Comments

જાત મહેનત

એક સંત હતા. તેમની ખ્યાતિ ચારેકોર ફેલાયેલી હતી.તેમની પાસે અનેક શિષ્યો જ્ઞાન મેળવવા આવતાં પણ સંત બધાનો શિષ્ય તરીકે સ્વીકાર કરતા નહિ. જે પરીક્ષામાં ઉત્તીર્ણ થાય તેનો શિષ્ય તરીકે સ્વીકાર કરતા.એક દિવસ રાજાનો કુંવર સંત પાસે ગયો અને કહ્યું, “મને દીક્ષા આપો. મારે તમારા શિષ્ય બની જ્ઞાન મેળવવું છે.”

સંતે કહ્યું, “હું જે આવે તે બધાને શિષ્ય બનાવતો નથી.પરીક્ષામાં ઉત્તીર્ણ થાય તેને શિષ્ય બનાવું છું.” કુંવરે કહ્યું, “સંતશ્રી હું તો રાજાનો કુંવર છે.” તેને બોલતો અટકાવતા સંત બોલ્યા, “મારા માટે બધા જ સરખા છે અને પરીક્ષા તો તારે આપવી પડશે.” કુંવર પરીક્ષા આપવા તૈયાર થયો. સંતે તેના હાથમાં એક નાનો પટારો આપ્યો અને કહ્યું, “પહેલાં, મારા મિત્રના ઘરે જઈ તેને આ પટારો આપી આવ.તું પટારો આપીને આવીશ પછી હું નક્કી કરીશ કે મારે તને શિષ્ય બનાવવો કે નહિ.” પોતાને મળેલો પટારો અને સરનામું લઇ કુંવર નીકળ્યો.

રાજકુંવરને જે પટારો સંતે આપ્યો હતો તેમાં બહુ વજન હતું અને રાજકુંવર વજન ઉપાડવાથી ટેવાયેલો ન હતો એટલે તેને વધુ વજન લાગતું હતું. કુંવરે આજુબાજુ નજર દોડાવી કે કોઈ દેખાય તો તેને પટારો ઉપાડવાનું કહી શકાય.એક માણસ ત્યાંથી જતો હતો.તેને બોલાવ્યો અને પોતાની ઓળખાણ અને પૈસા આપી આ પટારો ઊંચકી પોતાની સાથે આવવા કહ્યું.બંને જણ સંતે આપેલા સરનામે પહોંચ્યા અને કુંવરે સંતના મિત્રને કહ્યું, “સંતશ્રીએ આપના માટે આ પટારો મોકલ્યો છે ક્યાં મુકવાનો છે તે કહો એટલે આ માણસ ત્યાં મૂકી દે.” સંતના મિત્રે જ્યાં કહ્યું ત્યાં માણસ પટારો મૂકી ..કુંવર પાસેથી પૈસા લઇ સલામ કરી ગયો.

પેલા માણસના ગયા પછી સંતના મિત્ર તરત બોલ્યા, “સંત તમને શિષ્ય નહિ બનાવે..” કુંવર બોલ્યો, “કેમ એમ કહો છો ..?.”મિત્ર બોલ્યા, “કુંવર ,આ તમારી પરીક્ષા હતી ….જેમાં તમે નિષ્ફળ ગયા છો ..સંતે તમને મને પટારો આપવાનું કામ સોપ્યું તમે તે કામ પૈસા આપી બીજા પાસે કરાવ્યું ..એક પૈસાનું અભિમાન અને બીજું જાતમહેનત ન કરવાની ખામી.તમને સંત શિષ્ય નહિ બનાવે.”કુંવરે સંત પાસે જઈ તેમને બધી વાત જણાવતા માફી માંગી સંતે કહ્યું, “કુંવર ,પહેલાં જાત મહેનત કરો અને અભિમાન છોડો. પછી શિષ્ય બનવા આવજો.” કુંવરે…રાજકુંવર હોવાનું અભિમાન છોડી પોતાના બધા કામ જાતે કરવાનું નક્કી કર્યું. 
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top