Editorial

ચળકાટભર્યા ઇલેકટ્રોનિક ગેજેટોના નિર્માણમાં ગરીબ મજૂરોની કાળી મજૂરીની શરમજનક ગાથા

આજે મોબાઇલ ફોન કે સ્માર્ટ ફોન કોઇ નવાઇની વાત નથી. અને ઘણા બધા એવા લોકો છે કે જેઓ મોંઘા દાટ સ્માર્ટ ફોનો કે ટેબલેટો કે લેપટોપ વાપરે છે. દુનિયાભરમાં સ્માર્ટફોન, લેપટોપ, ટેબ્લેટ જેવા ઇલેકટ્રોનિક ગેજેટ્સ આજે કરોડોની   સંખ્યામાં ઉપલબ્ધ છે અને ઇલેકટ્રીક વાહનોનું ચલણ પણ વધવા માંડ્યું છે પરંતુ આ સાધનોની બનાવટ પાછળ અત્યંત ગરીબ લોકોની અને બાળ મજૂરોની સુદ્ધાંની કાળી મજૂરી પણ રહેલી છે તેની ઘણા ઓછા લોકોને જાણ હશે.

વાસ્તવમાં આ   સાધનોમાં વપરાતું કોબાલ્ટ નામનું તત્વ આફ્રિકા ખંડની ખાણોમાંથી આવે છે અને આ ખાણોમાં ત્યાનાં લોકો પાસે સખત મજૂરી કરાવવામાં આવે છે અને બાળકો પણ આ મજૂરી કરવામાં જોતરાય છે. હાલમાં જ કેટલાક એવા અહેવાલો બહાર   આવ્યા છે કે જેના પરથી જાણવા મળ્યું છે કે આફ્રિકા ખંડના એક અત્યંત ગરીબ દેશ કોંગોમાં કોબાલ્ટની ખાણોમાંથી કોબાલ્ટ કાઢવા માટે ત્યાંના ગરીબ લોકો કાળી મજૂરી કરે છે, જેમની ભણવાની અને રમવાની ઉંમર છે તેવા નાના બાળકો પણ આ મજૂરી કરવામાં જોડાય છે અને બદલામાં તેમને નજીવું વળતર મળે છે. સ્માર્ટફોનો, લેપટોપ્સ વાપરનારાઓ મોટા ભાગના લોકોને આ બાબતનો ખ્યાલ પણ હશે નહીં.

વર્ષોથી એપલ અને ટેસ્લા જેવી કંપનીઓ ડંફાસો મારે છે કે તેમના ઉત્પાદનોમાં કોઇ અનૈતિક માર્ગોનો ઉપયોગ કરવામાં આવતો નથી. તેમના ઝળહળાટભર્યા સ્ટોરો અને શો-રૂમોમાં આવતા ગ્રાહકોને ખાતરી આપવામાં આવે છે કે તેમની   વસ્તુઓના ઉત્પાદનો નૈતિક સ્ત્રોતો વડે જ આવે છે પણ તેમના આ દાવાને ખોટો સાબિત કરતી કેટલીક શરમ જનક તસવીરો હાલમાં બહાર આવી છે જેમાં જોઇ શકાય છે કે ગરીબ આફ્રિકન દેશ કોંગો ખાતે આવેલી કોબાલ્ટની ખાણોમાં લોકો   કાળી મજૂરી કરી રહ્યા છે.

બાળકો પણ અહીં મજૂરી કરે છે તે જોઇ શકાય છે. અને એવી માહિતી મળી છે કે બાળકોને એક દિવસની મજૂરી પેટે માત્ર બે ડોલર જેટલી રકમ આપવામાં આવે છે. કોબાલ્ટ એ મહત્વનું રસાયણીક તત્વ છે જે   સ્માર્ટફોન, ટેબ્લેટ, લેપટોપ જેવા સાધનોમાં વપરાતી લિથિયમ આયન બેટરીમાં વપરાય છે. તેમાં થોડાક ગ્રામ જેટલું કોબાલ્ટ વપરાય છે જ્યારે ટેસ્લાની કારો જેવા ઇલેકટ્રીક વાહનોની બેટરીમાં તો દસ કિલોગ્રામ જેટલું કોબાલ્ટ વપરાય છે. વિશ્વમાં જેટલું કોબાલ્ટનું ઉત્પાદન થાય છે તેમાંથી ૯૦ ટકા કોબાલ્ટનું ઉત્પાદન કોંગોની ખાણોમાં જ થાય છે અને આ કોંગો એક ખૂબ ગરીબ દેશ છે અને અહીની ગરીબ પ્રજા કોબાલ્ટની ખાણોમાં વિપરીત સંજોગો વચ્ચે અને પુરતા રક્ષણાત્મક સાધનો વગર મજૂરી કરવા માટે મજબૂર છે.

