National

સુરતમાં વકીલોની ચૂંટણીમાં યુ-ટર્ન : ચૂંટણી કમિશનરે જાતે જ ઉપપ્રમુખ પદે દાવેદારી નોંધાવતાં આશ્ચર્ય

સુરત: સુરત જિલ્લા વકીલમંડળની (Surat District Bar Association) ચૂંટણીનું રાજકારણ હવે ચરમસીમાએ પહોંચ્યું છે. આવતીકાલે તા.3 ડિસેમ્બરે દાવેદારી નોંધાવવાનો અંતિમ દિવસ છે. ત્યારે ગ્રુપ મીટિંગોનો દૌર શરૂ થયો છે. બીજી તરફ ચૂંટણી કમિશનર (Election Commissioner) તરીકે ચાર્જ લેનારા વકીલ સંકેત દેસાઇએ રાજીનામું આપીને પોતે ઉપપ્રમુખ પદમાં દાવેદારી નોંધાવતાં અનેક ચર્ચાઓ જોવા મળી હતી.

સુરત જિલ્લા વકીલમંડળની ચૂંટણીમાં હાલમાં દાવેદારી નોંધાવવા માટેનાં ફોર્મ લઇ જવા અને જમા કરાવવાની દિવસો ચાલી રહ્યા છે. આવતીકાલે દાવેદારી નોંધાવવાનો અંતિમ દિવસ છે. ત્યારે વકીલોમાં (Advocates) અનેક પ્રકારનાં ચક્રો ગતિમાન થઇ ગયાં છે. ગ્રુપ મીટિંગથી માંડીને ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને સપોટ કરતા વકીલોએ પોતપોતાના ઉમેદવારોને કેવી રીતે જીતાડવા એ માટેનો તખ્તો તૈયાર કરવાનું પ્લાનિંગ થઇ રહ્યું છે. દાવેદારી નોંધાવવાના બીજા દિવસે પ્રમુખ પદ તરીકે રમેશ પી.શિંદે તેમજ રમેશ વી.કોરાટે ફોર્મ જમા કરાવ્યું હતું. જ્યારે દીપક સી. કોકાસે ફોર્મ લઇ આવતીકાલે દાવેદારી નોંધાવે તેવી શક્યતા છે. બીજી તરફ ઉપપ્રમુખના પદ માટે રાજેશ યુ.બારૈયા, રાજેશ ડી.સોલંકી, મંગલા એસ.પટેલ, સંકેત જી.દેસાઇ અને જિજ્ઞેશ એન.હિંગુએ દાવેદારી નોંધાવી હતી. જેમાંથી રાજેશ બારૈયા, મંગલા પટેલ અને સંકેત દેસાઇએ પોતાનાં ફોર્મ જમા કરાવ્યાં હતાં. આ ઉપરાંત જનરલ સેક્રેટરી પદ માટે હિમાંશુ આઇ.પટેલ અને ચૈતન્ય પરમહંસે દાવેદારી નોંધાવી હતી. જોઇન્ટ સેક્રેટરી પદ માટે હિતેન શીંગાળા, સાગર એમ.વેલ્દી, મોના ડી.પંડ્યા અને નિર્મલ જે.બક્કરિયાએ દાવેદારી નોંધાવી હતી. હિતેન શીંગાળા અને મોના પંડ્યાએ પોતાનું ફોર્મ જમા પણ કરાવ્યું હતું. જ્યારે ખજાનચીના પદ માટે વકીલ પંકજ કે.કાકલોત્તર, મયંક કે.ચૌહાણ, રોનિકા એમ.ચૌહાણ, યાહ્યા એમ.શેખે દાવેદારી નોંધાવી હતી. પરંતુ આ પદ માટે એકપણ દાવેદારે ફોર્મ જમા કરાવ્યું ન હતું.

સંકેત દેસાઈની જગ્યાએ ટર્મિશ કણીયા નવા ચૂંટણી કમિશનર

વકીલમંડળની ચૂંટણીમાં દરરોજ નવા નવા ચહેરા સામે આવતાં અનેક પ્રકારની ચર્ચા થઇ રહી છે. હાલના કેસમાં ખુદ ચૂંટણી કમિશનર સંકેત દેસાઇએ રાજીનામું આપી દીધું હતું અને પોતે જ ઉપપ્રમુખ પદ માટે દાવેદારી નોંધાવતાં સૌને ચોંકાવી દીધા હતા. તેમની દાવેદારી સાથે જ કોર્ટમાં ચર્ચાનો વિષય બન્યો હતો. બીજી તરફ સંકેત દેસાઇએ આસિસ્ટન્ટ ચૂંટણી કમિશનર ટર્મિશ કણીયા તેમજ સુરત જિલ્લા વકીલમંડળના પ્રમુખ બ્રિજેશ પટેલને પોતાનું રાજીનામું આપી દીધું હતું. તેમણે સંકેત દેસાઇનું રાજીનામું સ્વીકાર્યું હતું. બાદ ચૂંટણીના નવા મુખ્ય કમિશનર તરીકે રેવન્યુ અને સિવિલની પ્રેક્ટિસ કરતા વકીલ ટર્મિશ કણીયાને મુખ્ય ચૂંટણી કમિશનરનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો.

ઉપપ્રમુખમાં નવા ચહેરાથી અનેક સમીકરણો બદલાશે

સંકેત દેસાઇએ ઉપપ્રમુખ પદમાં દાવેદારી નોંધાવતાં હવે આવતીકાલે અનેક સમીકરણો બદલાય તેવી પણ શક્યતા છે. સંકેત દેસાઇએ રાતોરાત ચૂંટણી કમિશનર પદ ઉપરથી રાજીનામું આપી દીધું કે પછી તેને અપાવવામાં આવ્યું છે તે વાતને લઇને પણ અનેક ચર્ચા જોવા મળી છે. કેટલીક મહિલા તેમજ ઉપપ્રમુખની દાવેદારી કરનારા વકીલોના ગ્રુપમાં નારાજગી પણ જોવા મળી હતી.

Most Popular

To Top