Columns

હીરામંડી અને કમાઠીપુરા કોઈ કાળે ગીત, સંગીત અને કળાનાં કેન્દ્રો હતાં

પ્રાચીન ભારતમાં નગરવધૂઓની સંસ્થા હતી, જે નગરની સ્ત્રીને કામશાસ્ત્ર સહિતની ૬૪ કળાના પાઠો ભણાવતી હતી. તે કાળમાં નગરવધૂઓની સંસ્થાની બહુ પ્રતિષ્ઠા હતી. રાજા પણ તેમને ત્યાં કોઈ મહેમાન પધારે તો તેને મનોરંજન માટે ગણિકાઓને ત્યાં મોકલતા. દક્ષિણ ભારતમાં તેવી જ રીતે મંદિરોમાં દેવદાસીની પ્રથા હતી, જેમાં કુંવારી કન્યાને તેના પરિવારજનો દેવદાસી બનવા માટે અર્પણ કરતાં હતાં. આ  પ્રથામાં વિકૃતિ આવતાં દેવદાસીનો ઉપયોગ યૌન શોષણ માટે થવા લાગ્યો. મોગલ તેમ જ બ્રિટીશ કાળમાં ભારતનાં શહેરોમાં ગણિકાના કોઠાઓ હતા, જેમાં ગઝલ, ઠુમરી, નૃત્ય, ગીત અને સંગીતની મહેફિલ જામતી. મુંબઈમાં કોંગ્રેસ હાઉસ તરીકે વિખ્યાત વિસ્તારમાં આવા અનેક કોઠાઓ હતા. તેવા જ કોઠાઓ લાહોર શહેરમાં પણ હતા.

બોલિવૂડના ફેમસ ડાયરેક્ટર સંજય લીલા ભણસાળીની વેબ સિરીઝ હીરામંડી – ધ ડાયમંડ બઝાર નેટફ્લિક્સ પર રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મના શાનદાર સેટ હોય કે શાનદાર કેમેરા વર્ક, આઠ એપિસોડની આ સીરિઝ રિલીઝ થઈ ત્યારથી જ ચર્ચામાં છે. કેટલાંક લોકો તેની પ્રશંસા કરી રહ્યા છે તો કેટલાક તેની ટીકા કરી રહ્યા છે. આ વેબ સિરીઝ હીરામંડીની વાર્તા ભારતના ભાગલા પહેલાં લાહોરમાં રહેતી ગણિકા અને તેના વેશ્યાલયની આસપાસ ફરે છે. દાયકાઓ પહેલાં હીરામંડી નૃત્ય, સંગીત અને સભ્યતાનું કેન્દ્ર હતું, પરંતુ સમયની સાથે ફેરફારો થયા અને આ વિસ્તારને બદનામીનું કલંક લાગી ગયું. આ વિસ્તારનો ઈતિહાસ ૪૫૦ વર્ષ જૂનો છે.

સમ્રાટ અકબરના શાસનકાળ દરમિયાન લાહોર શહેર મોગલ સલ્તનતનું કેન્દ્રીય શહેર હતું અને તે સમયે હીરામંડી વિસ્તારને શાહી મહોલ્લા તરીકે જાણીતો હતો. આજે પણ લાહોરના કેટલાક વિસ્તારો જેમ કે હૈદરી ગલી, તુબી ગલી, હીરામંડી અને કિલા રોડ પર સ્થિત નોવેલ્ટી ચોક શાહી મહોલ્લાના નામથી પ્રખ્યાત છે. જે લોકો ઓટો રિક્ષા કે ટેક્સી દ્વારા તે વિસ્તારોમાં જાય છે તેઓ તેને શાહી મહોલ્લા કહે છે. ત્યાંના ઘણા કોઠા મોગલ કાળ દરમિયાન બાંધવામાં આવ્યા હતા.

સ્ટેજ ડાયરેક્ટર પ્રોફેસર ત્રિપુરારિ શર્મા જણાવે છે કે મોગલ કાળ દરમિયાન પાવર કનેક્શન ધરાવતાં અમીર લોકો અને તેમનાં પરિવારો તે વિસ્તારોમાં રહેતાં હતાં. ખુશીના પ્રસંગોએ તેમના કાર્યક્રમો શાહી મહેલોમાં યોજાતા હતા. આ દિવસોમાં કોઠા શબ્દનું જે રીતે અર્થઘટન કરવામાં આવે છે તે યોગ્ય નથી. એક સમય હતો જ્યારે કોઠા કલાનું કેન્દ્ર હતું જ્યાં માત્ર ગાયન, સંગીત અને નૃત્ય જ થતું હતું. કોઠાઓ સાથે સંકળાયેલી મહિલાઓ પોતાને કલાકાર અથવા અભિનેત્રી કહેતી હતી. ત્યાં ઉત્તમ લેખો અને કવિતાઓ લખવામાં આવતી હતી.

