Columns

પરિશ્રમથી જ ભોજન મીઠું લાગે છે: સંકેત સમજો

જગતમાં ૭૬૫ કરોડની વસતિ છે. ઉપર ઉપરથી બધા સરખા પણ અંદરથી વિગતોમાં ગજબના વિરોધાભાસો. વિવિધતાઓ અપરંપાર. દરેકના મગજ, વૃત્તિઓ અને રસાયણો જુદાં. ધર્મમાં પણ વાડાઓ અને વિભાગો બેસુમાર, સર્જનહારના સ્વરૂપ, કામ વિષે જેટલાં માથાં એટલી માન્યતાઓ. પોતે નકકી કરેલું સ્વરૂપ જ સાચું તે જીદ્દ લઇને યુદ્ધે ચડે. વિશ્વમાં ધાર્મિક યુદ્ધોમાં કરોડો લોકોને હણી નખાયા છે. એવું પુરવાર કરવા માટે હણવામાં આવ્યાં કે અમારો ધર્મ શાંતિ અને ભાઇચારાનો ધર્મ છે.

પણ સર્જનહારનો સંકેત શો છે? એમનો સંકેત તો સ્પષ્ટ છે કે ઓ સૃષ્ટિનો સર્જનહાર અને વ્યવસ્થાપક એક જ છે. એમની જે વિશ્વ અને બ્રહ્માંડની વ્યવસ્થા છે તેમાં રસાયણ અને ભૌતિક વિજ્ઞાનના નિયમો એક સરખી રીતે કામ કરે છે. યુનિફોર્મ છે. પૃથ્વી પરનાં જીવોની વ્યવસ્થા સરસ રીતે ગોઠવાયેલી છે. લોકોને ધર્મ પ્રમાણે અલગ અલગ પ્રાણવાયુ, લોહી, ઔષધ, ખોરાકની જરૂર પડતી નથી. આકરા શિયાળામાં હિન્દુઓ, બૌધ્ધોને ઠંડી લાગે અને ખ્રિસ્તીઓને ના લાગે એવું બનતું નથી. ભારતમાંથી સતલજ, રવિ, બિયાસના પાણી પાકિસ્તાનમાં ઘૂસે એટલે મુસ્લિમ બની જતાં નથી કે સ્વરૂપ બદલતાં નથી. સિન્ધ પરથી આવતી હવાનું સ્વરૂપ રાજસ્થાનમાં પણ એ જ રહે છે.

વાદળો વિઝા વગર આવ-જા કરે છે. સર્જનહારે જગત ચલાવવાનો જે વહીવટ પોતાની હસ્તક રાખ્યો છે તેમાં ભેદભાવ વગરની એકસૂત્રતા છે. પણ જે વહીવટ માણસોના હાથમાં સોંપ્યો તેમાં અચૂક ગોંધળ સર્જાઇ. જેમ કે ભોજનમાં અનેકવિધતા આપી, જેને જે પસંદ હોય તે ખાય! તો માણસે તેના પર ધર્મનું લેબલ મારી દીધું. એક ધર્મ જે ખોરાકને વજર્ય ગણે તેને બીજો ધર્મ સ્વીકાર્ય અથવા પવિત્ર ગણે. માણસના મગજનાં ઠેકાણાં નથી. વિચારવામાં એકરૂપતા નથી. તેનો અર્થ એ કે સર્જનહારે માનવીને એક યંત્ર સમાન સમજયો છે. જે કામ માણસ કરે તો વાંધો નથી તે કામ માણસને સોંપ્યા છે. અમુક અનુભવો પરથી લાગે કે પૃથ્વીના સમગ્ર સંચાલનમાં ૨૫ પૈસાથી અડધા ટકા જેટલો અખત્યાર માનવીને સોંપ્યો છે.

