Health

હાર્ટ ફેલ્યર, સૌથી મોટો એલર્ટ

આપણી રોજિંદી જિંદગીમાં કોઈને હાર્ટઅટેક આવ્યો અને એન્જ્યોપ્લાસ્ટી કરાવી કે બાયપાસ સર્જરી કરાવી એવું આપણે ઘણી વાર સાંભળતા હોઈએ છીએ. તો વળી ક્યારેક આપણે એવું પણ સાંભળતા હોઈએ છીએ કે કોઈક વ્યક્તિને હૃદયરોગનો હુમલો આવ્યો અને એ બેભાન થઈ ગઈ અને તરત જ મૃત્યુ પામી, જેને મેડિકલ ભાષામાં કાર્ડિયાક અરેસ્ટ કહેવામાં આવે છે એટલે કે ક્યારેક આપણે હાર્ટઅટેક તો ક્યારેક કાર્ડિયાક અરેસ્ટ અંગેના કિસ્સાઓ સાંભળતા રહીએ છીએ. તો વળી ક્યારેક તમે તમારા ફિઝિશ્યન કે તમારા કાર્ડિયોલોજિસ્ટ પાસે જાઓ તો તેઓ ચોક્કસ પ્રકારના ટેસ્ટ કરી અને એ વાતની ચોકસાઈ કરતા રહે છે કે તમારું હાર્ટનું ફંક્શન તો બરાબર છે ને એટલે કે હૃદય બરાબર કામ તો કરે છે ને! એ એટલા માટે કે તમે કદાચ હાર્ટ ફેલ્યરથી પીડાતા તો નથી ને.

આપણને પ્રશ્ન સ્વાભાવિક રીતે થાય કે હાર્ટ ફેલ્યર એટલે શું હશે? સાદી ગુજરાતીમાં હૃદયની નિષ્ફળતા! આપણે ફક્ત એટલી જ કલ્પના કરીએ કે આપણા શરીરમાં રહેલું તમામ લોહી એ તમારા દરેક ધબકારે પંપ થતું હોય છે, શુદ્ધિકરણ થતું હોય છે અને સમગ્ર શરીરમાં એનું સર્ક્યુલેશન એટલે કે પરિવહન થતું હોય છે જેને કારણે આપણને જરૂરી લોહી તમામ અંગો સુધી, તમામ નાનામાં નાના અવયવ સુધી પહોંચતું હોય છે, મગજથી લઈ પગના અંગૂઠા સુધી તો જો આ હૃદય બરાબર કામ નહીં કરે અને એની કામગીરી જો નબળી પડે તો એની ટકાવારી કે ચોક્કસ માપદંડો મુજબ એ નક્કી થતું હોય છે કે તમે હાર્ટ ફેલ્યરથી પીડાઈ રહ્યા છો કે નહીં? શું તમને હાર્ટ ફેલ્યર છે કે નહીં?

તાજેતરમાં એક 76 વર્ષના ડાયાબીટીસના દર્દી એવા વરિષ્ઠ સજ્જન મારી પાસે પગમાં સોજો, શ્વાસ લેવામાં ક્યારેક તકલીફ, અશક્તિ લાગવી, થાક લાગવો, કસરત કરવાની ક્ષમતામાં ઘટાડો થવો વગેરે જેવી ફરિયાદો સાથે ક્લિનિકમાં પ્રવેશે છે. તેઓને ચોક્કસ ટેસ્ટ કરાવવા માટે 6 મહિના પહેલાં જ જણાવવામાં આવેલ પણ તેઓએ ના કરાવ્યા. હાલ તેમને સંપૂર્ણપણે તપાસતા, તેમની અન્ય કોમોર્બીડીટી સાથે ડોટ્સ કનેક્ટ કરતા અને અમુક જરૂરી ટેસ્ટ તરત જ કરાવીને એ નિદાન સ્પષ્ટ થઈ ગયું કે એમને હાર્ટ ફેલ્યર છે. આજે આપણે આવા ખૂબ જ સામાન્ય જણાય આવતા પરંતુ સમજવા જઈએ તો કઠીન લાગે એવા વિષય પર અત્યંત સરળ ભાષામાં વાત કરીશું.