આ કોબાલ્ટ એક રાસાયણીક તત્વ છે. તે ખૂબ ઝેરી કે જોખમી તો નથી પરંતુ તેના સંપર્કમાં લાંબા સમય રહેવાથી ફેફસાની તકલીફો, બહેરાશ જેવી તકલીફો ઉભી થઇ શકે છે અને કેટલાક પ્રકારના  કેન્સર થવાનું પણ જોખમ રહે છે એમ નિષ્ણાતો જણાવે છે. અને કોંગોની ખાણોમાં તો પુરતા રક્ષણાત્મક સાધનો વિના પુખ્તો તો શું, બાળકો પણ ત્યાં કામ કરતા હોય છે, તેઓ કેવુ જોખમ વહોરી રહ્યા છે તેની તેમને કદાચ જાણ પણ નહીં હોય.

અહીં પ્રશ્ન એ થાય છે કે જેઓ મોબાઇલ ફોન્સ કે અન્ય ગેજેટ્સના વેચાણમાંથી કરોડો કે અબજો કમાય છે તેવી કંપનીઓને કોબાલ્ટની ખાણોમાં કામ કરતા લોકોની કફોડી હાલત વિશે જાણ જ નહીં હોય? હશે જ, પરંતુ તેઓ આ બાબતે આંખ આડા કાન કરતા હશે. દુનિયાભરની મોટી મોટી કોર્પોરેટ કંપનીઓ પોતાની સામાજીક જવાબદારીની મોટી મોટી વાતો કરતી હોય છે, અનેક કંપનીઓ પોતાના કામદારો માટે વિવિધ કલ્યાણ યોજનાઓ રજૂ કરતી હોય છે કે સામાજીક જવાબદારીનું નામ આપીને વિવિધ વિસ્તારોમાં અમુક પ્રકારના રાહત કાર્યો કરતી હોય છે કે અમુક રાહત ભંડોળો ઉભા કરતી હોય છે.

જો કે તેમની અઢળક આવક અને તેમની પાસેના નાણાના ઢગલા નહીં પણ પહાડની સામે તેમના દ્વારા સામાજીક નિસ્બત કે જવાબદારીના નામે કરાતો ખર્ચ તો ખૂબ મામૂલી જ હોય છે. દુનિયાના અનેક દેશોમાં વેપાર કરતી અગ્રણી મોબાઇલ ફોન અને ગેજેટ્સ કંપનીઓની વાર્ષિક આવક કરોડો ડોલરમાં જતી હશે. તેઓ ધારે તો કોંગોની ખાણોમાં કામ કરતા લોકોના કલ્યાણ માટે, ત્યાં નાના બાળકો કામ કરવા મજબૂર નહીં બને તે માટે સક્રિય થઇ શકે છે, તેમના માટે આ કોઇ મુશ્કેલ બાબત નથી પરંતુ આ કંપનીઓ આ બાબતે જરાયે ચિંતીત જણાતી નથી. તેમને કદાચ આ બાબતની જાણ નહીં હોય તેવું પણ બને.

પરંતુ આ કંપનીઓ, ખાસ કરીને જે એપલ જેવી ગેજેટ કંપની અને ટેસ્લા ઓટોમોબાઇલ કંપની કે જે નૈતિકતાની મોટી મોટી વાતો કરે છે તેમણે તો પોતાના ઉત્પાદનોની પ્રક્રિયામાં સંકળાયેલા લોકો કેવી સ્થિતિમાં કામ કરે છે તેની માહિતી રાખવી જ જોઇએ. અને ફક્ત કોંગોમાં જ આવી સ્થિતિમાં લોકો કામ કરતા હશે એમ કહી શકાય નહીં. ઉત્પાદનની લાંબી પ્રક્રિયામાં અન્ય કોઇ સ્થળે પણ કામદારોની કફોડી હાલત હોય તેવું બને. કંપનીઓ આવા લોકોના કલ્યાણ માટે સક્રિય થાય તેવી અપેક્ષા રાખવામાં કંઇ ખોટું નથી.

Most Popular

To Top