Columns

પોસાય તેવાં ઘરનું સપનું જમીનીસ્તરે લાવનાર બાલકૃષ્ણ દોશી

બાલકૃષ્ણ દોશી. દુનિયામાં આ જાણીતું નામ બિલકુલ સ્વદેશી આર્કિટેક બનીને રહ્યા. તેમનું અવસાન તારીખ 24 જાન્યુઆરીના રોજ થયું. તેમના આર્કિટેકની ખ્યાતિ જાણીતી છે પણ તેમાં સૌથી અગત્યનો પ્રોજેક્ટ જે તેમના દેખરેખ હેઠળ થયો તે ઇન્દોરમાં સ્થપાયેલી વસાહત ‘અરણ્ય હાઉસિંગ’નો. આ પ્રોજેક્ટ 1989માં પૂર્ણ થયો તે પછી દુનિયાભરના આર્કિટેકના વિદ્યાર્થીઓએ અને નિષ્ણાતોએ તેના પર અભ્યાસ કર્યો છે. 6500 જેટલાં ઘરોમાં આજે પણ અહીં લાખથી વધુ લોકો જીવન જીવી રહ્યા છે અને તેનું મહત્ત્વનું કારણ તે બાલકૃષ્ણ દોશીની દૃષ્ટિ.

જો કે કેટલાક ન્યૂઝ રિપોર્ટસમાં એમ પણ કહેવાયું છે કે અરણ્યના જે મોડલ ઘરો હતાં તે આજે સદંતર બદલાઈ ચૂક્યાં છે અને જે-તે સમયે જે માહોલ અહીં હતો, તે આજે નથી. આ પ્રોજેક્ટ આરંભાયો ત્યારે તેમાં 4 ઉદ્દેશ્યને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. તેમાં સૌ પ્રથમ હતો કે એવી ટાઉનશીપ નિર્માણ કરવી જેમાં નિવાસીઓને સુરક્ષા અનુભવાય અને તે આદર્શ રહેઠાણ બને. બીજો ઉદ્દેશ્ય જ્યાં પર્યાવરણ અને લોકો વચ્ચેનો એક સુમેળ સધાય. ત્રીજું એ પણ ધ્યાન રખાયું હતું કે વિવિધ આર્થિક અને સામાજિક જૂથોનું સહઅસ્તિત્વ ઊભું થાય.

આ ઉપરાંત, આ નિવાસ એ રીતે ઊભા કરવાના હતા જ્યાં ચહલપહલ આસાનીથી થઈ શકે. ઘણી વાર એવું બને કે આવા પ્રોજેક્ટમાં ઉદ્દેશ્ય ઊંચા રખાયા હોય પણ જ્યારે તેનું અમલીકરણ થાય ત્યારે ઉદ્દેશ્યથી તેનું અંતર ખાસ્સું થઈ ચૂક્યું હોય પણ આ કિસ્સામાં જે ચિત્ર દર્શાવાયું હતું તેનાથી બહેતર હાઉસિંગ પ્રોજેક્ટ નિર્માણ થયો અને તે પછી તેની વધામણી પણ ખૂબ થઈ પણ અફસોસ સાથે કહેવું પડે કે આજના સમયમાં મોટાં શહેરોમાં આ પ્રકારના પોસાય એવાં ઘરોનું સપનું આમ આદમી જોઈ શકતો નથી.

આજે પણ જેમ ગ્રામીણ વિસ્તારોમાંથી શહેરોની દોટ અવિરત રીતે થઈ રહી છે; તેમ શરૂઆતના 1970-80ના સમયમાં મોટા પ્રમાણમાં ગ્રામીણ વિસ્તારોમાંથી શહેરોમાં સ્થળાંતર થયું. આ સ્થળાંતરિત થયેલા લોકો શહેરોમાં કાચા ઘરોમાં રહેતા. સ્થળાંતરનું પ્રમાણ એટલું હતું કે શહેરોમાં રહેઠાણોની કમી થવા માંડી. એ સમયે બાલકૃષ્ણ દોશીએ વસ્તુશિલ્પ નામે ફાઉન્ડેશન શરૂ કર્યું હતું. 1978માં આરંભાયેલા આ ફાઉન્ડેશનનું કાર્ય શહેરી રહેઠાણ પડકારને ઉકેલવાનું હતું. આ અંતર્ગત આર્કિટેકના અભ્યાસીઓ અને વ્યવસાયી એકઠા થતા અને તેઓ દેશની રહેઠાણની વ્યવસ્થા વધુ બહેતર કરવા અર્થે વિચારતા, આયોજન કરતા અને જરૂર જણાઈ ત્યાં રિસર્ચેય કર્યું.