કોઠાઓમાં ખૂબ જ ઉચ્ચ સ્તરની ચર્ચા થતી હતી. લોકો વાતચીતનું કૌશલ્ય મેળવવા પણ ત્યાં જતા હતા. લોકો સમાજમાં વાદવિવાદ અને તર્ક કેવી રીતે કરવા તે શીખવા માટે ત્યાં જતાં હતાં. ૧૬મી સદીના અંત સુધીમાં લાહોર મોગલ સલ્તનતનું કેન્દ્ર ન હતું, તેમ છતાં સત્તાનો પ્રભાવ ત્યાં જ રહ્યો હતો. કરણ જોહરની ફિલ્મ ‘કલંક’માં હસનાબાદ નામનું એક નગર બતાવવામાં આવ્યું છે. દેખીતી રીતે એવું લાગે છે કે તેની પ્રેરણા હીરામંડી વિસ્તારમાંથી લેવામાં આવી છે. મોગલોના પતન સાથે મરાઠાઓ ભારતીય ઉપખંડમાં મજબૂત બની રહ્યા હતા અને અહેમદ શાહ અબ્દાલીના હુમલાઓનો સામનો કરી રહ્યા હતા.

અબ્દાલીએ પંજાબ, ઉત્તર ભારત અને રાજપૂતાના પર હુમલાઓ શરૂ કર્યા અને તેની સેનાએ શરૂઆતમાં ધોબીમંડી અને હીરામંડી નજીકના મહોલ્લા દારા શિકોહના વિસ્તારમાં પોતાનો કેમ્પ સ્થાપ્યો હતો. ત્યાં સ્થાયી થયેલી ગણિકાઓ પણ શાહી પરિવારનાં સભ્યો સાથે સંપર્કમાં હતી. અબ્દાલીના હુમલા પછી સર્જાયેલી પરિસ્થિતિને કારણે ગરીબી વધી અને પૈસાના બદલામાં વેશ્યાવૃત્તિનો ધંધો આ વિસ્તારમાં વધવા લાગ્યો અને ત્યાંના વેશ્યાલયોમાં રહેતી મહિલાઓને વેશ્યાવૃત્તિનો વ્યવસાય પસંદ કરવાની ફરજ પડી હતી. આ સ્થિતિ જોઈને ગરીબીથી પીડાતી મહિલાઓ રોજગાર માટે આ વ્યવસાયમાં જોડાવા લાગી હતી.

તે સમયે મોગલ ગવર્નર અબ્દાલીના હુમલાઓને રોકવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને વિવિધ ટોળાંઓ અને સેનાઓ વચ્ચેના સંઘર્ષને કારણે સર્જાયેલી અરાજકતાને કારણે આ વિસ્તાર પણ પ્રભાવિત થયો હતો. ઉથલપાથલના આ સમયગાળા પછી વર્ષ ૧૭૯૯ માં લાહોરમાં મહારાજા રણજીત સિંહનું શાસન સ્થાપિત થયું. રણજીત સિંહના સમયમાં આ વિસ્તારને વધારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ન હતો.

મહારાજા રણજીત સિંહના દિવાન હીરા સિંહના નામ પરથી રાજવી વિસ્તારનું નામ હીરામંડી રાખવામાં આવ્યું હતું. મહારાજા રણજિત સિંહના શાસનકાળ દરમિયાન લાહોર ફરી એક વખત સત્તાના મુખ્ય કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું હતું. વર્ષ ૧૮૪૯માં ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ લાહોર પર કબજો કર્યો ત્યાં સુધી આ વલણ ચાલુ રહ્યું હતું. ભારતમાં અંગ્રેજો સત્તામાં આવ્યા ત્યારે તેઓએ તે તમામ વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવાનું શરૂ કર્યું જે વિદ્રોહનું કારણ બની શકે તેમ હતું. ગણિકાઓ માટે લાઇસન્સ પણ ફરજિયાત બનાવવામાં આવ્યું. વેશ્યાગૃહો માટે લાયસન્સ આપવાની સિસ્ટમ શરૂ થઈ ત્યારે પોલીસે કાયદાનો અમલ કરવા માટે તે સ્થળો પર દરોડા પાડવાનું શરૂ કર્યું.