તેમાં જો માણસ યોગ્ય વર્તન કરે તો પણ ખૂબ મોટો ફરક પડે. સર્જનહારે માણસને હવાનો વહીવટ સોંપ્યો હોત તો હિન્દુ ઑકિસજન, જૈન, ઇસાઇ, ઇસ્લામિક ઑકિસજન જેવા ભાગલા પાડયા હોત અને કયો ઓકિસજન સૌથી વધુ પવિત્ર છે તેની ટીવી ડિબેટો ચાલતી હોત. ફલાણાએ ફલાણા ધર્મના ઑકિસજનનું અપમાન કર્યું તેવી હેડલાઇન છપાતી હોત. જો માણસ દરેકમાં ભેદભાવનું વલણ ધરાવતો હોય તો સ્વાભાવિક છે કે ઇશ્વર બાબતમાં એ એકરૂપ બની શકે નહીં. કપડાં, ખોરાકની પવિત્રતા બાબતે નોખા નોખા વિચારો છે ત્યારે ઇશ્વર તો ખૂબ દૂરની બાબત છે. માણસનો ભરોસો કેમ કરવો? આ બ્રહ્માંડ અને પૃથ્વીની વ્યવસ્થાઓ ચાલી રહી છે એટલે વ્યવસ્થાપક તો છે જ! પરંતુ પ્રવચનકારોને બદલે વ્યવસ્થાપકના સંકેતો સમજીએ, તે ધ્યાને ધરીએ તો સૌથી મોટું ધ્યાન એ જ ગણાય.

અહીં કહેવાનો અર્થ એ નથી કે અગાઉના દાર્શનિકો, ઋષિઓ, તત્વવેત્તાઓ – કહી ગયા તે સદંતર ખોટું છે. પરંતુ ખોટું એટલા મોટા પાયે ચાલ્યું છે કે તેણે જ સત્યનું રૂપ લઇ લીધું છે. ખોટા સિક્કાઓએ, સાચા સિકકાઓને ચલણમાંથી હાંકી કાઢયા છે. નાનક દેવ, કબીર, વેદ વ્યાસે આસપાસની કુદરતની વ્યવસ્થામાંથી સંકેતો મેળવ્યા હતા. તેઓનાં વચનો હજારો વર્ષે પૂર્વે સાચાં હતાં અને હજી અનંતકાળ માટે સાચાં રહેશે.

ભગવદ્‌ગીતાનો કર્મયોગ સંદેશ અનુભવ સિધ્ધ છે. મગજ આપીને સર્જનહારે માણસ માટે કર્મયોગને વિશિષ્ટ સ્થાન આપ્યું છે. માનવીના તનમનમાં અનેક સારી – નરસી વૃત્તિઓનું આરોપણ થયેલું છે. સુક્ષ્મ માત્રામાં માનવી પોતાના જીવન પર અખત્યાર પણ ધરાવે છે. આ વૃત્તિઓમાંથી કોને બળ આપવું, કોનું સંમાર્જન કરવું તે માણસના હાથમાં છે. માણસને બીજાની મહેનત પર એશોઆરામ કરવાનું ગમે છે. પણ કુદરતનાં સંકેતો કહે છે કે દરેક સક્ષમ જણ મહેનત કરે તે વાત જ કુદરતને પસંદ છે.

સર્જનહારનાં સંકેતોમાં પણ એકસૂત્રતા નથી. પૃથ્વી, બ્રહ્માંડ અને જીવોની વ્યવસ્થા રહસ્યોનું વિશાળ કોકડું છે. નિયમો છે તો અપવાદો પણ એટલા જ છે. આથી જગતનો સર્વસાર કંઇ સંકેતો થકી જાણી શકાય એવી સ્થિતિ હાલમાં નથી. છતાં કેટલીક કુદરતી બાબતો સમજાય તો ધર્મના બની બેઠેલા એજન્ટોની પકડમાંથી મુકિત મેળવી શકાય.

