Comments

‘ગુજરાતમિત્ર’ અને કે.સી.: અંગત અનુબંધનું સ્મરણ

‘ગુજરામિત્ર’ માટે કુંજવિહારી મહેતાનું નામ ખૂબ અંગતતાથી ભરેલું છે. એમના જીવનનાં લગભગ અડધા કહી શકાય એટલા વર્ષ તેમણે આ અખબારમાં ‘શિક્ષણ અને સંસ્કારની સમસ્યાઓ’ કોલમ લખી. એ કોલમનું શીર્ષક જ સૂચવે છે તેમ તેઓ શિક્ષણનાં તો ખરાં સંસ્કારનાં પણ માણસ હતા. કોલમ લેખન તો તેમણે કર્યું પણ તેઓ ‘ગુજરાતમિત્ર’ કાર્યાલય પર મન થાય ત્યારે આવી ચડતા. ગોષ્ઠીઓ થાય. શહેર, કુટુંબ અને અખબારની ચિંતન-ચિંતા કરે. અખબારના કર્મચારીને લાગે કે કોઇ સ્વજન અહીં હાજર છે.

દર અઠવાડિયે પ્રગટ થતી તેમની કટારમાં આ શહેર અને તેના નાગરિકોનું સ્વપ્ન, ભવિષ્ય ઝીલાતું.
આ તો થઇ ‘ગુજરાતમિત્ર’ અખબાર અને તેની સાથેના તેમના લેખનની વાત. પણ એ ઉપરાંત તેમની ‘ગુજરાતમિત્ર’ પરિવાર અને રેશમવાળા કુટુંબ સાથે નિકટતા વિકસેલી અને તે એવી હતી કે જેમાં સહિયારા ખાણી-પીણી, ગપ્પા-ગોષ્ઠી, કૌટુંબિક પ્રસંગો, પ્રવાસો સહિત ઘણું બધું છે. એ સમય પ્રવીણકાન્ત રેશમવાળાનો હતો. એ બન્ને વચ્ચે ખૂબ ઘરોબો. બંનેના મિત્ર વર્તુળમાં પણ સમાન મિત્રો. એ એવા મિત્રો હતા જે શિક્ષણ સંસ્થા, શહેર અને પત્રકારત્વ વિશે પણ પૂરા ગાંભીર્યથી વિચારી શકે. કુંજવિહારી મહેતા અને પ્રવીણકાન્ત રેશમવાળા ફકત અખબારી કામો સિવાય પણ દક્ષિણ ગુજરાતમાં પારિવારીક પ્રવાસોમાં સાથે ધુમ્યા હોય એવા પ્રસંગો છે. તેઓ માત્ર શિક્ષણનું વિચારીને બેસી રહે એવા નહોતા, બહુ જ વ્યાપક દ્રષ્ટિ અને અનેક ક્ષેત્રમાં જે બની રહ્યું હોય તેની પર નજર.

તેમણે ‘ગુજરાતમિત્ર’ કાર્યાલયમાં બેસી પ્રવીણકાન્ત રેશમવાળા અને એમના મિત્ર વર્તુળ સાથે આ શહેરની અનેક રીતે ચિંતા કરી છે. તેમના વિચારમાં જે પ્રૌઢી હતી તે શહેરની અનેક વ્યકિત અને સંસ્થા સાથે તેમને જોડતી હતી.
આજે જે કાંઇ સુરત છે તેને ઘડવામાં તેમનો ય ફાળો છે એવું તેમના કાર્યકાળને યાદ કરશો તો જરૂર પ્રતિત થશે. જાહેરજીવનના માણસ કેવા હોય તેનું તેઓ એક અનુપમ ઉદાહરણ! પણ સાથે જ અંગતજીવનમાં કેવી ઉષ્મા હોય,વ્યવહાર દક્ષતા હોય તેનું ‘ગુજરાતમિત્ર’ પરિવારને અનેક પ્રસંગો સાથે સ્મરણ છે. ‘ગુજરાતમિત્ર’ સાથેનો તેમનો સમય જ તેમના જાહેરજીવનનો સમય છે. આ શહેરની એક આખી પેઢીને તેમણે શિક્ષણ અને વહીવટી ક્ષેત્રે નેતૃત્વ પૂરું પાડયું છે. ‘ગુજરાતમિત્ર’ના તો તેઓ એક વૈચારિક મોભી હતા.

સમય તો વહેતો રહે છે ને વહેતો સમય આપણા જીવનમાં કોઇને ઉમેરે છે અને છીનવે પણ છે. ‘મહેતા સાહેબ’ને જન્મ શતાબ્દી નિમિત્તે યાદ કરવાં પડે તે પણ સમયનો જ અનુભવ છે ને તેઓ ભુલી શકાય તેવું વ્યકિતત્વ નથી, સમયને પાર જીવવાની તેમની આંતરશકિત જ છે તે પણ અનુભવ થઇ રહ્યો છે. ‘ગુજરાતમિત્ર’ તેમને આદ્રભાવે સ્મરે છે. તેઓ આ શહેરમાં નથી તે શહેરની ખોટ છે, પણ અમારી તો અંગત ખોટ છે જે સતત સાલે છે.

Most Popular

To Top