Business

આ વર્ષે સુરતમાં પોંકની મજા ફિક્કી લાગતા પોંક રસિકોની આ તરફ દોટ, ચાલો જાણીએ સુરતીઓ પોંકનો સ્વાદ માણવા કયાં જઈ રહ્યાં છે..

જયાં પણ ખાવાની વાત આવે એટલે સુરતીનું નામ પહેલાં આવે. ફાફડા હોય કે જલેબી, ઘારી, મીઠાઇ કે પછી રસાવાળા ખમણ હોય ? એટલે જ તો કહેવાય છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ. દીવાળી પત્યા બાદ નવેમ્બર મહીનાના બીજા અઠવાડિયામાં પોંકની સીઝન ચાલુ થઇ જતી હોય છે અને પોંકનો પાક પણ તૈયાર થતો હોય છે. સુરતીઓ પોંકને અને પોંક્ના અલગ અલગ ભજિયાની લિજ્જત માણવા માટે આતુરતાથી રાહ જોતા હોય છે. પરંતુ આ વર્ષે નવેમ્બર મહીનો આખો પૂરો થઇ ગયો હોવા છતાં અડાજણ ખાતેની પોંક નગરીમાં પોંક આવ્યો જ નથી!! ભલેને સુરતમાં પોંક ના આવ્યો હોય પણ પોંકની લિજ્જત માણ્યા વિના સુરતીઓ રહે ખરાં? અરે કેમ રહેવાય !! વર્ષમાં એક જ વાર આ લાહવો મળતો હોય છે. એને તો ના જ ચુકાય ને. સુરતીલાલાઓ ખાવાના શોખીન હોય છે એ વાત સાર્થક કરતા હોય તેમ પોંકના રસિયાઓ નવો માર્ગ શોધી જ લેતા હોય છે ત્યારે જાણવાનો પ્રયાસ કરીશું કે પોંક રસીયાઓએ પોંક ખાવામાં માટે કયો ક્રિમીયો અજમાવ્યો છે. ચાલો જાણીએ…

ઓફિસથી સ્પેશ્યલ છુટ્ટી લઇને ભરૂચના કરજણ ખાતે પોંક ખાવા ઉપડી જઇએ : નિધિ દેસાઇ

શહેરની આઇ.ટી. કંપનીમાં જોબ કરતા નીધી દેસાઇએ જણાવ્યું છે કે, ‘’શિયાળો શરૂ થાય એટલે પોંક ખાવાની શરૂઆત કરતા હોય છે પરંતુ આ વર્ષે સુરત શહેરના અલગ- અલગ વિસ્તારમાં જે પોંકના સ્ટોલ શરૂ થયા છે તે સ્ટોલ કે સુરતની પોંક નગરીમાં જેવી મજા આવવી જોઇએ એવી મજા નથી. જેના કારણે પોંક ખાવાની મોસમ ફીક્કી લાગી રહી છે. પહેલા મારા ભાઇ બહેન નાના હતા ત્યારે શીતલ ટોકીઝ પાસે પોંક ખાવા મમ્મી પપ્પા લઇ જતા ત્યારે નીચે બેસીને પોંકની લિજ્જત માણવાની મજા જ કંઇક અલગ હતી. બચ્ચપન ના એ દિવસો આજે બહુ યાદ આવે છે ત્યારે પોંક મીઠો અને દાણેદાણ મળતો હતો અને પોંક, તીખીસેવ, મરીવાળી સેવ અને સાંકરીયા દાણા સાથેનો પોંક ખાતા હતાં. હાલમાં બજારમાં જે પોંક મળી રહ્યોં છે તેમાં મીઠાશ ઓછી જેવા મળી રહી છે અને પોંકના દાણા નરમને બદલે કઠણ જોવા મળી રહ્યાં છે. પોંક ખાવાનો શોખ છે એટલે હું ઓફિસથી સ્પેશ્યલ છુટ્ટી લઇને મારા પરિવાર અને કઝીન્સ સાથે ભરૂચના કરજણ ખાતે પોંક ખાવા ઉપડી જઇએ છે અને પોંકની મજા માણીએ છીએ અને હા પોંક, પોંકના વડા પેટીસ વગેરે પાર્સલ લઇને પણ આવીએ છીએ..’’

