Gujarat

કુદરતી અને માનવસર્જિત આફતો સામે ગુજરાતનું અડીખમ સુરક્ષા કવચ

કુદરતી અને માનવસર્જિત આફતો સામે રાજ્યને વધુ સક્ષમ બનાવવા માટે ગુજરાત સરકારે અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)ને 24 કલાક કાર્યરત રાખ્યું છે. રાજ્યમાં ભારે વરસાદ, પૂર, વાવાઝોડું, ભૂકંપ, ઔદ્યોગિક અકસ્માત કે અન્ય કોઈપણ પ્રકારની આપત્તિ દરમિયાન આ કેન્દ્ર રિયલ-ટાઇમ મોનિટરિંગ, વિવિધ વિભાગો વચ્ચે સંકલન અને ઝડપી રાહત કામગીરીનું મુખ્ય નિયંત્રણ કેન્દ્ર તરીકે કાર્ય કરે છે.


રાજ્ય સરકારના જણાવ્યા મુજબ, સચેત (SACHET) અને અન્ય અદ્યતન એલર્ટ સિસ્ટમો દ્વારા અત્યાર સુધીમાં 286 કરોડથી વધુ SMS એલર્ટ નાગરિકોને મોકલવામાં આવ્યા છે. સમયસર મળતી આ ચેતવણીઓના કારણે લાખો લોકોને સંભવિત જોખમ અંગે અગાઉથી માહિતી મળી રહી છે અને જરૂરી સાવચેતી રાખવામાં મદદ મળી રહી છે.આપત્તિ સમયે નાગરિકોને તાત્કાલિક મદદ મળી રહે તે માટે રાજ્ય કક્ષાએ ટોલ-ફ્રી હેલ્પલાઈન 1070 અને જિલ્લા કક્ષાએ 1077 નંબર સતત કાર્યરત રાખવામાં આવ્યા છે. કોઈપણ આપત્તિ, અકસ્માત, ઇમરજન્સી અંગેની માહિતી આપવા તેમજ રાહત માટે હેલ્પલાઈનનો ઉપયોગ કરી શકાય છે. રાજ્યમાં બચાવ અને રાહત કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે NDRFની 17 ટીમો અને SDRFની 32 ટીમો સતત સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. ભારે વરસાદ, પૂર અથવા અન્ય આપત્તિ સર્જાય ત્યારે આ ટીમોને તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલીને બચાવ કામગીરી હાથ ધરવામાં આવે છે.


સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા હવામાન વિભાગ, જળસંપત્તિ વિભાગ, પોલીસ, ફાયર સર્વિસ, આરોગ્ય વિભાગ, વીજ કંપનીઓ, જિલ્લા વહીવટી તંત્ર અને અન્ય એજન્સીઓ સાથે સતત રિયલ-ટાઇમ સંકલન જાળવવામાં આવે છે.જો કે આધુનિક કોમ્યુનિકેશન સિસ્ટમ, GIS મેપિંગ, ડિજિટલ મોનિટરિંગ અને લાઈવ ડેટા એનાલિસિસ દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવે છે જેથી જરૂરી નિર્ણય ઝડપથી લઈ શકાય.ચોમાસા દરમિયાન ખાસ કરીને ભારે વરસાદ, નદીના જળસ્તરમાં વધારો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિમાં SEOC સતત કાર્યરત રહે છે. જિલ્લાઓમાંથી મળતી માહિતીનું વિશ્લેષણ કરીને જરૂરી હોય ત્યાં NDRF, SDRF, બોટ, રાહત સામગ્રી અને અન્ય સાધનોની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે છે.

રાજ્ય સરકારના જણાવ્યા મુજબ, ટેક્નોલોજી આધારિત પૂર્વચેતવણી પ્રણાલી અને વિવિધ વિભાગો વચ્ચેના ઝડપી સંકલનને કારણે આપત્તિના સમયમાં જાનમાલનું નુકસાન ઘટાડવામાં નોંધપાત્ર સફળતા મળી રહી છે. સમયસર એલર્ટ, ઝડપી પ્રતિસાદ અને અસરકારક રાહત કામગીરી ગુજરાતના આપત્તિ વ્યવસ્થાપન મોડેલને વધુ મજબૂત બનાવી રહી છે.

Most Popular

To Top