Madhya Gujarat

ડાકોર મંદિરના ભોજનાલયમાં કોન્ટ્રાક્ટરનો ગેરકાયદે અડીંગો

નડિયાદ: ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલ રાજાધિરાજ શ્રી રણછોડરાયજી મંદિર સંચાલિત ભોજનાલયનો બે વર્ષનો કરાર પૂર્ણ થયાં બાદ પણ ભોજનાલયમાં અડીંગો જમાવી રાખી કબ્જો ખાલી ન કરનાર કોન્ટ્રાક્ટર સામે લેન્ડગ્રેબીંગનો ગુનો દાખલ કરવાની માંગ સાથે મંદિર મેનેજમેન્ટ દ્વારા જિલ્લા કલેક્ટરમાં અરજી કરવામાં આવી છે. યાત્રાધામ ડાકોરમાં બિરાજમાન રાજાધિરાજ શ્રી રણછોડરાયજી મંદિરમાં દરરોજ હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. મંદિરમાં દર્શનાર્થે આવતાં શ્રધ્ધાળુઓને શુધ્ધ અને સાત્વિક ભોજન ખુબ જ સસ્તાં ભાવે મળી રહે તે હેતુસર વર્ષો અગાઉ મંદિર દ્વારા ભોજનાલય શરૂ કરવામાં આવ્યું હતું. ગત તારીખ ૪ ફેબ્રુઆરી ૨૦૧૮ ના રોજ શ્રી રણછોડરાયજી મંદિર સંચાલિત આ ભોજનાલયનો કોન્ટ્રાક્ટ ડાકોરમાં જ રહેતાં પાર્થ ખંભોળજાને બે વર્ષ માટે આપવામાં આવ્યો હતો. તારીખ ૩૧ જાન્યુઆરી ૨૦૨૦ ના રોજ બે વર્ષનો કરાર પૂર્ણ થતાં મંદિર મેનેજમેન્ટ તરફથી ભોજનાલયના કોન્ટ્રાક્ટરને જાણ કરવામાં આવી હતી. તેમ છતાં કોન્ટ્રાક્ટરે ભોજનાલય પર અડીંગો જમાવી રાખ્યો હતો. અવારનવાર જાણ કરવા છતાં પણ કોન્ટ્રાક્ટર પાર્થ ખંભોળજા ભોજનાલયનો કબ્જો ખાલી કરતો ન હોવાથી મંદિર મેનેજમેન્ટ દ્વારા આ મામલે લેન્ડ ગ્રેબીંગની ફરીયાદ દાખલ કરવા જિલ્લા કલેક્ટરમાં અરજી આપવામાં આવી છે.

કોન્ટ્રાક્ટર દ્વારા પણ કોર્ટમાં દાવો મુકવામાં આવ્યો છે
મંદિર મેનેજમેન્ટ પાસેથી બાકી નીકળતાં ૫૦ લાખ જેટલાં રૂપિયા મેળવવા માટે ભોજનાલયનો કોન્ટ્રાક્ટ ધરાવનાર પાર્થ ખંભોળજાએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યાં હતાં. જોકે, હાઈકોર્ટે આ મામલે નીચલી કોર્ટમાં જવા જણાવ્યું હતું. જેથી કોન્ટ્રાક્ટર દ્વારા આ મામલે ડાકોર કોર્ટમાં દાવો મુકવામાં આવ્યો હતો.
મંદિર તરફથી ૫૦ લાખ રૂપિયાનું બિલ ચુકવાયું નથી : કોન્ટ્રાક્ટર
થયેલ કરાર મુજબ મંદિરમાંથી કુપન લઈને ભોજનાલયમાં આવનાર શ્રધ્ધાળુઓને પીરસવામાં આવતાં ભોજનનાં બિલના નાણાં મંદિર આપશે તેવુ નક્કી થયું હતું. જે પેટે મંદિર મેનેજમેન્ટ દ્વારા ૫૦ લાખ રૂપિયા જેટલું બિલ અમને ચુકવવાનું થાય છે. જોકે, મંદિર મેનેજમેન્ટ આ બિલનું ચુકવણું કર્યાં વિના જ કરાર પુરો કરવાનું કહે છે. જેથી મેં આ મામલે કોર્ટમાં દાવો કર્યો છે.

આધાર-પુરાવા વગરના બિલ રજુ કર્યાં હોવાથી નાણાં ચુકવ્યાં નથી
આ અંગે મંદિર મેનેજમેન્ટ જણાવે છે કે, ૩૧ મી જાન્યુઆરી ૨૦૨૦ ના રોજ ભોજનાલયનો કરાર પૂર્ણ થતાં મંદિર મેનેજમેન્ટ તરફથી કોન્ટ્રાક્ટરને આની જાણ કરવામાં આવી હતી. જે તે વખતે કોન્ટ્રાક્ટર દ્વારા બાકી નીકળતું લેણું મેળવવા મંદિર મેનેજમેન્ટમાં બિલ રજુ કર્યા હતાં. જોકે, આ બિલ આધાર-પુરાવા વગરના હોવાથી મંદિર મેનેજમેન્ટ તરફથી કોન્ટ્રાક્ટરને બિલની ચુકવણી કરવામાં આવી નથી. આ મામલે મંદિર મેનેજમેન્ટ તરફથી હાઈકોર્ટ તેમજ નીચલી કોર્ટમાં પણ જવાબ આપવામાં આવ્યાં છે અને આધાર-પુરાવા સાથેના બિલ રજુ કર્યાં બાદ નાણાં ચુકવવાની ખાત્રી આપી છે. તેમછતાં કોન્ટ્રાક્ટર દ્વારા આજદિન સુધી આધાર-પુરાવા સાથેના બિલ રજુ કરવામાં આવ્યાં નથી.

Most Popular

To Top