પોંક ખાવાની ઇચ્છાને હું રોકી શકું એમ નથી: ધવલભાઇ મોટી

કટલરીનો બિઝનેસ કરતાં ઘવલભાઇ મોટીએ જણાવ્યું હતું કે, ‘આ વર્ષ કમોસમી વરસાદના માવઠાએ પોંકના પાકને નુકશાન પહોંચાડયું. જો કે હું આ મહિનામાં પોંકની રાહ જોતો હોઉં છું પણ આ વર્ષે નવેમ્બર મહીનો પૂરો થઇ ગયો હોવા છતા બજારમાં પોંક સારી ગુણવત્તામાં નથી મળતો. પોંક મને ખૂબ જ ભાવે છે આથી પોંક ખાવાની ઇચ્છાને હું રોકી શકું એમ નથી અટલે હું મારો કટલરીના ધંધામાંથી બ્રેક લઇને પરિવાર સાથે હું બારડોલી ખાતે પોંકની લિજ્જ્ત માણવા માટે ફોરવ્હીલમાં ઉપડી પડયો. બારડોલી પોંક વડા, પોંકની પેટીસ, પોંકના સમોસા ખાવાની પણ મજા લીધી હવે જ્યારે સુરતમાં ઠંડી પડશે અને પોંકમાં મીઠાસ અને નરમ પોંક મળશે ત્યારે સુરતમાં પોંક ખાવાનો આનંદ ઉઠાવીશું.’’

એક તરફ પોંક પણ ખવાઇ જશે અને આઉટીંગ પણ થઇ જશે : રાજભાઇ પટેલ

સિમેન્ટનો ધંધો કરતા રાજભાઇ પટેલે જણાવ્યું હતું કે, ‘સુરતનો પોંક સ્વાદમાં મીઠો અને નરમ હોય છે પરંતુ આ વર્ષે પોંકની સીઝન મોડી શરૂ થઇ છે અને આમ જોવા જઇએ તો પોંકમાં પહેલા જેવી મીઠાશ પણ જોવા મળતી નથી. પોંક ખાતા હોઇએ તો જુવાર જેવો પોંક સ્વાદમાં લાગે છે અને જે પોંક વેચાઇ રહ્યો છે તે ખાવામાં મજા નથી આવતી એટલે ભરૂચ પોંક ખાવા માટે સહપરિવાર સાથે જઇશું. કેમ કે એક તરફ પોંક પણ ખવાઇ જશે અને આઉટિંગ પણ થઇ જશે. પોંકની સાથે પોંકવડા, પેટીસ અને સમોસા પણ ખાઇશું અને પાર્સલ પર લઇને આવીશું. દર વર્ષે મારા ફેન્ડ્સ અમદાવાદ અને બરોડાથી સુરત પોંકની લિજ્જત માણવા માટે આવતા હોય છે. જો આ વર્ષે મારા ફેન્ડ્સ પોંક ખાવા માટે આવશે તો સુરતમાં પોંક નથી તો શું થયું હું તેમને બારડોલી લઇ જઇશ પણ પોંક ખાધા વિના તો નહિં જ રહેવા દઇશ.’’

સુરતમાં નહિં તો શું આસપાસ તો પોંક મળે જ છે ને: નીરવ શાહ

બિઝનેસ મેન નીરવ શાહ જણાવે છે કે, ‘પોંકનું નામ પડતાં જ મારાં તો મોઢાંમાં પાણી આવી જાય છે. પોંકની સિઝનની હું આતુરતાથી રાહ હોતો હોવ છું. દર વર્ષે મારા અમદાવાદ, બરોડા રહેતા ફ્રેંડ્સને ખાસ પોંકપાર્ટી માટે સુરત તેડાવું છું. આ વર્ષે સુરતમાં પોંકની મજા માણવા નહિં મળી તો શું થયું સુરતની આસપાસ તો પોંક મળે જ છે ને!! નવેમ્બર મહિનો શરૂ થતાં જ મારાં ફ્રેંડ્સના ફોન શરૂ થઇ ગયા કે ક્યારે પોંક ખવડાવશે. આથી વિચારું છું કે તેમને બોલાવીને પોંક ખાવા ભરૂચ જતો રહું. એક રીતે પોંક્ની મજા પણ મળશે અને ફ્રેંડ્સ સાથેની મિની ટ્રીપ પણ થઇ જશે. બાકી પોંક ખાધા વિના તો ના જ ચાલે.’’

Most Popular

To Top