National

હિમાચલ, ઉત્તરાખંડમાં ભારે વરસાદથી હાહાકાર: 23નાં મોત

દેહરાદૂન: હિમાચલ પ્રદેશમાં (Himachal Pradesh) છેલ્લા ૨૪ કલાકમાં ભારે વરસાદને (Rain) કારણે ભૂસ્ખલન, પૂર અને વાદળ ફાટવાની ઘટનાઓમાં ઓછામાં ઓછા ૧૯ લોકોનાં મોત (Death) થયા છે અને અન્ય પ જેટલા લોકો ગુમ થયા છે. એમ રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના ડિરેક્ટર સુદેશ કુમાર મોક્તાએ શનિવારે જણાવ્યું હતું. જ્યારે પાડોશના ઉત્તરાખંડમાં પણ વાદળ ફાટવાની અને ભારે વરસાદની ઘટનાઓમાં ચારનાં મોત થયા છે. ઉત્તરાખંડમાં આજે વહેલી સવારે વાદળો ફાટવાની ઘટનાઓ રાજ્યના વિવિધ ભાગોમાં નોંધાઇ હતી જેમાં દસ જણા લાપતા હોવાના પણ અહેવાલ છે અને કેટલાક પુલો પણ તૂટી પડ્યા હોવાનું જાણવા મળે છે. બંને રાજ્યોમાં મળીને ઓછામાં ઓછા ૨૩નાં મોત થયા છે.

સૌથી વધુ નુકસાન મંડી, કાંગડા અને ચંબા જિલ્લામાંથી નોંધાયું છે, તેમણે ઉમેર્યું હતું કે રાજ્યમાંથી અત્યાર સુધીમાં હવામાન સંબંધિત 34 ઘટનાઓ નોંધાઈ છે.અધિકારીએ ઉમેર્યું હતું કે, સંખ્યાબંધ રસ્તાઓ ટ્રાફિક માટે બ્લોક કરી દેવામાં આવ્યા છે. જિલ્લાના મંડી-કટૌલા-પારાશર રોડ પર આવેલા બાગી નાળામાં વાદળ ફાટવાના કારણે આવેલા પૂરથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. જ્યારે 100 કરોડથી વધુનું નુકસાન થયું હોવાનું નોંધાયું છે. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે સમગ્ર રાજ્યને ધમરોળ્યું છે. મંડી અને ચંબા સહિત અનેક જિલ્લાઓમાં હાહાકાર મચાવી દીધો છે.

ભારે વરસાદના કારણે ચંબા જિલ્લામાં એક જ પરિવારના દંપતી અને તેમના પુત્રનું મૃત્યુ થયું છે, જ્યારે મંડીના સરાજ, ગોહર અને દ્રંગમાં વાદળ ફાટવાની ઘટનાઓમાં નવ લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે રાજ્યભરમાં ૧૯ લોકોનાં મોત થયાં છે. તેમ જ વાદળ ફાટવા અને ભારે વરસાદ બાદ 8થી વધુ લોકો ગુમ હોવાનું કહેવાય છે. ત્રણેય નેશનલ હાઇવે મંડી પઠાણકોટ, મંડી કુલ્લુ અને મંડી જાલંધર વાયા ધરમપુર બંધ કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ કાંગડા જિલ્લામાં ભારે વરસાદને કારણે રાત્રે રેલવે મિલ પુલ તૂટી ગયો હતો. તિરાડો પડી જવાને કારણે દોઢ સપ્તાહ પહેલા ટ્રેન સેવા બંધ કરી દેવામાં આવી હતી. ભારે વરસાદને જોતાં કાંગડા અને કુલ્લુમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. ઉત્તરાખંડના પૌડી જિલ્લામાં ભારે વરસાદને કારણે ૧૩ જેટલા ગામોને અસર થઇ છે. અહીં શાળાઓમાં રજા જાહેર કરી દેવી પડી હતી.

વાદળ ફાટ્યા બાદ ડઝનબંધ પરિવારોએ ઘર છોડીને સલામત સ્થળોએ રાત વિતાવી છે. બાગી નાળા પર બનેલા પુલને પણ નુકસાન થયું છે. તેમ જ મુખ્યમંત્રી જય રામ ઠાકુરના હોમ ટાઉન થુનાગ બજારમાં ડઝનેક દુકાનો અને વાહનોને ગટરોના પૂરથી નુકસાન થયું હતું. અચાનક આવેલા પૂરે થુનાગ બજારમાં પણ ભારે વિનાશ વેર્યો છે.પૂરગ્રસ્ત જિલ્લાઓમાં સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. મોડી રાતથી વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. જ્યારે શનિવારે સવારે 6 વાગ્યાથી મોબાઇલ નેટવર્ક પણ ઠપ થઈ ગયું છે. મોબાઈલ સેવા બંધ થવાને કારણે ગ્રામજનો તેમના સગા-સંબંધીઓનો સંપર્ક કરી શકતા નથી. જેનાથી ચિંતા વધી છે.

Most Popular

To Top