Columns

જાણો કારકિર્દીમાં એપ્ટીટયુડ ટેસ્ટનું કેટલું મહત્ત્વ

મિત્રો, શૈક્ષણિક વર્ષની પ્રથમ ટર્મ પૂરી થઇ ગઇ. બીજી ટર્મની શરૂઆત અને પૂર્ણાહુતિ જલ્દીથી ત્રણ-ચાર મહિનામાં જ થઇ જાય. ખાસ કરીને ધો. ૧૦-૧૨ ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દીના પંથે દરરોજ નવી ક્ષિતિજો ઊઘડતી જાય છે. નવીનતાઓ ઉમેરાતી જાય છે ત્યારે વાલી અને સંતાનો પાસે અસંખ્ય પ્રશ્નો હોય છે. જેમાં પ્રાણપ્રશ્ન – ‘કઇ લાઇન લેવી સારી?’ ‘સારી’ નો અર્થ તમે અને હું સમજીએ છીએ કે જેમાં ભણવા માટે સરળતાથી પ્રવેશ મળી જાય, સહજતાથી ભણાય જાય અને છ ડીજીટવાળી નોકરી મળી જાય એટલે ભયો – ભયો. ચાર શબ્દોના વાકયનો જવાબ – વિગતથી વિચારવો પડે કેમ કે કુદરતનું દરેક સર્જન અનોખું છે, જેમાં વિવિધતા ભરેલી છે અને દરેક બાળકને કુદરતે  અનોખી ભેટ આપેલી છે જે જાણવી, સમજવી અને સ્વીકારવી જરૂરી છે. તો ચાર શબ્દોના વાકયનો જવાબ – ‘દરેક લાઇન સારી જ છે જો તમે એને માટે ક્ષમતા / એપ્ટીટયુડ ધરાવતા હોવ તો.’

દૃષ્ટિ ધો. ૧૦ માં હતી ત્યારે  એપ્ટીટયુડ ટેસ્ટ કરાવી. એનું નિર્દેશન ગ્રાફિકસ તરફના એરિયામાં આવ્યું પરંતુ માતાને તો કંઇ અલગ જ અભિલાષા માટે દૃષ્ટિને ગણિત જૂથ સાથે વિજ્ઞાન લેવડાવ્યું. ધો. ૧૨ તો જેમતેમ પાસ કર્યું પણ દૃષ્ટિ ખૂબ જ મકકમ કે મારે એન્જિનિયર તો બનવું જ નથી. ધો. ૧૦ ના બેઝ પર ગ્રાફિકસના ડિપ્લોમામાં પ્રવેશ લીધો પછી ફરી એક ડિપ્લોમા કર્યો અને ૨૨ વર્ષની વયે દૃષ્ટિએ ગ્રાફિકસ ડીઝાઇનીંગમાં પોતાનું સ્થાન જમાવ્યું છે, પાંચ ડીજીટવાળી એક સારા MBA કે Engineer કરતાં પણ વધુ સેલેરી મેળવે છે. મિત્રો, પ્રશ્ન થાય કે એપ્ટીટયુડ એટલે શું? કેમ કરાવવી જોઇએ? કયાં કરાવવી? શા માટે કરાવવી? કયારે કરાવવી જોઇએ? જેવા અનેક પ્રશ્નો માતા-પિતા અને વિદ્યાર્થીઓનાં મનમાં થાય એ સ્વાભાવિક છે. તો ચાલો જોઇએ….

– કોઇપણ કારકિર્દી / વ્યવસાયની મૂળભૂત લાક્ષણિકતાઓમાં સંપૂર્ણ જવાબદારી, જે વિશિષ્ટ અને સૈધ્ધાંતિક જ્ઞાન પર આધારિત હોય છે. જયાં નૈતિક જવાબદારી સાથે ગ્રાહકને સંતોષ આપવાની સ્વાયત્તતા આપવામાં આવે છે અને આ કાર્ય કરતાં આત્મસંતોષ મળે છે  માટે કારકિર્દી આયોજનમાં વ્યકિતનાં વ્યકિતત્વની, એની અભિયોગ્યતા, રૂચિઓ, વલણો, મૂલ્યો જેવાં પરિબળોની ઊંડી અસર જોવા મળે છે. માટે આ બધાં જ પરિબળોને જાણવાનું પરીક્ષણ એટલે – એપ્ટીટયુડ ટેસ્ટ: તમારા ઝોક, વલણ માટેની કુદરતી ક્ષમતા, અભિયોગ્યતા. જે યોગ્યતા આધારિત કારકિર્દી આયોજનમાં મદદ કરે છે. તમારી કુદરતી શકિતઓ તરફ નિર્દેશ કરે છે કે તમે ભવિષ્યમાં કયાં ક્ષેત્રમાં વધુ સફળ થઇ શકો છો, તમારી ઊંડી અભિયોગ્યતા જેતે ક્ષેત્રને ઊંડાણપૂર્વક સમજવામાં મહત્ત્વની અનોખી ભૂમિકા ભજવે છે.

