Charchapatra

અપ-ટુ-ડેટ

આધુનિક યુગમાં ફેશનની બોલબાલા છે. વસ્ત્રો અને આભૂષણોમાં પણ રોજબરોજ નવી ફેશન આવે છે. ફિલ્મી કલાકરોની ફેશન તરત જ અમલમાં આવે છે. લગ્નમાં હાજર સૌ, વરરાજા-વરરાણી જેવાં દેખાય. બ્યુટીપાર્લર હવે માત્ર સ્ત્રીઓ માટે સીમિત રહ્યું નથી. ફેશનમાં પુરુષ કેમ પાછળ રહી જાય?  ફેશનની દુનિયામાં પરિવર્તનનો દોર ચાલે છે, જેમાં યુવાવર્ગની સામેલગીરી વધારે હોય એ સ્વભાવિક છે. અલબત્ત,મોર્ડન દેખાવું સૌને ગમે. આજે તો ખાવા-પીવામાં, પહેરવેશ બધામાં અદ્યતન જોઈએ.

સાંપ્રત સમયનું, છેલ્લામાં છેલ્લી ઢબનું હોય તે પહેરવું-ખાવું અને બોલવું સ્વીકારીએ પણ આચરણમાં શૂન્ય! વિચારોમાં પોતાને અપ-ટુ-ડેટ કરવાથી આચરણ સુધરે છે. નવું નવું જ્ઞાન પણ મેળવવું જોઈએ. વિચારોમાં એટલે કે જ્ઞાનમાં વધારો કરવાથી આચરણ સુધરે છે. જ્ઞાન એ વિવેક છે. છેલ્લામાં છેલ્લી માહિતીની જાણકારી હોય તો તેને અપ ટુ ડેઈટ, આધુનિક-નવીન અને તાજું કહી શકાય. પહેરવેશ માત્ર અર્વાચીન હોય અને વિચારોમાં કે જ્ઞાનમાં કોઈ જ પરિવર્તન ન હોય તો તે, સાંપ્રત સમયની દોડમાં પાછળ રહી જાય છે. ચાલો, જ્ઞાનમાં વધારો કરી વિવેકપૂર્વક આચરણ કરીને માનવધર્મનું પાલન કરીએ.
નવસારી – કિશોર આર. ટંડેલ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

સરકાર પ્રમાણિક રીતે કામનો હિસાબ આપે
આપણા દેશનાં પ્રધાનોના વિદેશ પ્રવાસના ખર્ચા, જાહેર રેલી અથવા ચૂંટણી પહેલાંનાં જાહેર સભાના ખર્ચા લાખો અને કરોડોમાં થાય છે. ઈડી અને સીબીઆઈ દ્વારા દરોડામાં લાખો અને કરોડોની બેનામી રકમો પકડાય છે. પેટ્રોલ-ડીઝલ જેવા પર વેટ લગાવી સરકારને લાખો રૂ.ની આવક થાય છે. વળી જી.એસ.ટી. દ્વારા પણ માતબર આવક થાય છે. સરકારી કર્મચારીની આવક પર ઈન્કમટેક્ષ લગાવી સારી આવક થાય છે. નાના મોટા વેપારીઓ પર ટેક્ષ લગાવી આવક મેળવે છે. આમ સરકારને અબજો રૂા.ની આવક થાય છે. પ્રજાનો સેવક કહેવડાવતા નેતાઓ, મંત્રીઓ પોતાના મત વિસ્તારમાં જઈ ચૂંટણી ટાણે આપેલાં વચનો પ્રમાણે કામ થાય છે યા નહીં ?

દરેક લોકસેવક પોતાના અંતરાત્માને પૂછે તો ઘણું. હાલમાં સરકાર પ્રદૂષણ અટકાવવા ઈલેક્ટ્રીક વાહનો વાપરવા પર ભારપૂર્વક જણાવે છે. જીટીઆરઆઈનાં રિપોર્ટ મુજબ બેટરી મેન્યુફેકચરિંગ, ડિસ્પોઝલ અને ચાર્જિંગ કે ઈલેક્ટ્રીક વ્હીકલ, ઈવીના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતું 70% મટીરિયલ ચીન અને અન્ય દેશમાંથી મંગાવવું પડે છે. ત્યારે ભારતમાં જ આવી ટેકનોલોજી કુશળતા મેળવવા અદ્યતન કોલેજો કે આઈ.ટી.આઈ. જેવી સંસ્થા શા માટે આપણા દેશમાં શરૂ કરતી નથી? શું આપણા દેશનાં યુવાનો આવી ટેકનોલોજીમાં કુશળતા ન મેળવી શકે?  નવસારી       – એન.ગરાસિયા
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top