Madhya Gujarat

સરકારી કર્મીઆેએ 43 ડીગ્રી તાપમાનમાં રેલી કાઢી

નડિયાદ: નેશનલ ઓલ્ડ પેન્શન રિસ્ટોરેશન ફેડરેશન, ખેડા જિલ્લા દ્વારા નવી પેન્શન યોજનાના સ્થાને જુની પેન્શન યોજના પુન: લાગુ કરવાની માંગ સાથે શુક્રવારના રોજ નડિયાદમાં આવેલ શ્રી સંતરામ મંદિર પરિસરમાં ધરણાં પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાભરમાં ફરજ બજાવતાં શિક્ષકો સહિત 2500 થી વધુ સરકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. ધરણાં પ્રદર્શન બાદ કર્મીએ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ જઈ આવેનપત્ર આપ્યું હતું. આ આવેદનપત્રમાં જણાવ્યું છે કે સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલી નવી પેન્શન યોજનામાં કર્મચારીઓને નજીવું પેન્શન મળે છે. નિવૃત્તિ બાદ પેન્શનની નજીવી રકમમાં જીવનનિર્વાહ કરવો અશક્ય છે. દેશભરમાં વિવિધ રાજ્યમાં જુની પેન્શન યોજના લાગુ છે તથા ઘણાં રાજ્યની સરકારો દ્વારા કર્મચારીના હિતમાં નવી પેન્શન યોજના હટાવી જુની પેન્શન પુન: અમલમાં મુકી છે.

ગુજરાત કરતાં રાજસ્થાન, છત્તીસગઢ નાણાકીય રીતે ઓછા સમૃધ્ધ હોવા છતાં ત્યાં જુની પેન્શન યોજનાને પુન: લાગુ કરવામાં આવી છે. ત્યારે વિકાસના મોડલ ગુજરાતને વિકાસની નવી ઉંચાઈઓ સુધી પહોંચાડી રહેલાં સરકારી કર્મચારીઓના કામની કદર કરી નિવૃત્ત થયેલ તથા નિવૃત્ત થતાં કર્મચારીઓના જીવનમાં સુરક્ષા લાવવા માટે નવી પેન્શન યોજના દુર કરી જુની પેન્શન યોજના પુન: લાગુ કરવા માંગ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે,  બંધારણની સાતમી અનુસૂચિ હેઠળ રાજ્યના વિષયોમાં 42 માં સ્થાને રાજ્ય દ્વારા ચુકવવામાં આવતાં પેન્શન અથવા એકીકૃત ભંડોળમાંથી ચુકવવામાં આવતું પેન્શન એ રાજ્ય સરકારનો વિષય હોવાનો ઉલ્લેખ કરાયો છે. તદુપરાંત 22મી ડિસેમ્બર 2003 ના રોજ લાગુ કરવામાં આવેલાં નવી પેન્શન યોજનાના કેન્દ્ર સરકારના ઠરાવમાં વ્યવસ્થાને વૈકલ્પિક રાખવામાં આવી છે તેમજ રાજ્ય સરકાર દ્વારા નવી પેન્શન યોજના ફરજીયાતપણે સ્વીકારવા જણાવ્યું નથી.

સરકારી કર્મચારીઓએ રેલી દરમિયાન શિસ્તતા જાળવી
જુની પેન્શન યોજના પુન: લાગુ કરવાની માંગ સાથે ખેડા જિલ્લામાંથી ૨૫૦૦ કરતાં વધુ સરકારી કર્મચારીઓ શુક્રવારના રોજ નડિયાદ ખાતે શ્રી સંતરામ મંદિર પરિસરમાં એકત્રિત થયાં હતાં. જ્યાં ધરણાં પ્રદર્શન યોજ્યાં બાદ તમામ કર્મચારીઓએ કલેક્ટર કચેરી સુધીની પદયાત્રા રેલી કાઢી કાઢી હતી. જેમાં સરકારી કર્મચારીઓએ રોડની સાઈડમાં એક લાઈન બનાવી શિસ્તતા સાથે આગળ વધી રહ્યાં હતાં.

આણંદમાં શિક્ષકોનું રણશિંગુ જૂની પેન્શન યોજના લાગુ કરો
આણંદ જિલ્લાના શિક્ષકોએ ગુરૂવારના રોજ નવી પેન્શન યોજનાને સ્થાને જુની પેન્શન યોજના પુનઃ લાગુ કરવાની માગ સાથે રણશીંગુ ફુક્યું હતું. શિક્ષકોએ ધરણાં, રેલી સહિતના કાર્યક્રમો યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. આણંદ જિલ્લામાં રાષ્ટ્રીય ઓલ્ડ પેન્શન પુનઃ સ્થાપન સંયુક્ત મોરચાના નેજા હેઠળ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ભારતીય મજદુર સંઘ તથા અન્ય સંગઠનો લાંબા સમયથી નવી પેન્શન યોજના બંધ કરી જુની પેન્શન યોજના પુનઃ લાગુ કરવા બાબતે સરકાર સમક્ષ રજુઆત કરી ચુક્યા છે. આથી, અન્ય સંગઠનો સાથે મળી બનાવેલા રાષ્ટ્રીય ઓલ્ડ પેન્શન સંયુક્ત મોરચાની માંગ છે કે, ગુજરાત રાજ્યમાં નવી પેન્શન યોજના બંધ કરી જુની પેન્શન યોજના પુનઃ શરૂ કરવામાં આવે. જુની પેન્શન યોજનાની સામે નવી પેન્શન યોજનામાં કર્મચારીઓને નજીવું પેન્શન મળે છે. તે નિર્વિવાદ બાબત છે. નિવૃત્તિ બાદ પેન્શનની નજીવી રકમમાં જીવન નિર્વાહ થઇ શકે તેમ નથી. ભારત ભરમાં વિવિધ રાજ્યમાંથી જુની પેન્શન યોજના લાગુ છે તથા ઘણા રાજ્ય કર્મચારી હિતમાં નવી પેન્શન યોજના દુર કરી જુની પેન્શન યોજના પુનઃ અમલ કરી રહ્યા છે. ગુજરાત કરતાં રાજસ્થાન, છત્તીસગઢ નાણાકીય રીતે ઓછા સમૃદ્ધ હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા જુની પેન્શન યોજનાને પુનઃ લાગુ કરવામાં આવી છે. આથી, નિવૃત્ત થતાં કર્મચારીઓના જીવનમાં સુરક્ષા લાવવા માટે યોગ્ય નિર્ણય કરવા માગણી છે.

Most Popular

To Top