ગીતા કહે છે, મહેનત કર. ફળની ચિંતા ન કર. પ્રત્યક્ષ જીવનમાં આ વિધાનને મૂલવો. તમે મહેનત કરશો તો કુદરત અનેક રીતે તમને સહાય કરવા દોડી આવશે. જે મહેનત કરે છે તેનું શરીર, સ્નાયુ, હાડકાં અને ગ્રંથિઓ મજબૂત બને. જેમ જેમ મહેનત કરે તેમ તેમ વધુને વધુ શકિતશાળી બનતો જાય. મગજ સારા કામમાં પરોવાયેલું રહે. શકિત સાથે આવડત પણ વધે અને મુશ્કેલ કામ વધુ સરળતાથી કરતો થાય. મહેનતનાં ફળ રૂપે સમૃધ્ધિ આવે. સામાજિક અને કૌટુંબિક મોભો વધે. એના પર લોકો વધુ વિશ્વાસ રાખે. કોઇના પર અવલંબન રાખ્યા વગર પોતાનાં કામ પાર પાડી શકે.

આયુષ્ય લાંબુ થાય. આ પ્રકારના અનેક લાભો છે. તેની સામે મહેનત ન કરો તો? ધીમે ધીમે દ્રારિદ્રય ઘરમાં આંટોફેરો કરવા આવે. શરીરનાં અવયવો ક્ષીણ, નબળાં થતા ચાલે. અમુક ખૂબ વહેલાં કામ કરતા બંધ થઇ જાય. દવા દારૂઓના ખર્ચ વધી જાય અને તેમાં પાછો નાણાંનો અભાવ. સમાજ તેને આળસુ તરીકે ઓળખે. કોઇ ઉછીના પૈસા પણ ન ધીરે. ચિંતાઓ લાગુ પડે તો શરીર વધુ ખવાય. મકાન અને ચીજવસ્તુઓ ગીરવે મૂકવા પડે. જો પાસે રહે તો યોગ્ય માવજત પણ ન થાય. દુર્ગતિનું વિષચક્ર ફરતું થાય તો તેને તોડવાનું ખૂબ મુશ્કેલ બને. ઘરમાં જાળાં બાઝી જાય. વ્યસનો પકડ જમાવે.

ઘણા કહે છે કે અમુક મહેનત કરનારાઓની દશા સારી હોતી નથી. ખરૂં છે, આ અપવાદ જોવા મળે છે. બારીકાઇમાં જઇએ તો પણ તેનું કારણ આપણે જાણી શકીએ તેમ નથી. એટલા બારીક ઊંડાણમાં આપણે જઇ શકીએ તેવો કોઇ દરવાજો સર્જનહારે ઘડયો નથી. છતાં જો પૃથ્વી પર કામ કરતા લોકોની મદદમાં સર્જનહાર સતત ઊભો રહેતો હોય તો જેણે મહેનત કરી તે કોઇનો બદલો એ બાકી નહીં રાખે. આ શ્રધ્ધા સર્જનહાર તરફથી માણસને મળે છે. આ કોઇ એવી શ્રદ્ધા નથી જેમાં ‘ગુરુદેવ’ (કોઇપણના) દ્વારા દાવો થાય છે કે એમને હરિના પ્રત્યક્ષ દર્શન થયા છે.

બીજો મહત્વનો સવાલ એ થાય કે કુદરત માણસ પાસે કામ શા માટે કરાવવા માંગે છે? આ સવાલનો કોઇ સ્પષ્ટ જવાબ નથી. માણસ કામ કરતો ન હતો, માત્ર ફળ ફૂલો અને આગમાં શેકાઇ ગયેલા જીવો ખાઇને નભતો હતો ત્યારે પણ પૃથ્વી પરની જૈવિક વ્યવસ્થા વિદ્યમાન હતી. એક સ્પષ્ટ જવાબ સમજી શકાય છે તે એ છે કે સર્જનહાર પૃથ્વી પરની સ્થિતિઓમાં સતત પરિવર્તન ઇચ્છે છે.