ચેતન સંજોગોવસાત ધો. ૧૨ પછી ભણી નથી શકયો પરંતુ આજે મોબાઇલની શોપ ધરાવે છે અને ખૂબ જ મહેનતથી, ખંતથી, જાતે શીખીને ટેક્નિકલ થિયરીઓ શીખી છે અને ટેક્નિકલ સમસ્યાને સૂલઝાવવામાં સૂઝ-બૂઝ ધરાવે છે. અભિયોગ્યતા જેતે ક્ષેત્રમાં તમને માહિતીમાંથી જ્ઞાન તરફ લઇ જાય છે. કાર્યક્ષેત્રમાંથી સિધ્ધાંતોની ઊંડી સમજણ તરફ લઇ જાય છે અને જેઓ અભ્યાસ કરે તેઓ સિધ્ધાંતોથી કાર્યક્ષેત્રમાં સફળતાપૂર્વક આગળ વધે છે. આમ એપ્ટીટયુડ ટેસ્ટ – કારકિર્દીની પસંદગીમાં ‘સ્વ-જ્ઞાન’ પૂરું પાડે છે.

– વિવિધ ધ્યેયો માટે વિવિધ પરીક્ષણો ઉપલબ્ધ છે ત્યારે કારકિર્દી માટે પણ કારકિર્દી યોગ્યતા પરીક્ષણો વિવિધ સંસ્થાઓ દ્વારા પ્રયોગો કરીને વિશ્વ ધોરણે વિકસાવવામાં આવ્યા છે. એમાંનું એક તે NewYork Psychological Corporation દ્વારા વિકસાવવામાં આવેલી Differential Aptitude Test (DAT) જેનું મુખ્ય ધ્યેય જેતે વ્યકિત- વિદ્યાર્થીમાં પડેલી શકિત જે સુષુપ્ત અવસ્થામાં છે તેને જાણવાનો વૈજ્ઞાનિક અભિગમ. યોગ્યતા પરીક્ષણ ચોકકસ ક્ષેત્રોમાં વ્યકિતની વ્યાવસાયિક શકિતઓ અને નબળાઇઓને ઓળખવામાં મદદ કરે છે. જે તમને ચોકકસ કારકિર્દીના પંથે સફળ થવામાં મદદ કરે છે. પરીક્ષણ બુધ્ધિના સ્તરને ઓળખવામાં મદદ કરે છે. જે તમને વધુ અસરકારક રીતે શીખવામાં અને લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મદદ કરી શકે છે.  તમારી પાસે યોગ્ય અભિગમ છે પરંતુ જરૂરી યોગ્યતાનો અભાવ છે તો સફળતા મુશ્કેલ બની શકે છે.  જે તમને તમારું લક્ષ્ય હાંસલ કરવામાં મદદ કરે છે.

  • – કયારે આપી શકાય? કોણ આપી શકે?
  • સામાન્ય રીતે ધો. ૯ પછી એપ્ટીટયુડ ટેસ્ટ આપી શકાય છે કે જયારે બાળકના મગજનો વિકાસ ચરમસીમા પર પહોંચવાના ફેઝમાં હોય છે. કોઇ પણ  મીડિયમમાં ભણતો વિદ્યાર્થી આપી શકે છે.
  • – એને માટે કોઇ જ પૂર્વ તૈયારી કરવાની હોતી નથી.
  • – સાડા ત્રણથી ચાર કલાકનું લેખિત પરીક્ષણ હોય છે. જે વૈકલ્પિક હોય છે. જેમાં વિવિધ વ્યવસાયોને લગતી વિવિધ ક્ષમતાઓનું પરીક્ષણ હોય છે.
  • – આ ટેસ્ટનું પરીક્ષણ ટ્રેઇન્ડ, કવોલિફાઇડ વ્યકિત કરી શકે છે કેમ કે ટેસ્ટ એડમિનિસ્ટર કરવાની, એનું મૂલ્યાંકન કરી, એને વૈજ્ઞાનિક નોમ્સ દ્વારા અર્થઘટન કરી માસ્તર ડિગ્રી સુધીનું માર્ગદર્શન પૂરું પાડવાનું કાર્ય કરવાનું હોય છે.
    “Genius is nothing but a greater aptitude for patience.”
     — Benjamin Franklin

Most Popular

To Top