Business

કાપડ પર એકસમાન જીએસટી લાગુ પડે તો વીવર્સને આટલા કરોડનું નુકસાન થશે

સુરત: જીએસટી કાઉન્સિલ (GST Council) દ્વારા ઈન્વર્ટેડ ડ્યૂટી સ્ટ્રક્ચર (Inverted Duty Structure) દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેની અસર ટેક્સટાઈલ ઉદ્યોગ (Textile Industry) પર કેવી પડશે તેને લઈને અત્યારથી ટેક્સટાઈલમાં જુદા જુદા ઘટકો અભ્યાસ કરી રહ્યા છે. ગઈકાલે થયેલા સંવાદ દરમિયાન ફોગવા (Fogwa) સહિતનાં વિવિંગ સંગઠનોએ જીએસટીનો દર યથાવત રાખવા માંગ કરી છે.

વિવર્સની (Weavers) ગણતરી છે કે, જો એકસમાન પાંચ ટકા ડ્યૂટી લાગુ થાય તો 100 રૂપિયાના યાર્ન પર 5 ટકા ટેક્સ ભરવાનો આવે. બીજી તરફ મેનમેડ ફાઈબરના (MMF) વેલ્યુ એડિશન થતું હોવાથી 100 રૂ.ના યાર્ન મૂલ્ય પર 200 રૂપિયાની કિંમતનું કાપડ બને છે. તે જોતાં દશ રૂપિયાનો ટેક્સ લાગે. જેમાં પાંચ રૂપિયા જેટલી ક્રેડિટ મળે. એ હિસાબે સુરતમાં કાપડના કુલ 21000 કરોડના ટર્નઓવર સામે 1050 કરોડનું નુકસાન વિવિંગ ઉદ્યોગને થશે. જ્યારે જીએસટીમાં નોંધાયેલા 19265 રજિસ્ટર્ડ વિવર્સને 600 કરોડની ક્રેડિટ (GST Credit) મળી વર્ષે કુલ 1650 કરોડનું નુકસાન વેઠવું પડે.

ચેમ્બરના પ્રમુખ આશિષ ગુજરાતીનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું કે, તાજેતરમાં રાજ્યના મુખ્ય કરવેરા અધિકારી જે.પી.ગુપ્તા સાથે યોજાયેલી બેઠકમાં ચેમ્બર અને ફિઆસ્વીના ચેરમેન ભરત ગાંધીએ ટેક્સટાઈલમાં જીએસટીના કર માળખામાં ફેરફાર નહીં કરવા રજૂઆત કરી હતી. કારણ કે, તેનાથી ગુજરાત અને મહારાષ્ટ્રના વિવિંગ ઉદ્યોગને મોટું નુકસાન થશે. એટલું જ નહીં દેશભરના 25 લાખ પાવર લૂમ્સમાં કામ કરતા કામદારોને રોજીરોટી આપવાનો પ્રશ્ન પણ ઊભો થશે. જો સરકાર ટેક્સ સ્લેબ બદલશે તો પ્રત્યેક મહિને વિવર્સને 20 તારીખે ટેક્સ ચૂકવવો પડશે.

Weaving crisscross fabric on air jet looms in a textile weaving unit.

બીજી તરફ પાંચ ટકાની ક્રેડિટ 120 દિવસે છૂટી થશે તે હિસાબે વિવર્સની મોટી રકમ જામ રહેશે. આ સ્થિતિમાં વિવિંગ એકમો ચલાવવામાં મુશ્કેલી થશે. ચેમ્બરની વિવનિટ કમિટીના ચેરમેન મયૂર ગોળવાલાએ જણાવ્યું હતું કે, 2017માં જીએસટી લાગુ થયા પછી દેશમાં એકમાત્ર સુરતમાં 3750 કરોડનું મૂડીરોકાણ વિવિંગ ઉદ્યોગમાં થયું છે અને 18900 કરોડ જેટલું ઉત્પાદન પણ વધ્યું છે.

આખી ટેક્સટાઈલ વેલ્યુ ચેઈન પર 5 ટકાનો ટેક્સ લાગુ કરવામાં આવશે તો ઈન્વર્ટેડ ડ્યૂટી સ્ટ્રક્ચર દૂર કરવાનો આશય સિદ્ધ થશે નહીં. હાલ એમએફ ટેક્સટાઈલની વેલ્યુ ચેઈનમાં ચિપ્સ ઉપર 18 ટકા, યાર્ન ઉપર 12 ટકા ગ્રે ફેબ્રિક્સ, ફિનિશ્ડ ફેબ્રિક ઉપર પાંચ ટકા જીએસટીનો દર છે. 100 રૂ.ના ઈન્ડેક્સ ઈનપુટ પર સરકારને 67 રૂપિયાની આવક થાય છે. પણ જો પાંચ ટકા સ્લેબ લાગુ થશે તો 3 ટકા મોંઘું થશે અને સરકારની આવકને કોઈ ખાસ ફેર પડશે નહીં.

Most Popular

To Top