National

પાકિસ્તાને કાશ્મીરમાં માનવાધિકાર ભંગ અંગે ડોઝિયર જાહેર કર્યુ!

ઈસ્લામાબાદ: પાકિસ્તાને (Pakistan) રવિવારે એક ડોઝિયર જાહેર કર્યુ હતું, તેનો દાવો છે કે તેમાં ભારતીય વહીવટીતંત્ર દ્વારા કાશ્મીરમાં (Kashmir) કથિત રીતે માનવાધિકાર ભંગની (Human rights violations) વિગતો છે. ઈસ્લામાબાદમાં એક પ્રેસ કોન્ફરન્સમાં વિદેશ પ્રધાન શાહ મેહમુદ કુરેશીએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મોઈદ યુસુફ અને માનવાધિકાર પ્રધાન શીરીન મઝારી સાથે 131 પાનાનું ડોઝિયર રજૂ કર્યુ હતું. ‘અમે નિર્ણય લીધો હતો કે અમે પોતાની ભૂમિકા અદા કરી આ (ભારત) સરકારનો અસલ ચહેરો સામે લાવવો જોઈએ જે વિશ્વની સૌથી મોટી લોકશાહી હોવાનો દાવો કરે છે’, એમ તેમણે કહ્યુ હતું અને ઉમેર્યુ હતું કે આ ડોઝિયર સંયુક્ત રાષ્ટ્ર અને બાકીના દેશોને આપવામાં આવશે.

ભારતે વારંવાર પાકિસ્તાનને કહ્યુ છે કે જમ્મુ અને કાશ્મીર દેશનો આંતરીક ભાગ હતો, છે અને હંમેશાં રહેશે. તેણે પાકિસ્તાનને તમામ ભારત વિરોધી પ્રચાર બંધ કરવાની પણ સલાહ આપી છે. ભારતે અગાઉ પાકિસ્તાનને કહ્યુ હતું કે જમ્મુ અને કાશ્મીરથી સંબંધિત મુદ્દાઓ આંતરીક બાબતો છે અને દેશ પોતાની સમસ્યાઓનો ઉકેલ લાવવામાં સક્ષમ છે. કુરેશીએ કહ્યુ હતું ડોઝીયર 113 સંદર્ભો પર આધારીત છે જેમાં 26 આંતરરાષ્ટ્રીય મીડિયા, 41 ભારતીય થિન્ક ટેન્કોથી અને માત્ર 14 પાકિસ્તાનથી લેવાયલા સંદર્ભ છે.

તેમણે સંયુક્ત રાષ્ટ્રને કથિત રીતે યુદ્ધ ગુનાહમાં સામેલ વ્યક્તિઓ અને એકમોના નામ નોંધી તેમના પર પ્રતિબંધ લગાવવા કહ્યુ હતું. ડોઝીયરમાં કાશ્મીરમાં રાસાયણીક શસ્ત્રો ઉપયોગ કરવાનો આરોપ પણ લગાવાયો છે, કુરેશીએ કહ્યું હતું આ રાસાયણીક શસ્ત્રો અંગે થયેલા સંમેલનનું ઉલ્લંઘન છે અને આ મુદ્દે સ્વતંત્ર આંતરરાષ્ટ્રીય તપાસ થવી જોઈએ.

Most Popular

To Top