SURAT

‘મારો સાલે કો..’, પોરબંદરના સબ પોલીસ ઈન્સ્પેક્ટરને સુરતમાં 7 જણાએ ફટકાથી માર્યો

સુરત : પોરબંદર પોલીસ ઉપર સુરતમાં હુમલો થતાં આ બનાવની ફરિયાદ કરવામાં આવી છે. પોરબંદરના લોકરક્ષક દેવેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજાએ કરેલી ફરિયાદ મુજબ ગત 14 માર્ચે પીએસઆઈ કે.એ.સાવલીયા, પો.કો. ગોપાલભાઈ દેવશીભાઈ તથા આઉટસોર્સ ડ્રાઈવર ભાવેશ વ્યાસ સાથે સુરત આવ્યા હતા.

  • પોરબંદરનો પોલીસ સ્ટાફ ઠગાઇના ગુનાની તપાસ માટે સુરત આવ્યો હતો
  • ઇચ્છાપોરમાં પોરબંદરના સબઇન્સ્પેક્ટર પર આરોપી સહિત 7નો હુમલો

પોરબંદર કમલાબાગ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીના ગુનાનો આરોપી મંગેશ ઉર્ફે સુરેશ જીવતરામ ફુલવાણી (રહે.નક્ષત્ર એમ્બેસી, પાલ) હાલ સુરતમાં હોવાની બાતમી મળી હતી. 15 માર્ચે સવારે સુરત ક્રાઈમ બ્રાંચની મદદ મેળવી તેમની એક ટીમ પણ પોરબંદર પોલીસ સાથે આરોપીના ફ્લેટ પાસે વોચ રાખી હતી.

દરમિયાન 18 માર્ચે બાતમી મળી હતી કે આરોપી ઇચ્છાપોર ગામમાં આવેલા આરજેડી ટેક્ષટાઈલ્સ ખાતા નંબર 553 ખાતે તેના ભાઈ યોગેશ ફુલવાણીને ત્યા છે. જેથી પીએસઆઈ કે.એ.સાવલીયા સાથે ખાનગી વાહનમાં ખાતા નજીક પહોંચી વોચ ગોઠવી હતી.

સાંજના સમયે ખાતા બહાર એક કાર (જીજે-05-આરક્યુ-6111) પાર્ક હતી. આ ગાડી પાસે થોડીવારમાં મંગેશ આવીને ઉભો રહેતા પીએસઆઈએ તેમની ઓળખ આપી હતી. અને મંગેશને તમારી વિરુધ્ધ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જેથી પુછપરછ કરવાની છે તેમ કહ્યું હતું. પરંતુ મંગેશ પોલીસને ઓળખી જતા બોલાચાલી કરવા લાગ્યો હતો અને ભાગવા પ્રયાસ કરી ભાઈ યોગેશ પુલીસ આ ગઈ હે મુઝે પકડ લીયા હે તુમ નીચે આ જા તેમ કહીને બુમો પાડી હતી.

યોગેશ નીચે આવી ગયો હતો અને તેના કારીગરોને બોલાવી લાકડાના ફટકા લઈ આવ્યા હતા. અને પોલીસને માર માર્યો હતો. યોગેશે તેના કારીગરોને ‘મારો સાલે કો, મે હું ના, તુમ કો કુછ નહીં હોને દુંગા’ તેમ કહેતા બે કારીગરો આવીને લાકડાના ફટકા વડે માર મારી મંગેશને ભગાવી ગયા હતા. બાદમાં પોલીસ કંટ્રોલરૂમાં ફોન કરતા ઇચ્છાપોર પોલીસની પીસીઆર વાન આવી હતી. અને બાદમાં મંગેશ ફુલવાણી, યોગેશ ફુલવાણી સહિત 7 ની સામે ફરિયાદ નોંધાવી હતી. આરોપી પોરબંદરમાં કેમિકલની 22 લાખની છેતરપિંડી કરી છે.

Most Popular

To Top