Columns

દુનિયાના બધા દેશો આટલા બધા દેવાદાર કેવી રીતે બની ગયા?

સંસ્કૃતમાં કહેવત છે ‘ऋणं कृत्वा धृतं पिबेत ’તેનો મતલબ થાય છે, દેવું કરીને પણ ઘી પીવું જોઈએ. આ કહેવત દેવું કરવાનો ઉપદેશ નથી આપતી પણ ઘી પીવાનો મહિમા સમજાવે છે કે તમારી પાસે પૈસા ન હોય તો દેવું કરીને પણ ઘી પીવું જોઈએ. દુનિયાના દેશોની સરકારો ઘી ખરીદવા માટે નહીં પણ ખનિજ તેલ, શસ્ત્રો, યંત્રો અને રસાયણો ખરીદવા માટે અબજો ડોલરના દેવાદાર બની રહ્યા છે. દુનિયાના તમામ દેશો આજે ઓછા કે વધારે દેવાના ડુંગર તળે દબાયેલા છે. દુનિયામાં સૌથી વધુ પૈસાદાર ગણાતો અમેરિકા દેશ આજે ૩૧,૦૦૦ અબજના દેવા સાથે સૌથી મોટો દેવાદાર દેશ છે. અમેરિકાના પ્રત્યેક નાગરિકને માથે સરેરાશ ૯૪,૧૮૮ ડોલરનું દેવું છે. અહીં સવાલ એ થાય છે કે દુનિયાના દેશો દેવું કેમ કરે છે? તેમને આટલું બધું ઋણ કોણ આપે છે?

દુનિયાના સૌથી દેવાદાર દેશોની યાદીમાં અમેરિકા પછી બ્રિટનનો નંબર આવે છે. બ્રિટનના માથે કુલ ૮,૭૩૦ અબજ ડોલરનું દેવું છે. ફ્રાન્સના માથે ૭,૦૪૦ અબજ ડોલરનું દેવું છે. જર્મનીના માથે ૬,૪૬૦ અબજ ડોલરનું દેવું છે. જપાનના માથે ૪,૩૬૦ અબજ ડોલરનું દેવું છે. ઇટાલીના માથે ૨,૫૧૦ અબજ ડોલરનું દેવું છે. સ્પેનના માથે ૨,૨૬૦ અબજ ડોલરનું દેવું છે. કેનેડાના માથે ૧,૯૩૦ અબજ ડોલરનું દેવું છે. ઓસ્ટ્રેલિયાના માથે ૧૮૩૦ અબજ ડોલરનું દેવું છે. દુનિયાના દેવાદાર દેશોની યાદીમાં ભારતનો નંબર ૧૭ મો છે. ભારતના માથે ૬૨૦ અબજ ડોલરનું દેવું છે.

જો દેવાની સરખામણી જીડીપી સાથે કરીએ તો તેમાં જપાન પહેલા નંબરે આવે છે. જપાનનો જેટલો જીડીપી છે તેના ૨૫૭ ટકા જેટલું તેનું દેવું છે. બીજા નંબરે સુદાન આવે છે, જેનું દેવું તેના જીડીપીના ૨૧૦ ટકા જેટલું છે. ત્રીજા નંબરે ગ્રીસ આવે છે, જેનું દેવું જીડીપીના ૨૦૭ ટકા જેટલું છે. ચોથા નંબરે એરિટ્રી નામનો નાનકડો દેશ આવે છે, જેનું દેવું જીડીપીના ૧૭૫ ટકા જેટલું છે. કેપ વેરડે નામના દેશનું દેવું તેના જીડીપીના ૧૬૧ ટકા જેટલું છે. ઇટાલીનું દેવું જીડીપીના ૧૫૫ ટકા છે.

