Columns

હિસાબ અને લેખાંજોખાં

એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નિમેશ; પોતાના ક્ષેત્રમાં ખુબ જ હોશિયાર અને શેરબજારમાં પણ સફળ. ઘણી પ્રગતિ કરી, પોતાની ,પત્નીની અને પરિવારમાં બધાની લગભગ બધી જ ઇચ્છાઓ પૂરી કરી.સરસ ઘર , ગાડી બધું જ હતું. જીવનમાં ખુશી જ ખુશી હતી.પણ અચાનક નસીબનું પાંદડું ફર્યું.શેરબજારમાં બ્લેક ડે આવ્યો અને કરોડપતિ નીમેશને કરોડોનું નુકસાન થયું.બધું જ ધોવાઈ ગયું.ઘર ગાડી ઓફીસ વેચાઈ ગયાં.પત્નીના બધા દાગીના પણ વેચવા પડ્યા.એક નાનકડા ઘરમાં રહેવા જવું પડયું.

જે થયું તે જોઇને બધા તેમની દયા ખાતા, પણ નિમેશ અને તેની પત્ની નીના તો પહેલાં જેવાં હતાં તેવાં જ હતાં. હજી પણ સાથે, પ્રેમ પણ એવો જ અને ચેહરા પર કોઈ દુઃખ નહિ અને વાતોમાં કોઈ ફરિયાદ નહિ.બંને જણે ફરીથી ઝીરોથી શરૂઆત કરવા માટે કમર કસી લીધી હતી અને મહેનત શરૂ કરી દીધી.નિમેશે શેરબજારના કામ સાથે નોકરી પણ શોધી લીધી.નીના પણ નોકરી કરવા લાગી.વર્ષ બે વર્ષમાં તો બધું વ્યવસ્થિત ગોઠવાવા લાગ્યું. એક દિવસ રીયુનિયનમાં બધાં મિત્રો વર્ષો પછી મળ્યાં અને એક છૂપા દ્વેષી મિત્રે ટોણો મારતાં નીનાને કહ્યું, ‘અરે મર્સીડીસમાંથી ઓલા ઉબેરની ભાડાની  ટેક્સીની સફર ફાવે છે ને.અરે, ચમકતા હીરાના દાગીનાની જગ્યાએ આ ઓક્સીડાઈઝડ ફેન્સી જ્વેલરી ગમે છે ને.બન્નેની માસિક આવકમાં ખર્ચા તો નીકળે છે ને ઓછું પડે તો મને કહેજે.આજે તું ભલે હસે છે, પણ બધું જ ગુમાવી દીધું તેનું દુઃખ તો હશે જ ને?

નીના અને નિમેશ અને તેનાં બધાં દોસ્તો આ સાંભળી બે ઘડી સ્તબ્ધ થઈ ગયાં. અમુક મિત્રોએ પેલાને ચૂપ રહેવા કહ્યું, પણ નીના હસી અને બોલી,’અરે, વાંધો નહિ. શું કામ તેને ચૂપ રહેવા કહો છો? તેણે જે કહ્યું તે સાચું કહ્યું છે. મિત્ર છે તો જે કહેવું હોય તે કહી શકે.પણ દોસ્ત, હવે તું મારો જવાબ પણ સાંભળી લે.દોસ્ત જે ગુમાવ્યું તેનો હિસાબ રાખીને શું કામ દુઃખી થવાનું, આજે મારી પાસે જે છે અને બધું જ ગુમાવ્યા બાદ હિંમત રાખીને મેળવ્યું છે તેનો મને બહુ આનંદ છે.મારી માસિક આવકમાં રહેતાં અમને આવડે છે, પણ માનસિક રીતે એકદમ મોજમાં રહીએ છીએ.

તારી જેમ કોઈને માનસિક દુઃખ પણ પહોંચાડતા નથી એટલે મજામાં છીએ અને હા, દાગીના હીરાના હોય કે ફેન્સી જ્વેલરી પણ તે પહેર્યા બાદ બધા અરીસો જ શોધે છે ભલે ને અરીસાની કિંમત ઓછી હોય, પણ જરૂરત વધારે હોય છે.એટલે અમારી પાસે જે છે તે પૂરતું છે;શું હતું અને શું શું ગુમાવ્યું નાં જુનાં લેખાંજોખાં કરી અમે દુ:ખી થતાં નથી અને તું પણ અમારો હિસાબ કરવાનું, ચિંતા કરવાનું માંડી વાળ. બસ, બને તો સાચો દોસ્ત બન નહીં તો જવા દે.’ નીનાનો કડક સાચો જવાબ જીવનની જિંદાદિલી , સાચી ફિલસુફી અને સાચી મિત્રતા જેવું ઘણું ઘણું સમજાવી ગયો.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top