતી હોવાનું સૂત્રોએ જણાવ્યુ છે. તો વળી, રાત્રિ સફાઈ માટે 70 લાખ ઉપરાંતનો ખર્ચ અને નગરપાલિકાની ઈમારતની સાફ સફાઈ માટે 10 લાખ જેટલુ ચુકવણુ પ્રતિ વર્ષ થાય છે. એટલે કે, નગરપાલિકા શહેરને સ્વચ્છ અને રળિયામણુ રાખવા માટે અંદાજીત 5 કરોડ રૂપિયા જેટલો ખર્ચ કરે છે. તેમ છતાં નડિયાદ નગરપાલિકામાં સફાઈ બાબતે અનેક વરવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. જૂજમાત્ર વિસ્તારો સ્વચ્છ દેખાય છે, જ્યારે મોટા ભાગના રહેણાંક વિસ્તારોમાં ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે. 

મુખ્ય વિસ્તારોને બાદ કરતા આંતરીયાળ અને અનેક સોસાયટી વિસ્તારોમાં જાણે સફાઈકર્મી જ ન ફાળવાયા હોવાનો ઘાટ સર્જાયો છે. તેમાંય ખાસ કરીને નડિયાદના કેટલાક વિસ્તારોમાં મુખ્ય રસ્તાઓ પર જ સફાઈ કર્મીઓ ફાળવાયા નથી. પરીણામે રસ્તા પરનો કચરો કાયમી ધોરણે ઉઠાવાતો નથી. તો ત્યાં કચરો ઉઘરાવવા માટે ડોર ટુ ડોર અભિયાન પણ ચાલતુ નથી, પરીણામે આ વિસ્તારમાં લોકો રોડ પર કચરો નાખી જતા કચરાના થર બાઝી ગયા છે. ચકલાસી ભાગોળથી ફતેપુરા રોડ પર જતા સ્થાનિકો જ્યાં સુધી ચીફ સેનેટરી ઈન્સપેક્ટર અથવા ચીફ ઓફીસરને રજૂઆત ન કરે ત્યાં સુધી ગંદકી હટાવાતી ન હોવાનું પણ જાણવા મળ્યુ છે. ત્યારે આ વિસ્તારોમાં નિયમિત સફાઈ થાય તેવી માગ ઉઠી છે. આશ્ચર્યજનક બાબત એ છે કે, નડિયાદ પાલિકાના કાઉન્સીલર કે વિવિધ કમિટિના ચેરમેનના ઘર આસપાસ સ્વચ્છતા જોવા મળે છે. પરંતુ અંતરિયાળ વિસ્તારમાં સ્થિતિ દુષ્કર હોય છે. તેમાંય તળાવોની હાલત પણ એટલી જ ખરાબ જોવા મળી રહી છે.

નગરજનો 65 લાખ ઉપરાંતનો સફાઈ ટેક્ષ ચૂકવે છે
નડિયાદ નગરપાલિકામાં સાડા ચાર લાખ નાગરીકો 65 લાખ રૂપિયા સફાઈનો વેરો ભરી રહ્યા છે. આ વેરા મુજબનુ વળતર નગરજનોને ન મ‌ળતુ હોવાનું દેખાઈ રહ્યુ છે. પરીણામે આમ, નાગરીકો પણ સોશિયલ મીડિયાના માધ્યમથી નગરપાલિકા પર માછલાં ધોઈ રહ્યા છે. વળી, સફાઈ જેવી પ્રાથમિક સુવિધાની બાબતે અરજીઓ કરીને કામ કરાવવાનો વખત આવ્યો છે. તો છેલ્લી સામાન્ય સભામાં સફાઈ વેરો વધારવા માટે પણ દરખાસ્ત થઈ ગઈ છે.

Most Popular

To Top