જો દુનિયાના તમામ દેશોનાં દેવાંનો સરવાળો કરીએ તો વર્ષ ૨૦૨૧માં દુનિયાનું કુલ દેવું ૩૦૫ ટ્રિલિયન અમેરિકન ડોલર પર પહોંચી ગયું હતું. જાગતિક દેવામાં છેલ્લાં બે વર્ષમાં પ્રચંડ ઉછાળો જોવા મળ્યો છે. ૨૦૧૯માં કુલ દેવું ૧૯૯ ટ્રિલિયન ડોલર હતું, જે ૨૦૨૦ માં વધીને ૨૨૬ ટ્રિલિયન ડોલર ઉપર અને ૨૦૨૧માં ૩૦૫ ટ્રિલિયન ડોલર ઉપર પહોંચી ગયું હતું. કોવિડ-૧૯ના કારણે દુનિયામાં કરોડો લોકોની નોકરી ગઈ હતી. તેમને તથા ઉદ્યોગોને રાહતના પેકેજો આપવા માટે સરકારો દ્વારા જે પેકેજો આપવામાં આવ્યા હતા તેને કારણે સરકારોના દેવામાં ભારે વધારો થયો હતો.

હવે યુક્રેનના યુદ્ધને કારણે મંદીનો મુકાબલો કરવા દુનિયાના દેશો વધારે દેવું કરી રહ્યા છે. જાગતિક દેવામાં સરકારી દેવા ઉપરાંત ઉદ્યોગપતિઓ અને નાગરિકો દ્વારા કરવામાં આવતા દેવાનો પણ સમાવેશ થતો હોય છે. નાગરિકો અને ઉદ્યોગપતિઓ દ્વારા જે દેવું કરવામાં આવે છે તે બેન્કો પાસેથી લોન લેવામાં આવે છે. સરકારો દ્વારા જે દેવું કરવામાં આવે છે તે વર્લ્ડ બેન્ક, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ વગેરે નાણાં સંસ્થાઓ પાસેથી લોન લેવામાં આવે છે.

સરકારો દ્વારા બોન્ડ બહાર પાડીને જે રૂપિયા ઉઘરાવવામાં આવે છે, તેને કારણે પણ તેમના દેવામાં વધારો થાય છે. જો કોઈ દેશના માથે દેવું વધી જાય તો તેણે પોતાની પ્રજા પર કરવામાં આવતા આરોગ્ય, શિક્ષણ, સબસિડી વગેરે પાછળ કરવામાં આવતા ખર્ચામાં કાપ મૂકવો પડતો હોય છે. જો કોઈ દેશનું દેવું વધી જાય તો તેણે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ પાસે મોટી લોન માગવી પડે છે. આ કંપની શરાફી કંપની છે. તે કોઈ પણ દેશને લોન આપે છે ત્યારે તેની ચકાસણી કરે છે કે તે દેશ લોન પાછી આપવાની ક્ષમતા ધરાવે છે કે નહીં? જો તેને લાગે કે તે દેશમાં કરવેરા ઓછા ઉઘરાવાય છે અને નાગરિકો પાછળ ખર્ચાઓ વધારે કરવામાં આવે છે તો તેઓ શરત કરે છે કે જો તમે તમારા કરમાળખામાં ફેરફારો કરો તો જ તમને લોન મળશે. તાજેતરમાં પાકિસ્તાન સામે શરતો મૂકવામાં આવી છે. જો કોઈ દેશને નાણાં સંસ્થાની લોન લેવી હોય તો તેમણે પોતાના સાર્વભૌમત્વને પણ ગિરવે મૂકવું પડે છે.

વિશ્વ બેન્ક અને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ કોઈ પણ દેશને તેના માળખાકીય વિકાસ માટે મોટી લોન આપે છે. તેમને શસ્ત્રો ખરીદવા માટે પણ લોન આપવામાં આવે છે. કોઈ દેશની આયાત વધુ હોય અને નિકાસ વધુ હોય તો પણ તેણે લોન લેવી પડે છે. જો તેના વિદેશી હૂંડિયામણના ભંડારનું તળિયું દેખાઈ જાય તો તે દેવાળું ફૂંકવાની અણી પર આવી જાય છે. વિશ્વ બેન્કના અંદાજ મુજબ દુનિયાના ૬૦ ટકા દેશો અત્યારે આ પ્રકારની કટોકટીનો સામનો કરી રહ્યા છે.

