Madhya Gujarat

ડાકોરમાં કાઉન્સિલરને પોલીસ સાથેની દાદાગીરી ભારે પડી

નડિયાદ: ડાકોરના માર્ગો પર માસ્ક પહેર્યાં વિના મોટરસાઈકલ ઉપર ફરતાં પાલિકાના કાઉન્સિલર સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયાં હતાં. જોકે, નિયમ મુજબ ૧૦૦૦ રૂપિયા દંડ ભરવાને બદલે કાઉન્સિલરે પોલીસ સાથે રકઝક કરી, દંડ ભર્યો ન હતો. જેથી પોલીસે આ કાઉન્સિલર વિરૂધ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ કોરોનાની મહામારી ચાલતી હોઈ યાત્રાધામ ડાકોરમાં SASGUJ પ્રોજેક્ટ અંતર્ગત લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાની મદદથી માસ્ક વગર ફરતાં વાહનચાલકોને દંડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

જેમાં ડાકોર નગરપાલિકાના કાઉન્સિલર સુનિલભાઈ ઉર્ફે બોક્સર બાબુભાઈ પરમાર (રહે.ખુશી રેસીડેન્સી, ડાકોર) માસ્ક પહેર્યાં વિના મોટરસાઈકલ લઈને ગામમાં ફરતાં સમયે સીસીટીવી કેમેરામાં ઝડપાઈ ગયાં હતાં. જેથી નિયમ મુજબનો રૂ.૧૦૦૦ દંડ ભરવા માટે સુનિલભાઈને ડાકોર પોલીસનું તેડું આવ્યું હતું. ત્યારે ડાકોર પોલીસમથકે પહોંચેલાં સુનિલભાઈએ પોલીસ સાથે રકઝક કરી દંડ ભરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. જેને પગલે ડાકોર પોલીસે કાઉન્સિલર સુનિલભાઈ ઉર્ફે બોક્સર બાબુભાઈ પરમાર વિરૂધ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top