Comments

શ્રીલંકા માટે IMFની લોન મંજૂરીના આરે, પણ મધ્યમ વર્ગ માટે રાહત હજુ પણ દૂર

આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહેલા શ્રીલંકા માટે માર્ચની શરૂઆતમાં સારા સમાચાર આવ્યા છે. ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ દ્વારા ૨.૯ બિલિયન ડોલરનું પેકેજ મંજૂર થઈ ગયું છે. એક્સપોર્ટ-ઇમ્પોર્ટ બેંક ઓફ ચાઇનાએ IMFને શ્રીલંકાના ડેટ રિસ્ટ્રક્ચરિંગ પ્રોગ્રામને ટેકો આપતા પત્ર લખ્યો છે, જે લોનની અંતિમ મંજૂરી મેળવવા માટે મહત્વપૂર્ણ છે. સવા બે કરોડની વસતી ધરાવતો આ દેશ તેના ૭૦ વર્ષના ઇતિહાસના સૌથી ખરાબ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. શ્રીલંકાએ તેના ૪૬ બિલિયન ડોલરના વિદેશી દેવા સામે નાદારી જાહેર કર્યા પછી ગયા વર્ષે ૧૮ માર્ચે ઔપચારિક રીતે IMFની મદદ માંગી હતી. IMF પ્રોગ્રામ શ્રીલંકા માટે ખૂબ જરૂરી છે અને શ્રીલંકા તે મેળવવા સપ્ટેમ્બરથી પ્રયાસ કરી રહ્યું છે.

જોકે IMF બેલઆઉટ પ્લાનના વિરોધમાં શ્રીલંકાના યુનિયનોએ હડતાળ પાડી છે. IMF દ્વારા ૨.૯ બિલિયનની લોનની પૂર્વશરત તરીકે કરવેરાના દર વધારવાનું સૂચવવામાં આવ્યું છે. જાહેર ક્ષેત્રના કામદારો સરકારને કરવધારો પાછા ખેંચવા માંગ કરી રહ્યા છે. સમગ્ર શ્રીલંકામાં હોસ્પિટલો, શાળાઓ અને રેલવેના હજારો કામદારો IMF બેલઆઉટની પૂર્વશરત તરીકે લાદવામાં આવેલા વધારાના કર સહિત જીવનનિર્વાહના ઊંચા ખર્ચના વિરોધમાં હડતાળ પર ઉતર્યા છે. ૪૦થી વધુ ટ્રેડ યુનિયનો હડતાળમાં જોડાતા શાળાઓની ટર્મ ટેસ્ટ અને હોસ્પિટલોની ઓપીડી રદ કરવામાં આવી હતી.

કોલંબોના મુખ્ય બંદર ઉપરાંત ૧૪ જેટલી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પણ હડતાળની અસર જોવા મળી. સશસ્ત્ર સૈનિકોને રેલવે સ્ટેશનો તેમજ બંદરો પર તૈનાત કરી સરકારે આવશ્યક સેવાઓ પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો. સરકારે ઑફિસ કર્મચારીઓને કોલંબો પહોંચાડવા ૨૦ ટ્રેનો ચલાવી હતી, પરંતુ યુનિયનોના જણાવ્યા અનુસાર આ સંખ્યા દૈનિક ટ્રાફિકના પાંચ ટકાથી ઓછી છે. સરકારે રાજ્ય સંચાલિત બસો કાર્યરત રાખવાનો અસફળ પ્રયાસ પણ કર્યો.  જાન્યુઆરીથી આવકવેરામાં થયેલા તીવ્ર વધારાના વિરોધમાં વ્યવસાયિકો પણ ટ્રેડ યુનિયનો સાથે જોડાયા છે.

સરકારે ચેતવણી આપી છે કે, આવશ્યક સેવાઓને અસર કરતી હડતાળ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ છતાં હડતાળ પાડવામાં આવી હતી. સરકારે જણાવ્યું હતું કે, શ્રીલંકા અત્યારે ખૂબ જ સંવેદનશીલ બિંદુ પર છે અને જનતાએ આ સમજવું અને સરકારને સમર્થન આપવું મહત્વપૂર્ણ છે. જો સરકારની આવકમાં સુધારો થશે તો જાહેર ક્ષેત્ર જ તેનું સૌથી પહેલું લાભાર્થી હશે. વોશિંગ્ટન સ્થિત આઇએમએફનું એક્ઝિક્યુટિવ બોર્ડ ૨૦ માર્ચે શ્રીલંકા અંગે નિર્ણય લેવાનું છે અને ચાર વર્ષના ગાળામાં નવ હપ્તામાં અપાનાર લોનનો પ્રથમ હપ્તો જાહેર કરે તેવી અપેક્ષા છે. વાટાઘાટોમાં સામેલ અધિકારીઓએ જણાવ્યું હતું કે IMF કર સુધારણાનો વિરોધ અને સામાજિક અશાંતિ પર બારીકાઇથી નજર રાખી રહ્યું છે.

૨૦૨૧ના ​​અંતથી શ્રીલંકામાં અભૂતપૂર્વ આર્થિક કટોકટી વચ્ચે વધતો ફુગાવો, ખોરાક, દવા અને ઇંધણની અછત તેમજ બેરોજગારને કારણે પરિવારોની હાલત કફોડી થઈ ગઈ છે. લોકોના વિરોધના પગલે ગયા વર્ષે જુલાઈમાં રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેને હટાવવામાં આવ્યા હતા. શ્રીલંકાની આર્થિક મંદી ભૂખમરા તરફ જઈ રહી છે અને દેશના અડધોઅડધ પરિવારોને ભોજન પાછળ થતો ખર્ચ ઘટાડવાની ફરજ પડી છે.

હડતાળના એક દિવસ પછી ‘સેવ ધ ચિલ્ડ્રન’દ્વારા પ્રકાશિત અહેવાલમાં ચેતવણી આપવામાં આવી છે કે, શ્રીલંકાની સરકાર અને આંતરરાષ્ટ્રીય સમુદાયે દેશના બાળકોને ભૂખમરાથી બચાવવા પગલાં લેવા જોઈએ. ૧૦માંથી ૯ ઘરો તેમના બાળકોને પોષક આહાર આપી શકતા નથી. આમ, ભારતના બંને પાડોશી દેશો શ્રીલંકા અને પાકિસ્તાન બહારની મદદ ઉપર આધારિત રહી પોતાની અર્થવ્યવસ્થા સ્થિર કરવા માટે કામે લાગ્યા છે અને એમાં હાલના તબક્કે કાંઈક સફળ થતાં હોય એવું પણ દેખાય છે. આમ છતાં આ બંને દેશોમાં લાંબા ગાળાની શાંતિ સ્થપાય અને અર્થવ્યવસ્થા સ્થિર થાય તેને કેટલો સમય લાગશે તે અંગે તો રાહ જોવી જ રહી.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top