Charchapatra

પૃથ્વીને વેરાન થતી બચાવવી છે તો વૃક્ષો વાવો

યુ એન ક્લાઇમેટ ચીફ સિમોન સ્ટિલે ચેતવણી આપી છે કે  ક્લાઇમેટ ચેન્જથી દુનિયાને બચાવવા માટે હવે આપણી પાસે માત્ર બે જ વર્ષ બચ્યાં છે.  પૃથ્વી પર જળવાયુ પરિવર્તન એક મોટી સમસ્યા બની ગઈ છે. આપણે જોઈ રહ્યા છીએ કે વાતાવરણમાં ખૂબ જ મોટો બદલાવ થઈ રહ્યો છે. હવામાન ખાતાએ આપણે ત્યાં આ ઉનાળો આકરો રહેવાની ચેતવણી આપી છે તે સાથે જ  ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ અને કરાં પણ પડ્યાં છે. આ કમોસમી વરસાદ  ખેતીવાડીને વ્યાપક નુકસાન કરી શકે છે. દુનિયામાં જંગલોનો સફાયો થઈ રહ્યો છે અને તેને કારણે ઓક્સિજન આપતાં વૃક્ષોની સંખ્યા ઘટતાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધી જતાં તેની માણસોના ( પ્રાણવાયુ )ઓક્સિજન પર વ્યાપક અસર જોવા મળી રહી છે. હાલ દુનિયાનું વાતાવરણ એ હદે વણસી ગયું છે કે કોઈ પણ મોસમનાં ઠેકાણાં રહ્યાં નથી.

દુનિયાના વૈજ્ઞાનિકો ગ્લોબલ વોર્મિંગ વિશે વર્ષોથી ચેતવણી આપતા આવ્યા છે અને છતાં આપણે સજાગ ન થતાં હવે તેનું પરિણામ આપણી સામે જ છે. વૈજ્ઞાનિકોના કહેવા મુજબ ગ્લોબલ વોર્મિંગથી બચવા ગરમીનું ઉત્સર્જન કરતાં કારખાનાં પર  કે ધુમાડા કરતાં વાહનો પર અંકુશ મૂકવા નાના કે મોટા દુનિયાના તમામ દેશોએ કાયદા બનાવી ઓક્સિજન બનાવતાં વૃક્ષોની જાળવણી અને જે જે જંગલોમાં આગ લાગી ગઈ છે અથવા જંગલો કપાઈ ગયાં છે ત્યાં ફરી વૃક્ષારોપણ કરવાની અત્યંત જરૂર છે. જો  પૃથ્વીને હરિયાળી ના રાખીશું  તો પછી આ પૃથ્વીને વેરાન થતાં કોઈ જ બચાવી ન શકે.
સુરત     – વિજય તુઈવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top