Comments

આ લોકશાહીમાં લોકો આટલા લાચાર કેમ છે?

‘લોકશાહી’ આ શબ્દ કેટલો સરસ લાગે છે. આજના સમયમાં ઉત્તમ ગણવામાં આવેલી શાસનવ્યવસ્થા. સૈધ્ધાંતિક રીતે અત્યંત ઉમદા ગણાયેલી આ લોકશાહીનો વર્તમાન અનુભવ કેવો છે? લોકો જયાં સર્વોપરી ગણવામાં આવ્યા છે ત્યાં લોકો કેટલા લાચાર છે! આ વાત મહારાષ્ટ્રમાં બનતા રાજકીય ઘટનાક્રમે સાબિત કરી છે. ચૂંટણી સમયે ચૂંટણી પંચથી માંડીને નેતાઓ, સામાજિક આગેવાનો, લેખકો, બધા જ સામાન્ય પ્રજાને કહે છે કે ‘મત’ આપવા અવશ્ય જાવ! એક નાગરિક તરીકે મતાધિકારનો ઉપયોગ કરવો આપણી ફરજ છે.’  ‘તમારો મત ખૂબ કીંમતી છે.’ – આવું આપણને કહેવામાં આવે છે, પણ કોઇ કહેતું નથી કે ‘તમારો મત કિંમતી છે. પણ, તે ગણાય ત્યાં સુધી જ!’ ‘એક દિવસ પૂરતો જ!’  મતગણતરી પૂરી થાય એટલે અમૂલ્ય મતની કોઇ કિંમત નથી! અરે ભાઇ, ચૂંટણી પતે પછી નાગરિકોની જ કોઇ કિંમત તો નથી તો તેમના મતની શી કિંમત હોય? મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીઓ પૂરી થઇ તે જ દિવસથી મતદારો લાચાર થઇને નેતાઓનો ખેલ જોયા કરે છે. લોકશાહીના નામે ચાલતા આ નાટકમાં પહેલા દિવસથી જ કોઇ પ્રજાને તો પૂછતું જ નથી કે અમે તમારા પ્રતિનિધિ છીએ. બોલો, અમે શું કરીએ.

શિવસેના-ભાજપનું કુદરતી-વૈચારિક ગઠબંધન છેક રામજન્મભૂમિ વિવાદ શરૂ થયો, આંદોલનનું રૂપ પકડયું ત્યારથી હતું. મહારાષ્ટ્ર વિધાનસભા લડયા, પણ સાથે જ પણ પરિણામો પછી ભાજપે મોટું મન રાખીને શિવસેનાને મુખ્યમંત્રી પદ આપ્યું નહીં! અને શિવસેનાને થયું કે આ ગઠબંધન હંમેશા એકપક્ષીય લાભ વિચારે છે. અમારે જ કાયમ ટેકો આપવાનો! સત્તાના આટાપાટામાં નેતાઓ પ્રજામતની વિરુધ્ધ ગયા. મૂળમાં તો કોંગ્રેસ, એસીપી વિરુધ્ધ ભાજપ-શિવસેનાને મત મળેલા. સાથે રહીને ચૂંટણી લડનારા સાથે રહી શકયા નહીં! અને જેના વિરુધ્ધ ચૂંટણી લડયા તેના જ ટેકાથી શિવસેનાએ સત્તા મેળવી! પ્રજા લાચાર બનીને જોતી રહી! કાંખઘોડીને ‘આઘાડી’ કહી ને આગળ ‘વિકાસ’ શબ્દ લગાવ્યો.

પ્રજાએ ગઠબંધન સ્વીકાર્યુ અને સરકાર ચાલી. હવે અઢી વરસ થયાં, અઢી બાકી હતાં અને શિવસેનાના જ ધારાસભ્યો છેક ગુવાહાટી આસામમાં જઇને બેઠા! હવે અચાનક આ લોકપ્રતિનિધિઓને લાગ્યું છે કે એન.સી.પી. કોંગ્રેસ સાથે રહેવાય નહીં! અને ટેકો અપાય પણ નહીં! ફરી પ્રજા લાચાર અને તમાશો જોતી ચૂપ! પ્રજા કરી પણ શું શકે! આ શાસનવ્યવસ્થામાં નેતાઓ રાતોરાત વિચાર બદલે, પક્ષ બદલે, સત્તા બદલે, આ બધું ચાલે, પણ પ્રજા જો આમના વિરુધ્ધમાં રસ્તા પર ઉતરે, વિરોધ કરે તો ના ચાલે! અત્યંત આદર્શ ગણાતા બંધારણમાં ચૂંટણીમાં મતદાન પત્યા પછી પ્રજાના કોઇ હકક છે જ નહીં! પોતાના પ્રતિનિધિને પાછા બોલાવવાનો હકક તો દૂરની વાત છે. પ્રશ્ન પૂછવાનો પણ હકક નથી!

