Dakshin Gujarat

વાપીમાં 7 કિલો ગાંજા સાથે 3 શખ્સો ઝડપાયા, એક વોન્ટેડ

વાપી: (Vapi) વાપીના ભડકમોરા સૂલપડ ખાતે ટાઉન પોલીસે (Police) બાતમીના આધારે એક મકાનમાં રેડ પાડી 7.5 કિલો ગાંજાના (hashish) જથ્થા સાથે 3 આરોપીને દબોચી લીધા હતા. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ઝુપડીમાં તપાસ કરતા પ્લાસ્ટીકના મીણીયા કોથળામાંથી ગાંજો મળી આવ્યો હતો.

વાપી ટાઉન પોલીસ મથકના પીઆઈ બી.જે. સરવૈયા તથા પીએસઆઈ એચ.પી.ગામીત તેમની ટીમ સાથે NDPS કેસ અંગે ખાનગી રાહે હકીકત મેળવતા હતા. તે વખતે પીઆઈ બી. જે.સરવૈયાને મળેલી ચોક્કસ આધારભુત બાતમીના આધારે વાપી, ભડકમોરા, સુલપડ, ભોલેબાબા મંદિર નજીક મનોજકુમાર જગદેવસીંગ ઠાકુરના કબજાની ઝુંપડીમાં રેડ કરી હતી. જેમાં પોલીસે મનોજકુમાર જગદેવસીંગ ઠાકુર (ઉ.૩૮, હાલ રહે. વાપી, ભડકમોરા, સુલપડ, આંબેડકરનગર ઝુપડપટ્ટીમાં, ભોલેબાબા મંદિરની બાજુમાં મુળ રહે.દક્ષીણ ગામ, બિહાર), ભુષણ જામુનભાઇ ચોરસીયા (ઉ.૨૮ હાલ રહે. વાપી, ભડકમોરા, સુલપડ, જયંતીભાઇની ચાલ, રૂમ નં.૦૧ તા.વાપી મુળ રહે. લોમારગામ, બિહાર) અને અભીષેકકુમાર અશોકસિંહ (ઉ.૨૩ ધંધો. બેકાર હાલ રહે. વાપી, ભડકમોરા, સુલપડ, સરકારની ચાલ, રૂમ નં.૦૩ તા.વાપી મુળ રહે. ઓલાપુર ગંગોટ, બિહાર)ને ઝડપી પાડ્યા હતા.

પોલીસે ઝુપડીમાં તપાસ કરતા એક પ્લાસ્ટીકના મીણીયા કોથળામાં વનસ્પતીજન્ય ગાંજો ૭.૫૫૬ કિગ્રા જેની કિ.રૂ. ૭૫,૫૬૦/- નો વગર પાસ પરમીટનો મળી આવ્યો હતો. તેમની અંગઝડતીમાંથી 2 મોબાઇલ ફોન મળી કુલ રૂ.૮૧,૦૬૦ના મુદામાલ જપ્ત કર્યો હતો. વાપી ટાઉન પોલીસ સ્ટેશન મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં આ વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો વોન્ટેડ આરોપી સચિન્દરકુમાર પાટીલ (રહે. ગોદાવરી નદીની બાજુમાં, નાશીક, મહારાષ્ટ્ર)ની પાસેથી લાવ્યા હોવાનુ જણાવ્યું હતું.

Most Popular

To Top