હાર્ટ ફેલ્યર એટલે શું?
હૃદયની નિષ્ફળતા, જેને ક્યારેક કન્જેસ્ટિવ હાર્ટ ફેલ્યર તરીકે ઓળખવામાં આવે છે એ ત્યારે થાય છે જ્યારે હૃદયના સ્નાયુ લોહીને જોઈએ તે રીતે પંપ કરતા નથી. જ્યારે આવું થાય છે ત્યારે લોહી ઘણી વાર પાછું ખેંચાય છે અને ફેફસામાં પ્રવાહી જમા થઈ શકે છે, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે. હૃદયની અમુક સ્થિતિઓ, જેમ કે હૃદયની સાંકડી ધમનીઓ (કોરોનરી આર્ટરી ડિસીઝ) અથવા હાઈ બ્લડ પ્રેશર, ધીમે ધીમે હૃદયને ખૂબ નબળું અથવા સખત બનાવે છે કે જેથી હૃદય લોહીને યોગ્ય રીતે પંપ પણ કરી ના શકે.

ચિહ્નો શું છે?
હાર્ટ ફેઈલર લાંબા સમયથી હોય શકે કે જે ક્રોનિક હોય શકે અથવા અચાનક શરૂ થઈ શકે છે કે જે એક્યુટ /તીવ્ર હોય શકે. મહત્ત્વનાં લક્ષણો અને ચિહ્નો પર નજર કરીએ તો કોઈ પણ કામ કે પ્રવૃતિ કરતી વખતે કે સૂતી વખતે શ્વાસ લેવામાં તકલીફ, થાક અને નબળાઈ, પગમાં સોજો, ઝડપી અથવા અનિયમિત ધબકારા, કસરત કરવાની ક્ષમતામાં ઘટાડો, સફેદ અથવા ગુલાબી લોહીવાળા ગળફા સાથે સતત ઉધરસ /ખાંસી આવવી, પેટના વિસ્તારમાં સોજો, પ્રવાહીના ભરાવાથી ખૂબ જ ઝડપી વજનમાં વધારો, ઉબકા આવવા, ભૂખ ના લાગવી, ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી અથવા સતર્કતામાં ઘટાડો, હાર્ટઅટેકને કારણે હાર્ટ ફેલ્યર હોય તો છાતીમાં દુખાવો વગેરેનો સમાવેશ થાય છે.

શું કારણો હોઈ શકે?
હૃદયના મુખ્ય પમ્પિંગ ચેમ્બર (વેન્ટ્રિકલ્સ) સખત થઈ જાય એટલે કે જકડાઈ જાય છે અને ધબકારા વચ્ચે યોગ્ય રીતે ભરાઈ શકતા નથી. કેટલાક લોકોમાં, હૃદયના સ્નાયુઓ ક્ષતિગ્રસ્ત અને નબળા પડી શકે છે. સમય જતાં હૃદય શરીરના બાકીના ભાગોમાં લોહી પંપ કરવા માટે શરીરની એક જરૂરી આદર્શ માંગ લાંબા સમય સુધી પૂરી નથી કરી શકતું.

તમારા ડૉક્ટર દરેક ધબકારા (ઇજેક્શન અપૂર્ણાંક, ઇજેક્શન ફ્રેક્શન ) સાથે કેટલું લોહી પમ્પ કરવામાં આવે છે તે માપીને તમારું હૃદય કેટલી સારી રીતે પમ્પ કરી રહ્યું છે તે નક્કી કરે છે. ઇજેક્શન અપૂર્ણાંકનો ઉપયોગ હૃદયની નિષ્ફળતાને વર્ગીકૃત કરવામાં અને સારવારને માર્ગદર્શન આપવા માટે થાય છે. સ્વસ્થ હૃદયમાં, ઇજેક્શન અપૂર્ણાંક 50% અથવા વધુ હોય છે પરંતુ એ નોંધવું રહ્યું કે હાર્ટ ફેલ્યર સામાન્ય ઇજેક્શન અપૂર્ણાંક સાથે પણ થઈ શકે છે. જો હૃદયના સ્નાયુઓ હાઈ બ્લડ પ્રેશર જેવી સ્થિતિથી સખત થઈ જાય તો આવું થાય છે.

