Gujarat

રથયાત્રાના રૂટ પર 25 હજાર પોલીસકર્મીઓ સહિત સૌપ્રથમવાર હેલિકોપ્ટરથી બાજ નજર રખાશે

અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) શહેરમાં આગામી તારીખ 1લી જુલાઈ ના રોજ ભગવાન જગન્નાથની (Lord Jagannath) 145મી રથયાત્રા (Rathyatra) નીકળનાર છે. આ રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેના ભાગરૂપે ગુરૂવારે સમગ્ર રથયાત્રાની સુરક્ષાને (Security) લઇને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) ક્રાઇમ બ્રાન્ચની કચેરી અધિકારીઓ સાથે બેઠક યોજી વિસ્તૃત માહિતી મેળવી હતી, ત્યારબાદ જમાલપુર ખાતેના જગન્નાથ મંદિરે જઈ ટ્રસ્ટીઓ સાથે બેઠક યોજી હતી.

  • ગૃહ રાજ્યમંત્રીએ ક્રાઈમ બ્રાન્ચ કચેરીમાં અધિકારીઓ અને મંદિરમાં ટ્રસ્ટીઓ સાથે બેઠક યોજી
  • ભગવાન જગન્નાથની રથયાત્રાની સુરક્ષા જાળવવા ત્રણેય રથ ઉપર જીપીએસ ટ્રેકર લગાડાશે

પ્રથમવાર હેલિકોપ્ટરની મદદથી રથયાત્રા પર બાજ નજર રખાશે
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ક્રાઈમ બ્રાન્ચ ખાતે અમદાવાદ પોલીસ કમિશનર, ક્રાઈમ બ્રાન્ચના JCP, DCP તથા શહેરના અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં રથયાત્રાના રૂટમાં આવતા સંવેદનશીલ વિસ્તારોની સ્થિતિ, બંદોબસ્ત તથા આગામી આયોજન અંગે ચર્ચા કરી હતી. બેઠક પૂર્ણ થયા બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સમગ્ર રૂટ પર જઈને નિરીક્ષણ કર્યું હતું. આ સિવાય રાજ્યમાં સૌ પ્રથમવાર હેલીકોપ્ટરથી રથયાત્રાના રૂટ ઉપર પોલીસ બાજ નજર રાખીને પેટ્રોલીંગ કરશે તેમજ પેરાજમ્પરથી પણ નિરિક્ષણ કરવામાં આવશે.

પોલીસકર્મીઓના યુનિફોર્મ પર બોડીઓન કેમેરા લગાવામાં આવશે
અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રા 1લી જુલાઈના રોજ નીકળશે. આ રથયાત્રાની સુરક્ષા માટે ખાસ એક્શન પ્લાન તૈયાર કરી ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. હાલના આધુનિક યુગમાં રથયાત્રાના સમગ્ર રૂટ ઉપર નજર રાખવા માટે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે. આ ઉપરાંત પોલીસકર્મીઓના યુનિફોર્મ પર બોડીઓન કેમેરા ફીટ કરવામાં આવશે. જેમાં લાઈવ સ્ટ્રીમિંગ શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે રાખવામાં આવ્યું છે. રથયાત્રા કયા રૂટ ઉપર થઈ અને હાલમાં ક્યાં પસાર થઇ રહી છે. તેની સંપૂર્ણ માહિતી મળી રહે તે માટે ત્રણેય રથ ઉપર જીપીએસ ટ્રેકર લગાડવામાં આવશે. જેના દ્વારા રથ હાલમાં કયા વિસ્તારમાં અને ક્યાં છે, તેની માહિતી કંટ્રોલરૂમમાં બેઠા બેઠા મેળવી શકાશે.

રથયાત્રાની સુરક્ષાને લઈને હર્ષ સંઘવીએ જણાવ્યું
અમદાવાદમાં યોજાનારી રથયાત્રા અંગે રાજયના ગૃહ મંત્રીએ રથયાત્રાની સુરક્ષા અંગે જણાવ્યું હતું તેમણે કહ્યું કે, રથયાત્રામાં આ વર્ષે ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરવામાં આવશે. જેમાં પોલીસકર્મીઓના બોડીઓન કેમેરા, ડ્રોન, ફેસ ડિટેક્શન કેમેરા સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે.

સંવેદનશીલ વિસ્તારમો બાજ નજર રાખવામાં આવશે
રથયાત્રાને લઈને શહેર પોલીસ દ્વારા સમગ્ર અમદાવાદ શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રથયાત્રાના સમગ્ર રૂટ ઉપર બોમ્બ સ્કવોર્ડની મદદથી પેટ્રોલિંગ હાથ ધરી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત સંવેદનશીલ વિસ્તારોમાં ધાબા પોઇન્ટ, ડોગ સ્ક્વોર્ડ દ્વારા તેમજ ગુપ્તચર વિભાગ દ્વારા સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. રથયાત્રામાં 25,000 પોલીસ બંદોબસ્તમાં રહેશે. જેમા 8 DG/IG, 30 SP,35 ACP, SRP અને CRPF ની 68 કંપની બંદોબસ્તમાં રહેશે.

Most Popular

To Top