Charchapatra

અસમતુલા એ આંદોલનની જનક છે

અત્યારની કોરોનાની મહામારીમાં સાધનો ખૂટી પડ્યાં અને મેન પાવરની પણ એટલી જ ભયંકર અછત ઊભી થઇ છે. કોઈ પણ સરકારી ખાતામાં જઈએ તો એક સમસ્યા હંમેશા સાર્વત્રિક જોવા મળે છે અને એ છે સ્ટાફની અછત. સરકારી ખાતાંઓમાં વર્ષોથી ઘણી જગ્યાઓ ખાલી રહેતી આવી છે. સરકાર જગ્યા ભરવામાં અને ભરતી કરવામાં કેમ પીછેહઠ કરે છે? એ નથી સમજાતું.

બીજી તરફ કરોડો શિક્ષિત બેરોજગારો નોકરી માટે ફાંફાં મારી રહ્યા છે. સરકાર નવી નોકરીઓ ના ઊભી કરે તો કંઈ નહીં કમ સે કમ જે જગ્યાઓ ખાલી છે તેને પૂરવાનું તો કામ કરે. બીજો એક વિરોધાભાસ આપણે ત્યાં એ પ્રવર્તી રહ્યો છે કે ઘણાંને ૫૦ હજારથી લઈને લાખ રૂપિયા સુધીનો પગાર હોય છે, જ્યારે ઘણાને એ જ કામ કરવા બદલ દસ-બાર હજાર અથવા એનાથી યે ઓછા પગારમાં નોકરી કરવી પડતી હોય છે, જ્યાં સ્કિલની જરૂર હોય ત્યાં ભલે ઊંચો પગાર અપાતો હોય, પરંતુ ક્લાર્ક અને એકાઉન્ટન્ટ જેવા હોદ્દાઓ માટે પણ (જેનો ફાલ સૌથી વધારે હોય છે. ઊંચા પગાર આપવા પડે એ કેટલે અંશે ઉચિત ગણાય? હંમેશા “સ્કિલ બેઝ સેલેરી” હોવી જોઈએ.

કોઈ સરકારી ખાતામાં કોઈ કારકુન કે એકાઉન્ટન્ટ દિવસ દરમિયાન પાંચ જ ફાઇલનો નિકાલ કરે અને અન્ય કોઈ ક્લાર્ક એકાઉન્ટન્ટ દશ ફાઇલોનો નિકાલ કરે, છતાં બંનેના પગાર સરખા હોય એ ન્યાયોચિત નથી. કેટલાક રિટાયર કર્મચારીઓને સરકાર ૫૦ થી લઈને ૮૦ હજાર સુધીનું પેન્શન આપતી હોય છે એમાં કેટલાય એવા છે કે જેમને ચાલુ નોકરીએ જેટલી સેલરી નહોતી મળતી એના કરતાં અત્યારે વધારે પેન્શન મળી રહ્યું છે. કોઈ ઘર બેઠાં ૫૦ હજારથી લઈને ૮૦ હજાર પેન્શન મેળવે અને કોઈ કામ કરીને માંડ દસ-બાર હજાર મેળવે. આવી અસમતુલાથી એક પ્રકારનો અસંતોષ પેદા થતો હોય છે અને એ અસંતોષ છેવટે આંદોલનનું સ્વરૂપ ધારણ કરે છે. અલબત્ત, સરકારી પેન્શન ૨૦૦૫ થી બંધ કરવામાં આવ્યું છે, ધારાસભ્યો અને સાંસદોના પેન્શન ચાલુ છે. રસોઈયો કદી ભૂખે ના મરે એ કહેવત આમાં બંધબેસતી આવે છે.
સુરત – પ્રેમ સુમેસરા–આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top