ટૂંકમાં જો કારણો જોઈએ તો, કોરોનરી ધમની બીમારી (કોરોનરી આર્ટરી ડીસીઝ) અને હાર્ટઅટેક, હાઈ બ્લડ પ્રેશર, ખામીયુક્ત હૃદય વાલ્વ, હૃદયના સ્નાયુને નુકસાન, હૃદયના સ્નાયુની બળતરા (મ્યોકાર્ડાઈટિસ), જન્મજાત હૃદયની ખામી, અસામાન્ય હૃદય રીધમ (એરિથમિયા), અન્ય રોગો કે લાંબા ગાળાના રોગો જેમ કે ડાયાબિટીસ, HIV, અતિશય સક્રિય અથવા અન્ડરએક્ટિવ થાઈરોઈડ અથવા આયર્ન કે પ્રોટિનનું સંચય પણ ક્રોનિક હાર્ટ ફેલ્યરમાં ભાગ ભજવી શકે છે. આ ઉપરાંત અચાનક (તીવ્ર) હાર્ટ ફેલ્યરના કારણોમાં એલર્જીક પ્રતિક્રિયા, કોઈ પણ બીમારી જે આખા શરીરને અસર કરે છે, ફેફસામાં લોહીના ગંઠાવાનું, ગંભીર ચેપ, અમુક દવાઓનો ઉપયોગ, વાયરસ જે હૃદયના સ્નાયુ પર હુમલો કરે છે વગેરેનો પણ સમાવેશ થાય છે.

જોખમી પરિબળો ક્યાં છે?
કોરોનરી આર્ટરી ડીસીઝ, હૃદયરોગનો હુમલો, હૃદય વાલ્વ રોગ, હાઈ બ્લડપ્રેશર, અનિયમિત હૃદયના ધબકારા, જન્મજાત હૃદયરોગ, ડાયાબિટીસ, અમુક ચોક્કસ દવાઓ, આલ્કોહોલનો ઉપયોગ, સ્લીપ એપ્નિયા, ધૂમ્રપાન અથવા તમાકુનો ઉપયોગ, મોટાપો, વાયરસ વગેરે.
કોમ્પ્લિકેશન શું હોય શકે?
કિડનીને નુકસાન અથવા ફેલ્યર, હાર્ટ વાલ્વ સમસ્યાઓ, હૃદયની રીધમ સંબંધિત સમસ્યાઓ, લીવર નુકસાન વગેરે.

રોકવા માટે શું પગલાં લઈ શકાય?
હાર્ટ ફેલ્યરને રોકવા માટેની ચાવી એ તમારા જોખમી પરિબળોને ઘટાડવાનું છે. તમે તંદુરસ્ત જીવનશૈલીમાં ફેરફાર કરીને અને તમારા ડૉક્ટર દ્વારા સૂચવવામાં આવેલી દવાઓ લઈને હૃદયરોગ માટેના ઘણા જોખમી પરિબળોને નિયંત્રિત અથવા દૂર કરી શકો છો. જેમ કે ધૂમ્રપાન ના કરવું, હાઈ બ્લડપ્રેશર અને ડાયાબિટીસ જેવી અમુક પરિસ્થિતિઓને નિયંત્રિત કરવી, શારીરિક રીતે સક્રિય રહેવું, આરોગ્યપ્રદ ખોરાક ખાવો, તંદુરસ્ત વજન જાળવવું, તણાવ ઘટાડવો કે તેને યોગ્ય રીતે મેનેજ કરવો..

તો નિષ્ણાત તબીબનો પરામર્શ ક્યારે લેવો?
છાતીનો દુખાવો, બેભાન થઈ પડી જવું કે ખૂબ જ અશકિત, ઝડપી અથવા અનિયમિત ધબકારા સાથે શ્વાસની તકલીફ અને દુખાવો કે શ્વાસ લેવામાં તીવ્ર તકલીફ હોય તો તરત જ ઈમર્જન્સીમાં આપના તબીબ કે નજીકની હોસ્પિટલનો સંપર્ક કરવો રહ્યો. જો કે આ ચિહ્નો અને લક્ષણો સિવાય અન્ય ઘણા સંભવિત કારણો છે જેથી જાતે નિદાન કરવાનો પ્રયાસ યોગ્ય ના કહેવાય. ઇમર્જન્સી રૂમના ડૉકટરો તમારી સ્થિતિને સ્થિર કરવાનો પ્રયત્ન કરી એ નક્કી કરશે કે તમારા લક્ષણો હાર્ટ ફેલ્યરને કારણે છે કે અન્ય કોઈ વસ્તુને કારણે છે.

Most Popular

To Top