બ્રિટિશ શાસન દરમિયાન પોલીસ તપાસના બહાને દરોડા પાડવા માટે ગમે ત્યારે પહોંચી જતી હતી. આ સ્થિતિ જોઈને શરીફ લોકોએ અહીં આવવાનું બંધ કરી દીધું અને ધીમે ધીમે આ જગ્યા પ્રત્યેની ધારણા બદલાવા લાગી. આ બદલાવને કારણે આપણા સામાજિક જીવનના એક ભાગને જોતાં વેશ્યાલયો ઈતિહાસનો ભાગ બનવા લાગ્યાં અને આ વિસ્તાર માત્ર વેશ્યાવૃત્તિના અડ્ડા તરીકે જ કુખ્યાત બન્યો.

દાદાસાહેબ ફાળકેએ ૧૯૧૩માં પહેલી હિન્દુસ્તાની ફિલ્મ બનાવી હતી. શરૂઆતનાં વર્ષોમાં સ્ત્રીઓ ફિલ્મોમાં અભિનય કરતી ન હતી. ફિલ્મોમાં તેમ જ નાટકોમાં પુરુષો સ્ત્રીઓની ભૂમિકાઓ ભજવતા હતા. તે વખતે ફિલ્મોમાં મહિલા કલાકારો લાહોરના જીરામંડી અને મુંબઈના કોંગ્રેસ હાઉસ જેવા વિસ્તારોમાંથી લાવવામાં આવતાં હતાં. અવિભાજિત ભારત અને પાકિસ્તાનના ફિલ્મ ઉદ્યોગમાં કામ કરતાં ઘણાં કલાકારોના મૂળ હીરામંડીમાં છે.

ભારત અને પાકિસ્તાનના વિભાજન પછી, ત્યાં રહેતાં ઘણાં લોકો ભારત આવ્યાં અને ફિલ્મ ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોમાં જોડાઈને અહીં પોતાનું જીવન જીવવા લાગ્યા. પાકિસ્તાની લેખિકા ફૌઝિયા સઈદે પણ પોતાના પુસ્તકમાં હીરામંડી વિશે લખ્યું છે. તેમણે તેમનું પુસ્તક ટબૂ: ધ હિડન કલ્ચર ઓફ અ રેડ લાઈટ એરિયા લખવા માટે ૮ વર્ષ સુધી હીરામંડી પર સંશોધન કર્યું હતું. ફૌઝિયા સઈદે અહીં રહેતી મહિલાઓ અને સમુદાયના અન્ય લોકોના જીવનનાં ઘણાં પાસાંઓ બહાર લાવ્યાં હતાં.

લાહોરમાં હીરામંડી વિસ્તાર જેમ કુખ્યાત છે, તેમ મુંબઈમાં કમાઠીપુરા, દિલ્હીમાં જી.બી. રોડ અને કોલકાતામાં સોનાગાછી પણ રેડ લાઇટ વિસ્તાર તરીકે વિખ્યાત છે. મુંબઈના કમાઠીપુરામાં બ્રિટીશ કાળમાં વિશ્વ યુદ્ધ દરમિયાન તેના સૈન્યના મનોરંજન માટે વેશ્યા લાવવામાં આવી હતી. આ વેશ્યા દક્ષિણ ભારત, કોલ્હાપુર, બેલગામ વગેરે વિસ્તારોમાંથી લાવવામાં આવતી હતી, જ્યાં દેવદાસીની પ્રથા પ્રચલિત હતી. હીરામંડીની જેમ કમાઠીપુરાના કોઠાને પણ નંબરો તેમ જ લાઇસન્સો પણ આપવામાં આવ્યાં હતાં. હિન્દી ફિલ્મોના પ્રારંભમાં કેટલીક હીરોઈનો કોઠામાંથી પણ આવી હતી. આજે ભારતમાં વેશ્યાલયોને કાયદેસરનો દરજ્જો આપવામાં નથી આવ્યો, પણ કોઠાઓ કાયમી છે. તેઓ સેક્સ અને ડ્રગ્સના અડ્ડાઓ બની ગયા છે. આ કોઠાઓ કોઈ કાળે કળા અને સંસ્કૃતિનાં કેન્દ્રો હતાં, તે વાત આજે લગભગ ભૂલાઈ ગઈ છે.

Most Popular

To Top