Business

‘દેશ પર હુમલો કહી છટકી શકાય નહીં’: હિંડનબર્ગનો અદાણીને વળતો જવાબ

નવી દિલ્હી: વિદેશી એજન્સી હિંડનબર્ગના (HindenBurg) રિપોર્ટ બાદ એશિયાના સૌથી ધનિક અને વિશ્વના ત્રીજા નંબરના ધનિક વ્યક્તિ અદાણીની (Adani) કંપનીમાં હડકંપ મચી ગયો હતો. અદાણીના શેર્સ ઘટવાની સાથે ભારતીય શેરબજાર પણ ઊંધા માથે પછડાયું હતું. ગૌતમ અદાણી વિશ્વના ધનિકોની યાદીમાં 3 નંબર પરથી સરકીને 7 નંબર પર પહોંચી ગયા હતા. અરબોના નુકસાન સાથે પ્રતિષ્ઠા પર ઝાંખપ લાગતા અદાણી કંપની દ્વારા હિંડનબર્ગના અહેવાલોનો જવાબ આપી પોતાની શાખ બચાવવાનો પ્રયાસ શરૂ કરાયો છે. અદાણી દ્વારા મીડિયાના માધ્યમથી હિંડનબર્ગના જવાબો આપવામાં આવ્યા હતા. જોકે, લડત અહીંથી પૂરી થઈ નહીં. હિંડનબર્ગ વળતો જવાબ આપ્યો છે. હિંડનબર્ગે કહ્યું, અદાણી રાષ્ટ્રવાદની વાતો કરી ગુનો છુપાવી શકશે નહીં.

હિંડનબર્ગના રિસર્ચે સોમવારે કહ્યું કે, ભારત એક ઉભરતી મહાશક્તિ છે અને અદાણી ગ્રુપ ભારતમાં સુવ્યવસ્થિત રીતે લૂંટ ચલાવી ભારતના ઉજ્જવળ ભવિષ્યને અવરોધી રહ્યું છે. હિંડનબર્ગ અદાણી વિશેના પોતાના રિપોર્ટ પર મક્કમ છે. બે વર્ષની તપાસ બાદ આ રિપોર્ટ તૈયાર કરાયો છે. અદાણી ગ્રુપ દ્વારા દાયકાઓથી શેર્સમાં ગડબડ કરવામાં આવી રહી છે.

અદાણી ગ્રુપે 62 પ્રશ્નો જવાબ આપ્યા નથઈ: હિંડનબર્ગ
હિંડનબર્ગ રિસર્ચએ સોમવારે કહ્યું કે અદાણી જૂથ રાષ્ટ્રવાદની આડમાં ભારત દેશને લૂંટી રહ્યું છે. અમારું માનવું છે કે કોઈ છેતરપિંડી કરે છે, તો તે છેતરપિંડી છે. દેશ પર હુમલો કહીને છટકી શકાય નહીં. યુએસ ફર્મે જણાવ્યું હતું કે તેણે અદાણી જૂથને 88 પ્રશ્નો પૂછ્યા હતા જેમાંથી તેણે 62 પ્રશ્નોના જવાબ આપ્યા નથી. આમાંના ઘણા પ્રશ્નો વ્યવહારોની પ્રકૃતિ અને હિતોના સંઘર્ષ વિશે પૂછવામાં આવ્યા હતા. પરંતુ અદાણી ગ્રુપે તેમને કોઈ જવાબ આપ્યો ન હતો. તેમણે જે જવાબ આપ્યો છે તેનાથી અમારા અહેવાલની મહદઅંશે પુષ્ટિ થઈ છે.

વિનોદ અદાણીની ફોરેન શેલ કંપની પર હિંડનબર્ગે પ્રશ્નો ઉઠાવ્યા
હિંડનબર્ગ રિસર્ચે જણાવ્યું હતું કે તેના અહેવાલમાં આરોપ છે કે અદાણી જૂથે ગૌતમ અદાણીના મોટા ભાઈ વિનોદ અદાણી અને તેની વિદેશી શેલ કંપનીઓ સાથે અબજો ડોલરનો વ્યવહાર કર્યો છે. વિનોદ અદાણીની વિદેશમાં 38 કંપનીઓ છે. મોરેશિયસ, યુએઈ, સાયપ્રસ, સિંગાપોર અને કેટલાય કેરેબિયન દેશોમાં તેની કંપનીઓ છે. આનાથી અદાણી ગ્રૂપના શેર અને એકાઉન્ટિંગ પર પ્રશ્નો ઉભા થાય છે. તેના જવાબમાં અદાણી ગ્રુપે કહ્યું કે વિનોદ અદાણી તેની કોઈપણ કંપની સાથે સંકળાયેલા નથી અને આ વ્યવહારોમાં કંઈ ખોટું નથી.

અદાણી જૂથે હિંડનબર્ગના આરોપો પર 413 પાનાનો જવાબ આપ્યો હતો
હિંડનબર્ગના આરોપો બાદ અદાણી જૂથ હચમચી ગયું છે. રવિવારે કંપની દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું. હિંડનબર્ગના આરોપો પર અદાણી ગ્રુપે 413 પાનાનો જવાબ જાહેર કર્યો હતો. અદાણી જૂથે હિંડનબર્ગના આરોપોને ભારત પરના હુમલા સમાન ગણાવ્યા હતા. હિંડનબર્ગના અહેવાલને અદાણી જૂથે જુઠ્ઠાણા ગણાવ્યા હતા. ચોક્કસ હેતુ માટે અદાણી ગ્રુપને બદનામ કરવા માટે પાયાવિહોણા આક્ષેપો કરવામાં આવ્યા હોવાનો બચાવ કર્યો હતો.

અદાણી જૂથે કહ્યું હતું કે, હિંડનબર્ગ દ્વારા ભારત પર સમજી વિચારીને હુમલો કરાયો છે. આ આરોપ માત્ર જૂઠ્ઠાણુંછે. કૃત્રિમ બજાર બનાવવા માટે આ રિપોર્ટ તૈયાર કરાયો છે. જેથી શેર્સના ભાવ નીચે લાવીને અમેરિકન કંપનીઓને લાભ પહોંચી શકાય. આ કોઈ એક કંપની પર નહીં પરંતુ દેશ પર હુમલો છે. ભારતીય સંસ્થાઓની સ્વતંત્રતા, અખંડતિતા અને ગુણવત્તા તથા ભારતની વિકાસ ગાઠા પર સુનિયોજિત હુમલો છે.

અદાણીના શેર્સમાં સોમવારે સુધારો જોવા મળ્યો
હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણીની માર્કેટ કેપમાં જબરદસ્ત કડાકો જોવા મળ્યો હતો. એક જ દિવસમાં અદાણીના રોકાણકારોને 1.75 લાખ કરોડનું નુકસાન વેઠવું પડ્યું હતું. અદાણીના પગલે ભારતીય શેરબજાર પણ તૂટ્યું હતું. 11 લાખ કરોડનું નુકસાન શેરબજારના રોકાણકારોને થયું હતું. અદાણી ધનિકોની યાદીમાં ત્રીજા ક્રમેથી સાતમા ક્રમે ઉતરી ગયા હતા. શેરબજારમાં કડાકો સોમવારે પણ ચાલુ રહ્યો હતો. જોકે, આશ્વસનરૂપે અદાણી એન્ટરપ્રાઈઝના શેર્સની કિંમતોમાં સુધારો જોવા મળ્યો હતો.

Most Popular

To Top