Business

181 ચૂંટાયેલા ઉમેદવારોને ધારાસભ્ય તરીકે શપથ લેવડાવતા પ્રોટેમ સ્પીકર યોગેશ પટેલ

ગાંધીનગર : ગુજરાત (Gujarat) વિધાનસભાના બે દિવસીય ટૂંકા શિયાળુ સત્ર દરમિયાન આજે પહેલા દિવસે પ્રોટેમ સ્પીકર યોગેશ પટેલે 15મી વિધાનસભામાં ચૂંટાયેલા 181 ઉમેદવારોને ધારાસભ્ય તરીકે હોદ્દો તથા ગુપ્તતાના શપથ (Oath) લેવડાવ્યા હતા. જયારે પ્રોટેમ સ્પીકર યોગેશ પટેલને રાજભવન ખાતે યોજાયેલા સમારંભમાં રાજયપાલ આચાર્ય દેવવ્રતે શપથ લેવડાવ્યા હતા. વિધાનસભા ગૃહમાં પહેલા મુખ્યપ્રધાન અને ગૃહના નેતા ભૂપેન્દ્ર પટેલે શપથ લીધા હતા. તે પછી બે પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરા તથા ગણપતસિંહ વસાવા, કેબિનેટ સભ્યો તથા મહિલા સભ્યો અને તે પછી અબડાસા બેઠકથી ક્રમવાર ઉમરગામના ભાજપના રમણલાલ પાટકરે શપથ લીધા હતા. ગૃહમાં આજે કેટલાયે ધારાસભ્યોએ સંસ્કૃતમાં ધારાસભ્ય તરીકેના શપથ લીધા હતા.

ગૃહની બહાર વિધાનસભા સચિવાલય દ્વારા ધારાસભ્યો માટે જુદા જુદા કાઉન્ટર ખોલવામાં આવ્યા હતા. જેમાં તેમના ત્વરીત આઈડી કાર્ડ પણ બનાવી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત ધારાસભ્યોના પગાર – ભથ્થા માટે એસબીઆઈ દ્વારા બેન્ક એકાઉન્ટ ખોલવા માટે હેલ્પ ડેસ્ક શરૂ કરાયુ હતું. ધારાસભ્યોને બેઝિક પગાર – રૂા. 78,800, મોંઘવારી ભથ્થુ રૂા.26792, ટેલિફોન બિલ – રૂા. 7000, ટપાલ – લેખન સામગ્રી – 5000 , અંગત મદદનીશ ભથ્થુ – 20,000 કુલ પગાર પેટે 1,37,595 બેન્ક એકાઉન્ટમાં આજથી ગણતરી કરીને જમા થશે. ભાજપના 156, કોંગ્રેસના 17, આપના 5, એક સપાના સભ્ય તથા ત્રણ અપક્ષોએ આજે ધારાસભ્ય તરીકેના શપથ લીધા હતાં.

Most Popular

To Top