આ પૂરી કવાયત વિશેષ કરીને સમાજના આર્થિક રીતે નબળા વર્ગ માટે હતી, જેમના માથે શહેરોમાં છત્રછાયા નહોતી. આ પ્રયાસ દ્વારા ઇન્દોરમાં લૉ-કોસ્ટ હાઉસિંગ અરણ્યા પ્રોજેક્ટ નિર્માણ કરવાનું કાર્ય બાલકૃષ્ણ દોશી પાસે આવ્યું. અરણ્યા હાઉસિંગ પ્રોજેક્ટ દેશમાં રહેઠાણ માટેની આદર્શ વ્યવસ્થા દર્શાવે તે રીતે નિર્માણ કરવાનો હતો અને તે તર્જ પર પછી એવાં હાઉસિંગ પ્રોજેક્ટ નિર્માણ થાય તેવી તેની નેમ હતી. આ પ્રોજેક્ટમાં સરકારનો એક નિયમેય હતો જે મુજબ અરણ્યાની કુલ જમીનના હિસ્સામાંથી 65 % આર્થિક રીતે નબળા વર્ગ માટે હોય.

આ પ્લોટ 35 sq.mtના હતા અને તે તેમને જ મળવાના હતા જેમની તે વખતે મહિનાની આવક 250 રૂપિયાની હોય. જ્યારે બાકીની જગ્યા વધુ આવક ધરાવનારા પરિવારો માટેની હતી. આ રીતે આર્થિક રીતે બે છેડાના વર્ગોને એક સાથે રાખવાના હતા. તે માટે બાલકૃષ્ણ દોશીએ માળખાગત સુવિધાને શક્ય એટલી શ્રેષ્ઠ રીતે નિર્માણ કરી અને તદ્ઉપરાંત રહેઠાણોમાં એવો અવકાશ રાખ્યો કે સમય જતાં નિવાસીઓ પોતાની અનુકૂળતા મુજબ પોતાના ઘરને વધુ સારું બનાવી શકે.

પાયાના આટલા આયોજન પછી જે રોજિંદી જીવનજરૂરી વસ્તુઓ 1 kmના દાયરામાં મળી રહે તેમ આયોજન કર્યું હતું. મૂળે આ આખો પ્રોજેક્ટ લોકોની સુખાકારી અર્થે હતો. તે 6 સેક્ટરમાં વિભાજીત હતો અને પૂરી ડિઝાઈન એ રીતે કરવામાં આવી કે તેમાં શાળા, બજાર, રોજગાર અને અન્ય સેવાઓ માત્ર 1 kmમાં મળી રહે. મૂળે આ યોજનામાં ખુલ્લી સ્પેસ ખૂબ હતી, જે કારણે તેની સુંદરતા ખૂબ વધી. આજે શહેરોના મોટા ભાગના રહેઠાણ પ્રોજેક્ટમાં રહેનારને ઘરની અંદર તો બધી સગવડ મળે છે પણ જ્યારે તે બહાર કોઈ પણ જીવનજરૂરિયાતની વસ્તુ માટે જાય છે ત્યારે તેની રઝળપાટ ખૂબ થાય છે.

એ ઉપરાંત શહેરોની ડિઝાઇનમાં જે ખામીઓ છે તેમાં શાળા અને અન્ય સુવિધાઓ માટે કિલોમીટરોનું કાપવું પડતું અંતર. બીજું કે મોટા શહેરોમાં નવા બિલ્ડઅપ થઈ રહેલા વિસ્તારોમાં તો બજાર માટે પણ ખાસ્સા દૂર જવું પડે છે. શહેરોમાં રહેઠાણોની આ રઝળપાટમાં મોટી મૂડી નાંખીએ તોય તેના મુકાબલે એવી સુવિધા નથી મળતી કે તે સુકૂન આપી શકે. હા, જેઓ પાર વિનાનાં નાણાં ખર્ચી શકે તેમની અહીંયા વાત નથી. શહેરોમાં નિર્માણ થયેલા મોટા મોટા પ્રોજેક્ટમાંય કે વિસ્તારોમાં ચાલતા જવાનો સ્પેસ ક્યાંય રાખવામાં આવતો નથી.

