SURAT

મુંબઈના વેપારી પર વધુ પડતો વિશ્વાસ કરવાનું કતારગામના વેપારીને ભારે પડ્યું, આવી હાલત થઈ ગઈ

સુરત : સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા હીરાના વેપારી ભૂલ વિના જ કરોડોના દેવાદાર થઈ ગયા છે. એક સોદો ખોટો પડતાં વેપારીએ રોકડ તો ગુમાવી જ છે પણ સાથો સાથ બેન્કમાંથી લીધેલી લોનના લીધે માથે દેવું પણ ચઢી ગયું છે. મુંબઈના એક ઠગે વેપારી સાથે છેતરપિંડી કરી હોય આ વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

હીરા કટીંગનુ આધુનિક મશીન વિદેશથી મંગાવવાનુ કહીને તેના નાણા પડાવીને પૂર્વઆયોજિત કાવતરૂ કરી નાણા પડાવવાની ફરિયાદ કતારગામ પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી હતી.

  • રશિયા યુક્રેનનુ યુદ્ધ ચાલે છે કહીને ડાયમંડ કટીંગ મશીનના 1.50 કરોડ ગજવે ઘાલી દીધા
  • મુંબઇના પવઇ ખાતે રહેતા હિરેન શાહ તેમની પુત્રી અને પત્ની સામે કતારગામ પોલીસમથકમાં ગુનો નોંધાયો

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ઠગાઇની આ ઘટના અંગે મૂળ સાબરકાંઠાના અને હાલમાં કતારગામની આંબાતલાવડી સ્થિત રાજ પેલેસમાં રહેતા સુરેશ જયંતિભાઇ પટેલે કરી હતી. તેમણે તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ હીરા કટિંગનું કામ કરે છે.

થોડા સમય પહેલાં મુંબઇ ખાતે રહેતો હિરેન શાહ તેમની ઓફિસે આવ્યો હતો. તેણે તેમને આધુનિક હીરા કટિંગનું મશીન વેચવાની વાત કરી હતી. તેણે એમ પણ જણાવ્યું હતું કે તેની પુત્રી વિશ્વાનું યુનિટ વલસાડ ખાતે આવેલું છે. જેથી સુરેશભાઇએ પાનાચે કંપનીનું વોટર જેટ અને લેસર જેટ કટિંગ મશીન ખરીદવાની તૈયારી બતાવી હતી.

આ મશીન ખરીદવા તેમણે કમિશનના 15 લાખ પહેલા રોકડા ચૂકવી દીધા હતા અને ત્યારબાદ બેંકમાંથી લોન લઇને 1.35 કરોડ 17 માર્ચ 2022ના રોજ મોકલ્યા હતાં. ત્યારબાદ નવેમ્બર 2022માં તેઓ વલસાડ ખાતે તેમની દિકરી વિશ્વાની ઓફીસમાં ગયા હતાં ત્યા માત્ર નામ પૂરતી જ ઓફિસ હોવાનું તેમને પહેલી દ્રષ્ટીએ જ લાગી આવ્યું હતું.

આ ઓફિસમાં માત્ર બે જ વ્યક્તિ બેઠા હતા. ત્યારબાદ તેમણે હિરેન શાહને ફોન કરતા હતા ત્યારે તેણે હાલમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલતું હોવાથી મશીનરી આવતી નથી તેમ જણાવી વાત ટાળી દીધી હતી. અંતે હિરેન શાહે ફોન બંધ કરી દેતા તેમણે (1) હિરેન એમ શાહ , ઇટર્નિયા હીરાનંદાની ગાર્ડન, પવઇ, મુંબઇ તેમની પુત્રી વિશ્વા અને પત્ની ફોરમ સામે ફરિયાદ કરતાં કતારગામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top