Gujarat Main

ગુજરાત બોર્ડ ધોરણ 12 સામાન્ય પ્રવાહ: 100 ટકા વિદ્યાર્થીઓ પાસ પરંતુ ગ્રેડ પ્રમાણે પરિણામ નીચું

કોરોના (Corona)ની બીજી લહેર સમાપ્તિને આરે છે ત્યારે ગુજરાત બોર્ડ (Gujarat board)નું ધોરણ 12 (HSC) સામાન્ય પ્રવાહનું પરિણામ (Result) જાહેર થયું છે. માસ પ્રોગ્રેશન બાદનું આ પરિણામ છે, જેમાં હાલ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓ (Students)ને માત્ર પરિણામની પ્રિન્ટની કોપી કાઢીને આપવામાં આવી રહી છે. સવારથી જ સ્કૂલમાં પરિણામ લેવા માટે વિદ્યાર્થીઓ પહોંચી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે કોરોનાકાળમાં સરકારે આપેલા માસ પ્રમોશનને કારણે 100 ટકા પરિણામ આવ્યું છે. આ પરિણામમાં 4 લાખથી વધુ વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવ્યાં છે. જો કે માત્ર 691 વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો છે, જ્યારે 9495 વિદ્યાર્થીએ A2 ગ્રેડ મેળવ્યો છે. આ પરિણામમાં સૌથી વધુ વિદ્યાર્થીઓને C1 ગ્રેડ મળ્યો છે. C1 ગ્રેડ મેળવનારા એક લાખ 29 હજાર 781 વિદ્યાર્થી છે, જ્યારે C2 ગ્રેડ મેળવનારા એક લાખ આઠ હજાર 299 વિદ્યાર્થી છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ ધોરણ 10ના 50 ટકા, ધોરણ 11ના 25 ટકા અને ધોરણ 12ની સ્કૂલની પરીક્ષાના 25 ટકા ગુણના આધારે તૈયાર કરવામાં આવ્યું છે. હાલ પરિણામને લઈને ઉત્સાહિત વિદ્યાર્થીઓ સ્કૂલમાં પરિણામ લેવા માટે પહોંચ્યા છે. સ્કૂલમાં GSEBની વેબસાઈટ પરથી સ્કૂલ દ્વારા જ વિદ્યાર્થીઓને માર્કશીટની પ્રિન્ટ કાઢીને આપવામાં આવી રહી છે.

અહીં એ નોંધવું ઘટે કે 4 લાખ વિદ્યાર્થીઓને માસ પ્રોગ્રેસન આપવામાં આવ્યું છે. તેમાંથી માત્ર 691 વિદ્યાર્થીઓએ જ A 1 ગ્રેડ મેળવ્યો છે. સરકારના માસ પ્રોગ્રેશનના નિર્ણયથી 100 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે પરંતુ ગ્રેડ પ્રમાણે પરિણામ નીચું છે. પરિણામથી શિક્ષણ વિભાગની નીતિ ખુલ્લી પડી છે. માસ પ્રોગ્રેશનનો નિર્ણય યોગ્ય છે પરંતુ તેમાં માર્કસની ગણતરી કરવામાં આવી તે ખોટી સાબિત થઈ છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 2 લાખ 10 હજાર 375 વિદ્યાર્થી અને 1 લાખ 89 હજાર 752 વિદ્યાર્થિની નોંધાયાં છે. ત્યારે માસ પ્રમોશનને કારણે કુલ 4 લાખ 127 રેગ્યુલર વિદ્યાર્થીનાં પરિણામ આજે જાહેર કરવામાં આવ્યાં છે. પરિણામ માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સ્કૂલ પર પહોંચ્યા છે, વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી પરિણામ સાથે લિવિંગ સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું છે. પરિણામની માત્ર અત્યારે પ્રિન્ટ કાઢવામાં આવી રહી છે. સ્કૂલના સહીસિક્કા કર્યા બાદ જ પ્રિન્ટ કરેલી માર્કશીટ આગળ પ્રવેશ માટે માન્ય ગણાશે. અત્યારે માત્ર કાચી માર્કશીટ આપવામાં આવી છે, પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા માર્કશીટ આપવામાં આવે એ બાદ વિદ્યાર્થીઓને ઓરિજિનલ માર્કશીટ આપવામાં આવશે.

CBSE (સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન ) બોર્ડનું ધોરણ 12નું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું છે. માસ પ્રમોશનને કારણે 100 ટકા પરિણામ આવ્યું છે. આ પરિણામથી અનેક વિદ્યાર્થીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે ઓફલાઈન પરીક્ષા લીધી હોત તો હજી સારું પરિણામ આવ્યું હોત, પરંતુ વાલીઓમાં પરિણામથી ખુશી જોવા મળી છે.

Most Popular

To Top