World

મરિયમ નવાઝ શરીફે પાકિસ્તાનમાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી બનવાનો ઇતિહાસ રચ્યો, પંજાબ પ્રાંતની CM બની

લાહોરઃ (Lahor) નવાઝ શરીફની (Nawaz Sharif) પુત્રી મરિયમ (Maryam) પાકિસ્તાનના સૌથી શક્તિશાળી રાજ્ય પંજાબની મુખ્યમંત્રી (CM) બની છે. મરિયમ નવાઝ શરીફને બે તૃતીયાંશ એટલે કે કુલ 220 વોટ મળ્યા અને તેમને મુખ્યમંત્રી જાહેર કરવામાં આવ્યા. આ પહેલા ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈને સમર્થન કરતી સુન્ની ઈત્તેહાદ કાઉન્સિલે આ મતદાન પ્રક્રિયાનો બહિષ્કાર કર્યો હતો. પાકિસ્તાનના ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે કોઈ મહિલા મુખ્યમંત્રી ચૂંટાઈ આવી છે. આ પહેલા વિવાદિત ચૂંટણીમાં મરિયમની પાર્ટી પીએમએલ-એન સેનાની મદદથી ચૂંટણી જીતી હતી. મતદાનના બહિષ્કારને કારણે મરિયમના વિરોધી સુન્ની ઇત્તેહાદ કાઉન્સિલના નેતા રાણા આફતાબ અહેમદને એક પણ મત મળ્યો નથી.

મુખ્યમંત્રી બન્યા બાદ મરિયમે કહ્યું કે તે તેના પિતાના વારસાને આગળ ધપાવશે. તેણે પોતાની જીતનો સંપૂર્ણ શ્રેય પિતા નવાઝ શરીફને આપ્યો. એવું માનવામાં આવે છે કે મરિયમ ભલે પંજાબની સીએમ બની ગઈ હોય પરંતુ પડદા પાછળ દરેક નિર્ણય નવાઝ શરીફ પોતે જ લેશે. નવાઝ શરીફ પંજાબમાં પોતાનું રાજકીય મેદાન ઈમરાન ખાનના હાથમાં સરકી જવાને લઈ ચિંતામાં છે. અગાઉ પાકિસ્તાનના ત્રણ વખતના વડા પ્રધાન નવાઝ શરીફની પુત્રી અને પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના વરિષ્ઠ નેતા મરિયમ નવાઝે રવિવારે પંજાબ પ્રાંતના મુખ્ય પ્રધાન પદ માટે પોતાનું નામાંકન પત્ર રજૂ કર્યું હતું. પંજાબ પ્રાંત પાકિસ્તાનમાં રાજકીય રીતે મહત્વપૂર્ણ છે. પંજાબ પ્રાંતની કુલ વસ્તી 1.2 કરોડથી વધુ છે. પંજાબ વિધાનસભામાં કુલ 337 ચૂંટાયેલા ધારાસભ્યો છે.

આ ચૂંટણીમાં ઈમરાનની પાર્ટી પીટીઆઈએ ‘સુન્ની ઈત્તેહાદ કાઉન્સિલ’ સાથે હાથ મિલાવ્યા હતા. SIC-PTI ધારાસભ્યોએ “જનાદેશ ચોર” ના નારા લગાવ્યા. તેમણે કહ્યું કે એકવાર કોર્ટ આ મામલામાં પોતાનો ચુકાદો આપે તો તેઓ સરકાર બનાવશે. વિશ્લેષકોનું કહેવું છે કે નવાઝ શરીફે તેમની પુત્રીની રાજકીય કારકિર્દીને આગળ વધારવા માટે પંજાબમાં સીએમ પદ સ્વીકાર્યું હતું. એવું માનવામાં આવે છે કે સેનાએ નવાઝ શરીફની જગ્યાએ શહેબાઝ શરીફને પીએમ પદ માટે પ્રમોટ કર્યા હતા અને નવાઝ શરીફને પીએમ બનવા માટેના પગલા પાછા ખેંચવાની ફરજ પડી હતી.

Most Popular

To Top