આવાસો, વાહન વ્યવહાર, મનોરંજન, ખોરાક વગેરે તમામ ક્ષેત્રોમાં સતત બદલાવ થતો રહે છે. આ કામ માણસો વડે થઇ રહ્યું છે. કુદરત કોઇ પ્રયોગો કરી રહ્યો છે? પૃથ્વીને કુદરતે લેબોરેટરી બનાવી છે? આ હાઇપોથેટિકલ જવાબ છે. ધારણા આધારિત. તે સાચો હોઇ શકે અને ખોટો હોય તેવી શકયતા વધુ છે. કારણ કે યોજનાઓ ઘડનારો કશુંક સમજાવે તો સમજાય. એ તો કોઇને મળ્યો નથી. મોટરકારને કોણે, શું કામ બનાવી છે તેની મોટરકારને કેમ ખબર પડે? કુદરતે અનેક વૃત્તિઓ માનવ શરીરમાં બેસાડીને તેને ચલાયમાન રાખ્યો છે. જેમ કે, મિત મિલાકે તુને સપને જગાયે! પ્રોટેસ્ટન્ટ ચળવળના જર્મન નેતા માર્ટીન લ્યુથરે કહ્યું હતું કે, ‘શરીરમાં કામ (રતિ) આપીને પ્રભુએ મને પરણવા મજબૂર કર્યો. મહેચ્છાઓ આપીને ઓફિસોમાં બેસાડયો, લોભ આપીને કમાણી કરવા મજબૂર કર્યો, એક અંધ બકરી માફક પ્રભુ જયાં જયાં લઇ ગયો ત્યાં હું ગયો.’

વિચારો તો અનેક થઇ શકે, પરંતુ સર્જનહાર આપણી પાસે શા માટે કામ કરાવવા માંગે છે તેનું તત્કાળ કારણ જોઇએ તો એ મળે છે કે કુદરત માનવજાતને વધુ સુખી બનાવવા માગે છે. જો કે બદલામાં પશુઓનો, પ્રાણીઓનો ખો નીકળી જાય છે. છતાં બળદ, ગધેડા, ઘોડા વગેરેની સ્થિતિ એટલી દયનીય નથી જેટલી પચાસ, સો વરસ અગાઉ હતી. માણસ માનસિક અને શારીરિક પરિશ્રમ કરે તો પશુઓની સ્થિતિ પણ સુધરે છે. પ્રભુના કોઇપણ પ્રયોજન સાથે ત્રણ – ચાર કે વધુ ઉદ્દેશ્યો એક સાથે સમાયેલાં હોય છે. જેમકે પેટ છે તો માણસ ભૂખ દૂર કરવા મહેનત કરશે. પેટ છે તો શરીરને ઊર્જા મળે છે.

ખાવામાં ધ્યાન ન રાખે અને ખોરાકનું સમતોલન બગાડે તો પેટ દુ:ખે અને ચેતવણી મળે. ચેતવણી સાથે બગડેલું પેટ સરખું થઇ જાય. તેમ માણસ મહેનત કરે તેની પાછળ બીજા ઉદ્દેશ્યો પણ હશે, જે આપણી નજરથી ઓઝલ હોઇ શકે. આપણી સમજની બહાર હોઇ શકે. શકય છે કે કુદરત જ માનવી પાસે પૃથ્વી પર જે પરિવર્તનો કરાવી રહી છે તે કુદરત માટે પણ પ્રથમ પ્રયોગરૂપ હોય. પણ આ કલ્પના વધુ સાચી લાગતી નથી. જે બ્લેક હોય અને સુપરનોવા જેવું આયોજન કરી શકે તે તેના માટે પૃથ્વી પરના બાંધકામો, પ્રયોગો સાવ મામૂલી ચીજ ગણાય. જે નજર સામે દેખાઇ રહ્યું છે તે એ જ કે એક તો મહેનત દ્વારા તમામ જીવો પોતાને ટકાવી રાખે. તે માટે ઇકોલોજીનું આખું વર્તુળ રચ્યું છે.

એકે ત્યજી લીધેલી ચીજ બીજા જીવનો ખોરાક બને છે. એક જીવ અને બીજા જીવનો ખોરાક બને છે. આમ પૃથ્વી પરના જીવો સેલ્ફ સસ્ટેન થાય, આપોઆપ જીવોનો કારભાર ચાલે તે માટે અને માણસ જાતની બુધ્ધિ વધે, તે પોતે સુખી થાય. અને બીજા જીવોને સુખી કરે તેવો ઉદ્દેશ્ય અત્યારે જણાઇ રહ્યો છે. જેમ કે ટ્રેકટરો આવવાથી ઓછા સમયમાં વધુ કામ થવા માંડયા. બળદોનું વૈતરું પ્રમાણમાં ઘટયું. વાહનો આવવાથી ઘોડાગાડીઓ, પગની સાઇકલ, રિક્ષાઓ ગઇ વગેરે માણસો માટેની વાહન વ્યવહારની સગવડતાઓ વધી. પૃથ્વી પાંચ મોટા મહાખંડોને બદલે એક વિલેજ બની. આ સંકેતો સ્પષ્ટપણે જોઇ શકાય છે. જેમની યાદદાસ્ત ટુંકી છે તેઓ ભૂતકાળને ભૂલી જાય છે.

