National

‘દરેકની સુરક્ષા કરી શકાય નહીં’, હરિયાણામાં હિંસા બાદ મુખ્યમંત્રી ખટ્ટરનું ચોંકાવનારું નિવેદન

નવી દિલ્હી: હરિયાણાના મેવાત-નુહમાં થયેલી હિંસા (Violence) અંગે મુખ્યમંત્રી (CM) મનોહર લાલ ખટ્ટરનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું કે હિંસામાં જે કંઈ નુકસાન થયું છે તે હિંસાખોરો પાસેથી જ વસૂલવામાં આવશે તેમજ તેઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે અમે પોર્ટલ દ્વારા લોકોને થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરીશું.

ખટ્ટરે કહ્યું અમે સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. હું લોકોને શાંતિ જાળવવાની અપીલ કરું છું. સીએમ ખટ્ટરે કહ્યું કે રાજ્યની વસ્તી 2.7 કરોડ છે. અમારી પાસે 60 હજાર જવાન છે, આવી સ્થિતિમાં પોલીસ દરેક વ્યક્તિની સુરક્ષા કરી શકતી નથી. અમે અર્ધલશ્કરી દળોની 4 વધારાની કંપનીઓ મંગાવી છે. પરંતુ પોલીસ કે સેના પણ સુરક્ષાની ખાતરી આપી શકતી નથી. આપણે શાંતિ અને સૌહાર્દ જાળવી રાખવાનું છે. તેમણે કહ્યું કે નૂહમાં ગાય સંરક્ષણના મુદ્દા છે. આ બાબતની સુરક્ષાની જવાબદારી પોલીસ એન્ફોર્સમેન્ટ બ્યુરોની રહેશે. આ સ્થિતિમાં 100 જવાન તૈનાત રહેશે. આ માટે હું મુસ્લિમ યુવાનોને પણ પ્રોત્સાહન આપું છું કે તેઓ ગૌરક્ષા માટે આગળ આવે.

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કાઢવામાં આવી રહેલી રેલીઓ પર રોક લગાવવાનો સુપ્રિમ કોર્ટનો ઇનકાર
બજરંગ દળ અને વિશ્વ હિંદુ પરિષદના સભ્યોએ દિલ્હીના ઘણા ભાગોમાં નૂહમાં થયેલી હિંસાનો વિરોધ કર્યો હતો. આ કેસમાં સુપ્રીમ કોર્ટે બુધવારે હરિયાણાના નૂહમાં હિંસા બાદ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કાઢવામાં આવી રહેલી રેલીઓ પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે કેન્દ્રની સાથે સાથે ઉત્તર પ્રદેશ, હરિયાણા અને દિલ્હીની રાજ્ય સરકારોને પણ એ સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે કે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા નૂહમાં સાંપ્રદાયિક હિંસા વિરુદ્ધ કાઢવામાં આવી રહેલી રેલી દરમિયાન કોઈ પણ ‘દ્વેષપૂર્ણ ભાષણ’ ન થાય. તેમજ કોઈપણ પ્રકારની હિંસા ન થાય.

4 ઓગસ્ટે ફરી સુનાવણી કરવામાં આવશે
જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ એસ. વી. ભાટીની ખંડપીઠે કેન્દ્ર અને સંબંધિત રાજ્ય સરકારોને વધારાની પોલીસ અથવા અર્ધલશ્કરી દળોને તૈનાત કરવા અને સંવેદનશીલ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવવાનો આદેશ પણ આપ્યો હતો. આ મામલે 4 ઓગસ્ટે ફરી સુનાવણી કરવામાં આવશે.

શું છે મામલો?
નૂહમાં હિન્દુ સંગઠનોએ દર વર્ષની જેમ બ્રિજ મંડળ યાત્રા કાઢવાની જાહેરાત કરી હતી. તેની પરવાનગી પણ વહીવટીતંત્ર પાસેથી લેવામાં આવી હતી. સોમવારે બ્રિજ મંડળની યાત્રા દરમિયાન તેના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. કે થોડી જ વારમાં અહીં હિંસા ફેલાઈ ગઈ હતી. સેંકડો કારને આગ ચાંપવામાં આવી હતી. સાયબર પોલીસ સ્ટેશન પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. ફાયરિંગ પણ થયું હતું. આ સિવાય એક મંદિરમાં સેંકડો લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. પોલીસની દરમિયાનગીરી બાદ લોકોને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. નૂહ બાદ સોહનામાં પણ પથ્થરમારો અને ગોળીબાર થયો હતો. વાહનોને આગ ચાંપવામાં આવી હતી.

વ્રજ મંડળ યાત્રા દરમિયાન થયેલી હિંસામાં અત્યાર સુધીમાં 6 લોકોનાં મોત થયાં છે. જેમાં 2 હોમગાર્ડ, નૂંહના ભદાસ ગામની શક્તિ, પાણીપતના અભિષેક, ગુરુગ્રામના ઈમામ અને એક અજાણ્યાનો સમાવેશ થાય છે. સોમવારે ફાટી નીકળેલી હિંસાના બે દિવસ પછી પણ નૂંહમાં કર્ફ્યુ ચાલુ છે.

Most Popular

To Top