SURAT

સુરત રામભક્તિમાં લીન, હિન્દુ સંગઠનોએ ફ્રીમાં રામધ્વજની વહેંચણી કરી

સુરત(Surat): આગામી તા. 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં (Ayodhya) રામમંદિરને (RamMandir) વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PMModi) ભક્તો માટે ખુલ્લું મુકવાના છે, ત્યારે અત્યારથી જ દેશ રામભક્તિમાં લીન થયો છે. આ પવિત્ર અવસરના સહભાગી બનવા માટે સુરતના રામ ભક્તોમાં પણ અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરતથી રામમંદિરની રેપ્લીકા બનાવીને અયોધ્યા મોકલવામાં આવી રહી છે, જેની ખૂબ ડિમાન્ડ છે, તો હવે સુરતના હિન્દુ સંગઠનોએ રામ ધ્વજની વહેંચણી શરૂ કરી છે.

હિન્દુ સંગઠનો દ્વારા રામ લાલાની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે શહેરભરમાં માહોલ તૈયાર કરવાનું કામ શરૂ કરી દેવાયું છે. આજે સવારથી જ હિન્દુ સંગઠનોના કાર્યકરો દ્વારા રસ્તા પર વાહનચાલકોને અટકાવીને વિનામૂલ્યે રામ ધ્વજની વહેંચણી કરવામાં આવી હતી.

રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમને પગલે હિન્દુ સંગઠનોમાં અનેરો ઉત્સાહ છે. હિન્દુ સંગઠનોના કાર્યકરો દ્વારા ઠેરઠેર બેનરો લગાડવામાં આવી રહ્યા છે, પત્રિકાઓનું વિતરણ થઈ રહ્યું છે. હજારોની સંખ્યામાં મોટરસાયકલ ઉપર શ્રીરામની ધ્વજ સ્વરૂપની નાની પતાકા લગાડવામાં આવી રહી છે. જેથી આ મોટરસાયકલ શહેરમાં જે જે વિસ્તારમાં ફરે ત્યાં એક પ્રકારનું ધાર્મિક વાતાવરણ ઊભું થાય.

હિન્દુ સંગઠન સાથે સંકળાયેલા દેવી પ્રસાદે કહ્યું કે, 22 જાન્યુઆરીના પવિત્ર દિવસે રામ જન્મભૂમિ ખાતે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થશે, આ વિશેષ પળના પ્રત્યેક હિન્દુ સહભાગી બને તેવો અમારો પ્રયાસ છે. ધ્વજ પતાકા એ હિન્દુ ધર્મનું પ્રતિક છે. સુરત શહેરમાં અમે અત્યાર સુધીમાં 6,000 પતાકાઓનું વિતરણ કર્યું છે. આ કાર્ય નિરંતર ચાલી રહ્યું છે.

Most Popular

To Top