Science & Technology

હાઈડ્રોજનથી ઊડતાં વિમાનો માટે તૈયારીઓ ચાલી રહી છે: ઊડશે?

હાઈડ્રોજનનો વાહનો અને વિમાનોના બળતણ તરીકે ઉપયોગ થઇ શકે તો તે એક શ્રેષ્ઠ વિકલ્પ છે. તેના વડે કોઇ પ્રદૂષણ ફેલાતું નથી. ઝીરો પ્રદૂષણ, પૃથ્વી પર તે પુષ્કળ માત્રામાં ઉપલબ્ધ છે. વિમાનના બળતણ તરીકે તે સવિશષ ઉપયોગી બની શકે તેમ છે. કારણ કે આજકાલ જે વિમાનનું પેટ્રોલિયમ બળતણ વપરાય છે તે પોતાના વજનના પ્રમાણમાં ઓછી ઉર્જા ધરાવે છે જયારે નાઈટ્રોજન વજનના પ્રમાણમાં વધુ ઊર્જા ધરાવે છે.

તેનો સરળ અર્થ એ થાય કે ઓછા વજન સાથે વિમાન વધુ દૂર સુધી ઊડી શકે છે. પ્રદુષણ બાબતમાં ફાયદો ખરો અને ઓછા વજનમાં દૂર સુધી જઈ શકાય તેથી વધુ કિફાયતી પડે. વિમાનોમાં કાર્ગો કે પેસેન્જરો માટે વધુ જગ્યા મળી શકે. આ સિવાય કાર્બન સાથે હાઈડ્રોજનનું મિશ્રણ કરીને તેમાંથી વારંવાર ઉપયોગ થઇ શકે તેવું સસ્ટેનેબલ સિન્થેટિક ઇંધણ પણ તૈયાર થઇ શકે. આ માટે માત્ર હવામાંથી કાર્બન ખેંચવાની જરૂર પડે. કાર્બન ખેંચી લેવાથી પણ પ્રદૂષણ ઘટે.

આમ સોનામાં સુગંધ ભળે તેવી અનેક શક્યતાઓ વિજ્ઞાન સામે છે, પણ તેને સાકાર કરવાનું એટલું સરળ નથી. તે માટેની ટેકનોલોજી તૈયાર કરવી અથવા બાંધવી તે પણ કોઇ મોટી સમસ્યા નથી. સમસ્યા ખૂદ લિકવિડ અથવા પ્રવાહી હાઈડ્રોજન છે જેને નાથવાનો, સલામત રીતે કુબામાં લેવા માટેની રીતો શોધવા માટે વિજ્ઞાનીઓ અને ટેકનોલોજીસ્ટો દાયકાઓથી મહેનત કરી રહ્યા છે. થોડી ઘણી સફળતા મળે છે અને તેથી ભવિષ્યની આશા બંધાઈ રહે છે. જે પડકારો જણાઈ રહ્યા છે તેનો પણ નીવેડો આવશે.

જે સમયે હાઈડ્રોજન ઇંધણ તરીકે વપરાતું થશે ત્યારે પ્રદૂષણ, પર્યાવરણ જગતમાં ખનીજ તેલની મોનોપોલી વગેરે અનેક દૂષણો અથવા ગુલામીઓનો પણ અંત આવશે અને તે આવશે તેની સંભાવનાઓ ક્રમશ: વધી રહી છે આજે ભવિષ્યના ઇંધણ તરીકે નિષ્ણાતોમાં બે ભિન્ન મત જોવા મળે છે. એક વર્ગ માને છે કે ભવિષ્યનું ઇંધણ ઇલેકિટ્રીસિટી હશે.ખાસ કરીને વાહનોનાં ઇંધણ તરીકે. બીજો વર્ગ માને છે કે હાઈડ્રોજન હશે. ભારતનું ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન હાઈડ્રોજનને વધુ માર્કસ આપે છે. જો ઇલેકિટ્રીસિટી પરંપરાગત ઢબે તેલ, કોલસો બળીને ઉત્પન્ન કરવાની હોય તો તેનાથી પ્રદૂષણ ઘટશે નહીં, માત્ર પ્રદૂષણ નિષ્પન્ન થવાનાં સ્થળો બદલાશે. આ સિવાય વીજળી ઊર્જા સંઘરવા માટે બેટરીઓનું નિર્માણ પ્રદૂષણનાં અન્ય આયામોને જન્મ આપશે. આખરે ઇલેક્ટ્રિક વાહનો વાપરીને માનવજાત ઠેરની ઠેર જ રહેવાની.

હાઈડ્રોજન વધુ સારો વિકલ્પ બનશે. આ વિચારથી પ્રેરાઈને હાલમાં પ્રવાસી અને અન્ય વિમાનોના ઉત્પાદનમાં જગતની નંબર વન ગણાતી ફ્રાન્સની એરબસ કંપની હાઈડ્રોજન – ચાલિત વિમાનો માટે ટેકનોલોજી વિકાસવવાના કામમાં લાગી ગઈ છે. એરબસનું સુપરજમ્બો એ 380 વિમાન જગતમાં જાણીતું છે. પેસેન્જરોને લઇ જતું આ સૌથી મોટું વિમાન છે. વિમાન ઉદ્યોગ સામે કાર્બનનું ઉત્સર્જન ઘટાડવાનો એક સૌથી મોટો પડકાર અને લક્ષ્યાંક છે જેમ મોટર વાહન ઉદ્યોગ સામે છે. હવે એરબસ કંપની એ 3809 વિમાનમાં હાઈડ્રોજન ચાલિત એન્જીનોના પ્રયોગો કરવાની તૈયારીમાં છે.