વિશ્વ બેન્ક અને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના પ્રભાવ હેઠળ દુનિયાના દેશો અને ઉદ્યોગપતિઓ દ્વારા દેવું કરીને વિકાસ સાધવાની વિનાશક નીતિ અખત્યાર કરવામાં આવી છે. ફેડરલ રિઝર્વ અને દુનિયાની સેન્ટ્રલ બેન્કો બેફામ કરન્સી નોટો છાપીને તેને અર્થતંત્રમાં ઠાલવ્યા કરે છે, જેને કારણે વિકાસ વધે છે, પણ ફુગાવો પણ વધ્યા કરે છે. જાણીને નવાઈ લાગશે પણ આજની તારીખમાં દુનિયાનો જેટલો જીડીપી છે તેના ૨૫૬ ટકા જેટલું ઋણ દુનિયાની સરકારો દ્વારા લેવામાં આવ્યું છે.

આ દેવામાં ૨૦૨૦ના એક જ વર્ષમાં ૨૮ ટકા જેટલો તોતિંગ વધારો થયો છે. દુનિયાનું અર્થતંત્ર અત્યારે ૮૪ ટ્રિલિયન ડોલરનું છે, પણ જાગતિક દેવું ૩૦૫ ટ્રિલિયન ડોલર છે. અહીં સવાલ એ થશે કે આટલું બધું ધિરાણ આપ્યું કોણે? તેમના પાસે તેટલું નાણું ક્યાંથી આવ્યું? તેનો જવાબ એ છે કે બેન્કરો હવામાંથી રૂપિયા પેદા કરીને આખી દુનિયાને દેવાદાર બનાવે છે.
ઇ.સ. ૧૯૮૯ અને ૨૦૨૦ વચ્ચે અમેરિકાના દેવાંમાં ૮૦૦ ટકાનો વધારો થયો છે.

૧૯૮૯માં અમેરિકાનું કુલ દેવું ૨. ૯ ટ્રિલિયન ડોલર હતું, જે ૨૦૨૨માં વધીને ૩૧ ટ્રિલિયન ડોલર પર પહોંચી ગયું હતું. બરાક ઓબામાના શાસન કાળમાં અમેરિકાનાં દેવાંમાં ૮.૩ ટ્રિલિયન ડોલરનો વધારો થયો હતો. ૨૦૦૮માં વિશ્વમાં જે આર્થિક મંદી આવી તેનો મુકાબલો કરવા બરાક ઓબામાએ જે સ્ટિમ્યુલસ પેકેજો આપ્યા તેને કારણે અમેરિકાનાં દેવામાં ૭૦ ટકાનો વધારો થયો હતો. ડોનાલ્ડ ટ્રમ્પના શાસન કાળમાં અમેરિકાનાં દેવાંમાં બીજા ૬.૭ ટ્રિલિયન ડોલરનો વધારો થયો હતો. ગયાં વર્ષે કોરોના અને લોકડાઉનને કારણે જે મંદી આવી તેનો મુકાબલો કરવા ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જે રાહત પેકેજ આપવામાં આવ્યું તેને કારણે દેવામાં બે ટ્રિલિયન ડોલરનો વધારો થયો હતો. જો બાઇડેન પ્રમુખ બન્યા કે તેમણે કોરોના માટે બીજા ૧. ૯ ટ્રિલિયન ડોલરનું રાહત પેકેજ જાહેર કર્યું હતું.

કોઈ પણ રસ્સીને જ્યારે હદ કરતાં વધુ તાણવામાં આવે ત્યારે તે તૂટી જાય છે. ફુગ્ગામાં હદ કરતાં વધુ હવા ભરવામાં આવે ત્યારે તે ફૂટી જાય છે. દુનિયાના અર્થતંત્રની હાલત પણ ડોલર નાખીને ફૂલાવવામાં આવેલા ફુગ્ગા જેવી છે. જગતના સ્ટોક એક્સચેન્જોમાં પણ જે તેજી જોવા મળે છે તે ફન્ડામેન્ટલના આધારે જોવા મળતી તેજી નથી પણ ફુગાવા દ્વારા પેદા કરવામાં આવેલી તેજી છે. ફેડરલ રિઝર્વ વ્યાજ વધારશે ત્યારે માત્ર ન્યુ યોર્કના નહીં પણ દુનિયાભરના શેર બજારોમાં મંદી આવશે. જાણકારો કહે છે કે ૨૦૨૩ના જૂન મહિના સુધીમાં આખી દુનિયામાં મહામંદી આવી રહી છે. આ મંદીથી બચવું હોય તો પેપર કરન્સી છોડીને કીમતી ધાતુઓનો સંગ્રહ કરવો જોઈએ.

Most Popular

To Top