પૂરી વ્યવસ્થા વાહન પર જઈ શકાય એ રીતે જ ગોઠવાય છે અને એકેએક પ્રોજેક્ટમાં 1000-1200 ઘર હોવા છતાં તેમાં એકબીજાનો સંપર્કસેતુ નથી જળવાતો. પ્રાઈવસીના નામે એકાકી જીવન થાય તેવી ઘરની ડિઝાઇન નિર્માણ કરવામાં આવે છે. બાલકૃષ્ણ દોશીએ આર્કિટેકના આ બજારી ખ્યાલને કોસો દૂર રાખ્યો. તેમનું માનવું હતું કે આર્કિટેકે પ્રોજેક્ટને એસાઇમેન્ટની જેમ ન જોવો જોઈએ, બલ્કે આર્કિટેકની દૃષ્ટિ ‘જીવનને એક અવસર આપવાની’ હોવી જોઈએ. ઘરના ડિઝાઇનિંગમાં તેમણે મળતાં ફાજલ સમય વિશે વિચારવાનું જરૂરી ગણ્યું છે અને એટલે તેમની ઇમારતોમાં ક્યારેય એકાકી ન લાગતી. બલકે સમૂહમાં જીવી શકાય તે પ્રકારે એ હર્યુંભર્યું વાતાવરણ ઊભું થાય તેવી રીતે ડિઝાઇન કરતાં, જેમાં ખુલ્લાપણું હોય, ઇમારતનું માળખું એકબીજાને સંલગ્ન હોય અને તેમાં સંસ્કૃતિની ઝલક દેખાતી હોય.

બાલકૃષ્ણ દોશીએ આર્કિટેકમાં હંમેશાં પ્રયોગ કર્યા છે અને તેના તે હિમાયતી રહ્યા છે. ‘સ્ટીરવર્લ્ડ’ નામના પોર્ટલ પર તેમણે આ વિશે વિગતે વાત પણ કરી છે. તેમને એવું જ્યારે પૂછવામાં આવ્યું કે તમે તમારા આર્કિટેક્ચરને કેવી રીતે રિઇન્વેન્ટ કરતા રહ્યા? ત્યારે તેમનો જવાબ હતો કે ‘‘આપણે હંમેશાં જે પરિચિત બાબત, સર્વસામાન્ય મતમાં ફસાઈ પડીએ છીએ અને આ જ કારણ છે કે આપણે તેના પ્રભાવ હેઠળ આવી જઈએ છીએ અને જે અગાઉ નિર્માણ પામેલું છે તેવું બનાવવા પ્રયાસ કરીએ છીએ પણ ખરેખર આર્કિટેક્ચર શું છે? તે માત્ર ઇમારત નથી.

તે એક ઘટના છે, જે તમારે અનુભવવાની છે અને થાય છે એવું કે જો કોઈ ઇમારતની ડિઝાઈનની પ્રશંસા થાય તો તેના જેવી જ ડિઝાઇન કેમ તૈયાર ન કરવામાં આવે? પણ મારા માટે આર્કિટેક્ચર એ નથી જેના પર કોઈએ અગાઉ ખેડાણ કર્યું હોય.’’ બાલકૃષ્ણ દોશી દ્વારા નિર્મિત લો કોસ્ટ ‘અરણ્ય હાઉસિંગ’ પ્રોજેક્ટ જેમ ખૂબ ખ્યાતિ પામ્યો તેમ તેમની કેટલીક અન્ય ઇમારતની ડિઝાઇન પણ આર્કિટેક અને લિવિંગ સ્પેસ તરીકે જાણીતી બની હતી. તેમના દ્વારા ગુજરાતમાં જે ઇમારતો નિર્માણ પામી, તેમાં ‘સેન્ટર ફોર એન્વાયર્મેન્ટ એન્ડ પ્લાનિંગ ટેક્નોલોજી’(સેપ્ટ) છે, ટાગોર હોલ છે.

પ્રેમાભાઈ હોલ અને અમદાવાદની ગુફા પણ છે. આ ઉપરાંત દેશભરમાં કેટલીક જાણીતી ઇમારતોની ડિઝાઈન તેમણે કરી હતી. તેમાં બેંગ્લોરનું ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ’નું બિલ્ડિંગ છે. દિલ્હીની ‘નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફેશન ટેક્નોલોજી’ છે, પૂનાનું ‘સવાઇ ગંધર્વ સ્મારક’ પણ છે. અરણ્ય હાઉસિંગની જેમ કેટલીક ટાઉનશીપ પણ તેમણે દેશભરમાં નિર્માણ કરી, જેમાં હૈદરાબાદની ‘ઇલેક્ટ્રોનિક્સ કોર્પો. ઑફ ઇન્ડિયા લિમિટેડ’ની ટાઉનશીપ, કોલકાતાની ‘ઉદીતા’, ‘ઉત્સવ’ અને ‘ઉત્સર્ગ’ ટાઉનશીપ, કલોલની ‘ઇફ્કો’ની ટાઉનશીપ છે.

Most Popular

To Top