અનેક કોમ્પ્યુટરો, અનેક એન્જીનીઅરો તેના પ્રયોગો અને ડેટા એકઠા કરવાના કામમાં લાગી ગયા છે. વિમાન નિર્માણ ઉદ્યોગ વરસ 2035 સુધીમાં એવા વિમાનો તૈયાર કરીને ઊડાડવા માગે છે જે શૂન્ય પ્રદૂષણને જન્મ આપતાં હોય. એરબસ, હાઇડ્રોજન એન્જીન ધરાવતા વિમાનોની ટેસ્ટ ફલાઈટ 2026ના અંત સુધીમાં ઊડતી મૂકવા માગે છે. જો કે હાઈડ્રોજન એન્જીનો વડે મધ્યમ કે નાનાં કદનાં વિમાનો ઊડાડવામાં આવશે પણ તેના પ્રયોગો માટે એ380 જમ્બો વિમાન એટલા માટે પસંદ કરવા માટેની તમામ સામગ્રીઓ અને ડેટા એકઠા કરવા માટેનાં કોમ્પ્યુટરો મશીનરીઓ વગેરે તેમાં ગોઠવી શકાય. હાલમાં તો હાઈડ્રોજન એક વિમાનના બળતણ તરીકે સફળ પુરવાર થાય છે કે કેમ? તે નક્કી કરવામાં આવશે. અને બાદમાં તે મુજબ વિમાનની ડિઝાઈન અને રચના વગેરેમાં જરૂર મૂજબ ફેરફારો કરાશે.

માત્ર એરબસ જ આ પ્રયોગો કરી નથી રહી. હરીફ કંપની બોઇંગ પણ હાઈડ્રોજનની ક્ષમતાઓ અને શકયતાઓ તપાસી રહી છે. બોઇંગની સાથે અન્ય એન્જીન નિર્માણ કંપનીઓ જોડાઈ છે અને અનેક પ્રકારની ટેકનોલોજીઓની ચકાસણી થઇ રહી છે. હાઈડ્રોજન અને ઇંધણોનાં અનેક સંયોજનો ગોઠવી પ્રયોગો થઇ રહ્યા છે. જેમ કે ઇલેકટ્રીક બેટરીઓ અને હાઈડ્રોજન ઊર્જાના સમન્વય વગેરે.હાઈડ્રોજનની બાબતમાં બોઇંગના પ્રયોગો તકેદારી સાથે આગળ વધી રહ્યા છે. હમણાંનાં પાંચ દસ વરસમાં બેથી ત્રણ વિમાનો બોઇંગની ટેકનોલોજિકલ ક્ષતિને કારણે અકસ્માતોનો  ભોગ બન્યા ત્યારથી બોઇંગની બુરી દશા બેઠી છે. જગતની એક વખતની નંબર વન કંપનીને બાજુએ રાખીને એરબસ આગળ નીકળી ગઇ છે.

એરબસ વિમાન ઊડયનના ક્ષેત્રે બળતણનાં વિકલ્પો શોધવા ઉપરાંત અન્ય ટેકનોલોજિકલ વિકલ્પોનો પણ ગંભીરતાપૂર્વક અધ્યયન અને પ્રયોગો કરી રહી છે. દૂરી ઊડીની જતાં યાયાવર પક્ષીઓ, કુંજર, ફલેમિંગો વગેરે એક ત્રિકોણ રચીને ઊડે તેથી તેઓની શક્તિમાં કોઇ બચત થાય કે ખરી? એરબસ દ્વારા પ્રયોગો કરી સંશોધન હાથ ધરાયું તો સિદ્ધ થયું કે આ રીતે ઊડવાથી પક્ષીઓની શક્તિના વપરાશમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. તેનાથી જે રીતે હવા ફંટાય તે પક્ષીઓ માટે હવાનો માર ઓછો કરે છે અને જો વિમાનોને પણ તે જ પ્રમાણે એંગલ બનાવીને ઊડાડાય તો હવાની થપાટ ઓછી સહન કરવી પડે છે. ફલત: શક્તિ ઓછી વપરાય અને ઈંધણની બચત થાય.

હાઈડ્રોજન બાબતમાં પ્રથમ પડકાર એ છે કે તેનો એક વિમાનમાં સલામત રીતે સંગ્રહ કરવો. વિમાનમાં તેને 253 ડિગ્રી સેલ્સિયસ માઈનસ તાપમાનમાં રાખવો પડે અને તેનો ઈંધણ તરીકે ઉપયોગ થાય તે અગાઉ તેનું ગેસમાં રૂપાંતર કરવું પડે. જે ગેસ બળે છે તે હાલના જેટ ઈંધણ (પેટ્રોલ) કરતાં પણ ખૂબ પ્રચંડ તાપમાન પેદા કરે છે. તેથી તેને ઠંડો પાડવા માટેની ખાસ વ્યવસ્થા, સાધનો અને કોટિંગ વગેરે વિકસાવવા પડશે. આ બધા પડકારોને પહોંચી વળવા માટે વિમાનોની નવી ડિઝાઈનો અને ત્યાં સુધી કે નવી શૈલીનાં વિમાનમથકો પણ બાંધવાની જરૂર રહેશે. હાલમાં તો નવી ટેકનોલોજી માટે ઉપમા વાપરીએ તો રનવે તૈયાર થઈ રહ્યો છે. ટેક ઓફફ પછી સમજાશે કે વિમાન કેમ અને કેટલું ઊડશે?

Most Popular

To Top