Charchapatra

લોકશાહી માટે કુઠારાઘાત સમાન: પરિવારવાદ / વ્યક્તિવાદ

હમણાં એક પ્રીમિયમ મોદીભક્ત લેખકે સોશ્યલ મિડિયામાં એવું લખ્યું કે, જે લોકો નરેન્દ્ર મોદીનો વિરોધ કરે છે એ લોકો દેશદ્રોહી છે,  બોલો.  અમારા જેવા નમ્ર દેશભક્તોનું એવું માનવું છે કે જે લોકો મોદીભક્ત છે,  એ લોકો દેશભક્ત જ હોય એવું નથી. આર્ટિકલ 370 ની નાબૂદી અને રામમંદિરનો ચુકાદો અવશ્ય મોદી સરકારની સિદ્ધિ અને ઉપલબ્ધિ ગણાય,  કાલે ઊઠીને કોમન સિવિલ કોડ આવે તો એ દેશ માટે આવશ્યક પગલું ગણાય અને દેશ માટે હિતકારી હોય, સહરાનીય પગલું પણ ગણાય. આ સિવાય દેશમાં જે કંઈ પણ મોદી સરકારે કર્યું એમાં દાટ વાળ્યો અને પ્રજાનો દમ નીકળ્યો એમ કહી શકાય. 2016 માં લાદેલી નોટબંધીથી દેશની આર્થિક કમર તૂટી ગઈ.  દેશમાં અરાજકતાનો માહોલ સર્જાયો.  કેટલાંક લોકોએ બેંકોની લાઈનમાં ઊભાં રહીને પ્રાણ ત્યાગ્યા.  ખુદ મોદી સરકારને ખ્યાલ આવી ગયો કે આ ખોટું પગલું ભરાઈ ગયું છે અને “મા મને કોઠીમાંથી કાઢ”  જેવી હાલત મોદી સરકારની થઈ હતી,  તો પણ કેટલાંક અંધ મોદીભક્તો આજેય એવું માને છે કે નોટબંધી દેશ હિતમાં હતી. 

પછી આવ્યો જીએસટી, જેણે ધંધાધાપાને ખલાસ કરી નાખ્યાં. કેટલાય ધંધાર્થીઓએ આત્મહત્યા કરી લીધી. નોટબંધી પછીનું પગલું જીએસટી એટલે “પડતા પર પાટુ” જેવો ઘાટ થયો.  કોરોના વખતે અચાનક કરેલા લોકડાઉનને લીધે કેટલાંય શ્રમિકો રસ્તે રઝળતાં થઈ ગયાં અને આવી રઝળપાટમાં લગભગ 600 જેટલાં શ્રમિકોનાં મૃત્યુ પણ થયાં. સીએએ કાનૂનને કારણે લાંબો સમય આંદોલન ચાલ્યું અને રમખાણો પણ થયાં , જેમાં 52 /54 જેટલાં લોકોનાં મૃત્યુ પણ થયાં. પછી બહુચર્ચિત ત્રણ કૃષિ કાનૂન મોદી સરકાર લાવી, જેની વિરુદ્ધ એક વર્ષથી પણ વધુ સમય આંદોલન ચાલ્યું અને જેમાં 700 જેટલાં ખેડૂતોએ પોતાના પ્રાણની આહુતિ આપી. વિચારી જુઓ. મોદી સરકારની કુનીતિ, અણ આવડત અને અણઘડતાને કારણે દેશનાં કેટલાં નાગરિકોના જીવ લેવાયા.આમ ઉપરોક્ત ઘટનાઓમાં મૃત્યુ પામેલાં લોકોનાં મૃત્યુનો સરવાળો માંડીએ તો.

આ પણ મોદી સરકારની જ “ઉપલબ્ધિ”  ગણાય ને. કોંગ્રેસના પરિવારવાદ તરફ આંગળી  ચીંધતી અને કોસતી  મોદી સરકારે જરાક પોતાના તરફ વળેલી આંગળીઓ તરફ પણ નજર કરી લેવી જોઈએ. ભાજપના નેતાઓએ પોતાનાં સંતાનોને ક્યાં ક્યાં “ગોઠવી” દીધાં છે એ સમગ્ર દેશ જાણે છે. ભાજપના પરિવારવાદ વિશે લખવા બેસીએ તો લાંબુ લિસ્ટ થાય એમ છે. કોંગ્રેસનો પરિવારવાદ એક વખત નહીં, સાડી સત્તરવાર ટીકાને પાત્ર છે, પણ સામે છેડે  ચરમસીમાએ પહોંચેલો ભાજપનો વ્યક્તિવાદ સાડી અઢાર વાર ખોટો છે. નરેન્દ્ર મોદીનો વિકલ્પ નથી એ વાત સત્ય નથી, પરંતુ વિકલ્પ ઊભો થવા દીધો નથી એ વાત સત્ય છે.
સુરત     – પ્રેમ સુમેસરા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top