લોકશાહીના નામે ચાલતી આ પ્રતિનિધિ શાસનવ્યવસ્થામાં પ્રતિનિધિ પસંદ કરવામાં પણ બહુમતીનો નિયમ ચાલે છે. કરોડો લોકોના મત દ્વારા પ્રતિનિધિ બનેલાં લોકો ‘કરોડો કમાય છે.’ આ દેશમાં અત્યારે રાજકીય નેતા વિરુધ્ધ બોલો તો સજા થાય, ધાર્મિક નેતા વિરુધ્ધ બોલો તો સજા થાય, પણ લોકશાહીના જાહેરમાં ધજાગરા ઉડાડો તો કાંઇ ન થાય! એ સાચું કે લોકસભામાં એક સમયે શ્રી અટલબિહારી વાજપાઇએ કહ્યું હતું કે ‘આવી સત્તા ના આવતી હોય તો ના આવે’ પણ તેમના વારસદારો જ આ આદર્શ માનતા નથી! ઇંગ્લેન્ડના એક ચિંતકે લખ્યું છે કે વર્તમાન લોકશાહી વ્યવસ્થામાં ચૂંટણી એટલે ‘પાંચ વર્ષ કોની ગુલામી કરવી તે નકકી કરવાની સ્વતંત્રતા આવતો દિવસ.’

ભારતમાં  પ્રજાતંત્રમાં પ્રજાને લાચાર બનાવવાનો ઇતિહાસ જૂનો છે. જે આજે મહારાષ્ટ્રમાં ભજવાઇ રહ્યું છે તે નાટક અનેક રાજયોની પ્રજાએ અનેકવાર જોયું છે. ખગોળવિજ્ઞાનમાં પ્રખર એવા ભારતના જયોતિષીઓ કયો ગ્રહ કઇ તારીખે, કયા સમયે કઇ રાશિમાં પ્રવેશ કરશે તે કહી શકશે પણ, કયો નેતા કયારે કઇ પાર્ટીમાં જશે તે નહીં કહી શકે! આયારામ ગયારામની રાજનીતિમાં નિયંત્રણ લાવવા માટે એક તૃતિયાંશ નેતાઓના પક્ષપલટાનો નિયમ લવાયો! એટલે કે વ્યકિત એકલો કરે તે ગુનો ગણાય, પણ જરૂરી બહુમત સાથે કરે, ભેગા મળીને કરે તો વાંધો નહીં! અને હવે સામુહિક સ્થળાંતર શરૂ થયું! પ્રજાની કેવી ક્રૂર મજાક છે કે આસામમાં પૂર છે. ત્યાંના નેતાઓ ત્યાંની પ્રજાની ચિંતા કરવાના બદલે મહારાષ્ટ્રથી આવેલા નેતાઓની ચિંતા કરતા હશે! મહારાષ્ટ્રમાં બેઠેલા નેતાઓ મહારાષ્ટ્રની પ્રજાની ચિંતા કરવાના બદલે આસામના ગુવાહાટીમાં બેઠેલા નેતાઓની ચિંતા કરે છે!

બાજપાઇજીની સરકાર એક મતથી પડી જાય! કોંગ્રેસ વિરુધ્ધમાં લડેલા ગુજરાત જનતા દળ કોંગ્રેસના ટેકાથી જ સરકાર ચલાવે, આવું જ શંકરસિંહ વાઘેલાના બળવા વખતે થાય, મધ્યપ્રદેશમાં આ જ નાટક ભજવાય! કાશ્મીરથી કન્યાકુમારી અને 1951 થી 2022 સ્થળ અને સમય બન્નેના ગાળામાં એક વાત સ્પષ્ટ કે ચૂંટણી પત્યા પછી ચુંટાયેલા નેતાઓ કંઇ પણ કરે!  પ્રજાએ કાંઇ બોલવાનું નહીં! આવું ન ચાલે! આનો ઉકેલ લાવવો જ પડશે! વારેવારે ચૂંટણી કરવી પડે તો ભલે, ખર્ચ ઉપાડવો પડે તો ભલે! પણ લોકોને સાવ તડકે મૂકી દેવામાં આવે તે તો ન જ ચાલે! કાયદા બદલવા પડશે!

370 ની કલમ રદ થાય, ત્રિપલ તલાક રદ થાય, તો આવી બિનલોકશાહી વ્યવસ્થાઓ પણ રદ થવી જ જોઇએ! હવે તો વિજ્ઞાન – ટેકનોલોજીનો યુગ છે. અગત્યના નિર્ણયોમાં પ્રજામત જાણવાની વ્યવસ્થા ગોઠવવી અઘરી નથી! માત્ર પક્ષપલટા માટે જ શું કામ? પ્રજાના મોટા વર્ગને અસર કરનારી જાહેર સેવાઓ, સંસ્થાઓ કે કાયદાના ઘડતર માટે પણ પ્રજામત લઇ જ શકાય! ‘જો યુરોપમાં રહેવું કે જુદા પડવું એ બ્રિટનમાં પ્રજામત દ્વારા નકકી થઇ શકતું હોય તો ભારતમાં કેમ નહીં? પ્રજાના પ્રતિનિધિને પ્રજાને જવાબદાર બનાવવાનો સમય આવી ગયો છે. આજે રથયાત્રા છે. ભગવાન સ્વયં લોકોના ઘરે જઇ શકતા હોય તો લોકનેતાઓ લોકોના ઘરે કેમ ના જાય? જરૂર પડે તો ઘરભેગા કેમ ન થાય? બંધારણમાં સુધારો કરવો પડે તો કરો, કાયદો બદલવો પડે તો બદલો…. પણ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થતી હોય ત્યારે પ્રજા લાચારીનું ઝેર પચાવવા મજબૂર ન બનવી જોઇએ!          
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top