Dakshin Gujarat

માંગરોળના ભાટકોલ ગામમાંથી ગેરકાયદે ધમધમતું ફટાકડાનું કારખાનું ઝડપાયું

સુરત: દિવાળી નજીક આવતા ઘણા લેભાગુઓ (Cheaters) બજારમાં નફો (Profit) કમાવા માટે ગેરકાયદેસર (Illegal) ફટાકડા (Crackers) વેચતા હોય છે. ત્યારે આવો જ એક બનાવ સામે આવ્યો છે. સુરતના માંગરોળમાં ધમધમતા એક ગેરકાયદેસર ફટાકડાના કારખાનાને (Crackers Factory) SOG ગ્રામ્ય પોલીસે ઝડપી પાડ્યું છે અને 8.75 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ સુરત ગ્રામ્ય SOG પોલીસે જોખમી ફટાકડાનું ગોડાઉન ઝડપી પાડ્યું છે. માંગરોળના ભાટકોલ ગામની સીમમાં લાયસન્સ વગર ફટાકડા બનાવતો ઇસમ ઝડપાયો છે. ગેરકાયદેસર ફટાકડાનું વેચાણ કરાતું હોવાની સૂચના મળતા પોલીસે રેઈડ પાડી આ ગેરકાયદે કારખાનું ઝડપી પાડ્યું છે.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતુ કે આરોપીએ ભાડાની જગ્યામાં ફટાકડા બનાવી વેચાણ કરવા ફટાકડાનો મોટો જથ્થો ભેગો કર્યો હતો. તેમજ બે ત્રણ મહિનાથી તે લાયસન્સ વગર ગેરકાયદે ફટાકડા બનાવી રહ્યો હતો. તેમજ જોખમી હાલતમાં આ કારખાનું ચલાવી રહ્યો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર બાતમીના આધારે તપાસ કરતા આ ગોડાઉન પકડાયું હતું. ફાયર સેફ્ટીના સાધનો વગર લોકોની જિંદગી જોખમાઈ એ રીતે ફટાકડા બનાવી વેચાણ કરાતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે ગોડાઉનમાંથી અલગ અલગ ફટાકડા ભરેલા કાર્ટૂન મળી 8.76 લાખનો મુદામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ વર્ષે સુપ્રીમ કોર્ટે આ ફટાકડા ઉપર પ્રતિબંધ લગાડ્યો છે
સુપ્રિમ કોર્ટ દ્વારા ગ્રીન તથા માન્યતા પ્રાપ્ત ફટાકડા જે ઓછા એમિશન ઉત્પન્ન કરે છે. તેના ઉત્પાદન અને વેચાણની પરવાનગી આપી છે. આ સિવાયના તમામ પ્રકારના ફટાકડાનાં ઉત્પાદન અને વેચાણ પર સુપ્રિમ કોર્ટે પ્રતિબંધ મુકયો છે. આથી આવા તથા ભારે ઘોંઘાટવાળા ફટાકડા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાથી વેચી કે ફોડી શકાશે નહીં.

આ ઉપરાંત કોઇ પણ પ્રકારના વિદેશી ફટાકડા તેમજ ચાઇનીઝ તુક્કલ, બલુન આયાત કરી શકાશે નહીં, રાખી શકાશે નહીં કે વેચાણ કરી શકાશે નહીં, દિવાળીના તહેવારોમાં ઉડાડી શકાશે પણ નહીં. આ જાહેરનામું સુરત જિલ્લા કલેકટરની નેજા હેઠળના વિસ્તારોમાં લાગુ કરવામાં આવ્યુ છે. જાહેરનામાનો ભંગ કરનારા સામે કાયદેસર પગલા ભરવામાં આવશે.

વધુમા કોર્ટે જણાવ્યુ છે કે દિવાળીના તહેવારમાં ફટાકડા રાત્રે 8 થી 10 વાગ્યા સુધીમાં જ ફોડી શકાશે. હોસ્પિટલ, નર્સિગ હોમ, આરોગ્ય કેન્દ્ર, શૈક્ષણિક સંસ્થાઓ. ન્યાયાલયો, ધાર્મિક સ્થળોની 100 મીટરની ત્રિજયાના વિસ્તારને સાયલન્ટ ઝોન તરીકે ગણવામાં આવશે. સાયલન્ટ ઝોન જાહેર કરાયેલા વિસ્તારમાં કોઇપણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહીં.

Most Popular

To Top