તેઓને આજનું બધું ખરાબ અને જુનું બધું સારું લાગે છે. સવારમાં ડબલાં લઇને ફરતા અને ટોઇલેટ બેસવા માટેની સલામત જગ્યા શોધવી પડતી હતી. રોજનું ટેન્શન. લોકો ભૂલી જાય છે. ગંદકી, તેનાથી ફેલાતી બિમારીઓ હવે ખાસ રહ્યાં નથી. સુખાકારી અનહદ વધી છે. સમ્રાટ અકબર પાસે જે સાધનો ન હતાં તે અકબર ગેરેજવાળા પાસે છે. જે લોકોને જૂની જીવનશૈલી સારી લાગે છે તે ગામડામાં જઇને આજે પણ જીવી શકાય છે.

શું આજે લોકો સુરતમાંથી માઇગ્રેટ (રિવર્સ માઇગ્રેશન) થઇને ગીરના જંગલમાં વીજળી, ફોન, પાકા મકાન અને પંખા વગરના કાચા મકાનોમાં રહેવા જશે? એ ખરું છે કે માણસ દ્વારા થતી પ્રવૃત્તિઓએ પર્યાવરણનો નાશ કર્યો છે. જળસ્ત્રોતો પ્રદુષિત કર્યા છે. વસ્તી ખૂબ વધારી છે. પણ કરોડો વરસનો ઇતિહાસ બતાવે છે કે સમતુલા બગડે ત્યારે કુદરત દરમિયાનગીરી કરીને સમતુલા આણે છે. તે માટે ડાઇનોસર જેવી આખી જાતિનું નિકંદન કાઢવું પડે તો કાઢી નાખે છે. પૃથ્વી પર ભાર બનીને ફરતા, મહેનત નહીં કરતા લોકોને જલ્દી પાછા બોલાવી લે છે. કુદરત સતત પરિવર્તન ઇચ્છે છે અને પરિવર્તનો ચાલશે ત્યાં સુધી શારીરિક અને માનસિક શ્રમિકોની જરૂર અવશ્ય રહેવાની.

ઉદ્યમેન હિ સિધ્યન્તિ કાર્યાણિ ન મનોરથૈ: I
ન હિ સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગા: II

કોઇપણ કાર્ય ઉદ્યમથી જ પુરું થાય છે. બેઠા બેઠા હવાઇ કિલ્લા ચણવાથી કે મનોરથો ઘડવાથી થતું નથી. સુતેલા સિંહના મુખમાં હરણાં જાતે આવીને પ્રવેશતાં નથી.

ઉદ્યોગિનં પુરુષસિંહં ઉપૈતી લક્ષમી:
દૈવં હિ દૈવમિનિ કાપુરુષા વદંતિ
દૈવં નિહત્યં કુરુ પૌરૂષં આત્મ શકત્યા
યત્ને કૃતે યદિ ન સિધ્યતિ ન કોડત્ર દોષ: II

ઉદ્યોગી અને સાહસી લોકોને લક્ષમી પ્રાપ્ત થાય છે, પરંતુ નકામા લોકો કહેતા રહે છે કે, ‘ભાગ્યમા હશે તો મળશે જ. ભાગ્યને બાજુએ રાખો. જેટલી યોગ્યતા અને શકિત હોય એટલી મહેનત કરતા રહો. છતાં પ્રયત્નો કરવા છતાં સફળતા ન મળે તો તેમાં તમારો કોઇ દોષ નથી.

Most Popular

To Top