SURAT

કોરોનાકાળમાં પહેલી વખત મલ્હારથી માંડીને સંજય ગોરડિયા સુરતના આંગણે નાટકનો જલસો પાથરશે

સમાજ જયારે ફરી કળા પ્રવૃત્તિ કરતો થાય તો સમજવું કે માણસ તેના સ્વાભાવિક જીવન તરફ પાછો વળ્યો છે. રસકીય પ્રવૃત્તિ માણસ ત્યારે જ કરી શકે જયારે તે તન-મનથી પૂરો સ્વસ્થ હોય. સુરત હવે કોરોના (CORONA)ની અસરથી મુકત થયાની પ્રતીતિ પાંચ નાટકોનો મહોત્સવ યોજી કરાવશે. ‘નઠારી મહામારી ઠેકાણે આવી’. વિત્યા 10 મહિનાથી રંગમંચ સૂના રહયા. ફિલ્મ આનંદ આપે, ટી.વી. સીરિયલ, વેબ સીરિઝ (WEB SERIES) પણ આનંદ આપે પરંતુ નાટક તો એ બધી કળાના મૂળમાં છે ને તેને માણવાનો આનંદ અતુલનીય છે. ઉત્તમ નાટકો (BEST DRAMA) પ્રેક્ષકોને જે સભરતાનો આનંદ કરાવે તે અનન્ય છે ને સુરતના પ્રેક્ષકોને સુરતના જ નાટ્‌યકારો ફરી નાટકના એ જગતમાં લઇ જશે.

ગઇકાલે ‘સુરત થિયેટર ફેસ્ટ 2021’ (SURAT THEATER FEST – 2021) હેઠળ ‘પ્રિય પપ્પા હવે તો’ ભજવાઈ ગયું. આજે ફરી તે વધુ એક વાર માણવા મળશે. ક્રાફટ એન્ટરટેઇન્મેન્ટ અને કર્મસુ આર્ટસ્‌ આયોજિત આ સુરત નાટ્‌યોત્સવ હેઠળ ફેબ્રુઆરી મહિનાના દર શનિ-રવિની સાંજે કુલ પાંચ નાટકો ભજવાશે. ગુજરાત શું દેશભરમાં કયાંય કોઇએ કોરોના પછી આ રીતે નાટ્‌યોત્સવનું આયોજન નથી કર્યું. સુરતે કર્યું છે અને આ વખતે આ નાટકો સુરતનાં નાટ્‌યરસિકો ટિકિટ ખરીદીને જોવા ઉમટશે. એક અર્થમાં આ પણ નવારંભ જ છે. સુરતનાં નાટકો વ્યવસાયી ભજવણી માટે જાણીતાં નથી પણ આ વેળા તેઓ સુરતના પ્રેક્ષકોને જુદા જુદા વિષયો (DIFFERENT DIFFERENT SUBJECT) સાથેના નાટકોથી ન્યાલ કરશે. સુરત મહાનગરપાલિકાએ તો તેમના નાટ્‌યગૃહો ફરી શરૂ નથી કર્યાં પણ જીવનભારતી રંગમંડળના તખ્તા પર પાંચ નાટકો ભજવાશે.

કોવિડ-19 પછીનો આ વિશિષ્ટ નાટ્‌યોત્સવ કપિલદેવ શુકલના નાટકથી આરંભાયો છે. આ નાટક પ્રથમ વાર 1999માં ભજવાયેલું અને તેના 85 જેટલા પ્રયોગ (PLAYS) થયા હતા. હવે તે 11 વર્ષના વિરામ પછી ફરી ભજવાશે ત્યારે તેની પરાઓ બદલાઇ ચૂકી છે. આ નાટક સ્ત્રીજીવનનાં ત્રણ મહત્ત્વનાં શરીરસમય અને મનોસમયની વાત કરે છે. એક કન્યાનું પ્રથમ વાર ટાઇમ (PERIOD)માં આવવું અને એ વખતે જ તેની મમ્મીનું મેનોપોઝમાં પ્રવેશવું અને એક યુવતીનું પ્રથમ વાર પ્રેગનન્ટ થવું. ઘરને સલામતી બક્ષતો પુરુષ 9 વર્ષથી કુટુંબથી દૂર છે. તે સમયે આ બધું બને છે. કપિલદેવ શુકલ કુટુંબનાં સગપણોને બહુ કોમળતા ને સૂક્ષ્મ, કાવ્યાત્મક સંવેદનથી મંચ પર રજૂ કરનારા દિગ્દર્શક છે. વિનેશ અંતાણીની નવલકથા પરથી લખાયેલું આ નાટક દ્રશ્ય સંકલ્પનાની રીતે પણ વિશિષ્ટ છે. કપિલદેવ કલ્પના વડે વાસ્તવને રૂપાંતરિત કરવાનું જાણે છે. આ સંગીતમય નાટકમાં પરાનાં પાત્રો ભજવતી નાની અભિનેત્રીઓ હવે કયાંની કયાં છે પણ જાવીદ કાઝી, માધવી, સાત્વી ચોકસી તો છે. સાત્વી કયારેક નાની પરા બનતી હવે મોટી પરા તરીકે દેખાશે. સુરતના પ્રેક્ષકો આ નાટક જોતાં નાસ્ટોલિજક થઇ ઊઠશે.

આવતા શનિ-રવિ અને તેના પછીના શનિ-રવિએ રિષીત ઝવેરી દિગ્દર્શિત (DIRECTION) ‘પ્રેમમાં પા પા પગલી’ અને ‘ધ કેરેકટર’ ભજવાશે. ‘પ્રેમમાં પા પા પગલી’ ગયા માર્ચમાં જ ઓપન થયેલું પણ એકાદ શો પછી કોરોનાએ પરદો પડાવેલો તો ‘ધ કેરેકટર’ નાટક ચિત્રલેખા યોજિત સ્પર્ધામાં પુરસ્કારો જીતી આવેલું. એક નાટકમાં રોમાન્સ-કોમેડી છે તે બીજું સાયકો થ્રીલર. રિષીત ઝવેરી એકદમ તાજ્જા એટિટયુડ અને નવા ઉત્સાહથી આ નાટકો કરશે. તેઓ કહે છે કે એક નાટક તૈયાર કરવામાં લેખક, દિગ્દર્શક, અભિનેતા, અભિનેત્રી, ટેક્નિશ્યનો સહિત અનેકની મહેનત હોય છે તો એ નાટકને જોવા માટે પ્રેક્ષકોએ પૈસા ખર્ચવા જ જોઇએ. સાચો પ્રેક્ષક એ જ છે જે તેના કળાકારો (ARTIST)ની ખેવના કરે. સુરતનાં નાટકો હંમેશાં સ્પર્ધામાં વિજેતા રહે છે તે સૂચવે છે કે તે હવે પ્રેક્ષકોને રોમાંચક અનુભૂતિ આપવા સજ્જ છે.

20-21 ફેબ્રુઆરીના શનિ-રવિની સાંજ ડૉ. પદમેશ પંડિત દિગ્દર્શિત ‘મનુ દામજી’થી સજશે. છેલ્લાં ઘણાં વર્ષોથી ગુજરાતી- હિન્દી ટી.વી. સીરિયલો, ફિલ્મોમાં સતત દેખાતા પદમેશ પંડિત સુરત સાથે પોતાનો નાતો છોડવા નથી માંગતા એટલે નાટકો કરતા રહે છે. ‘મનુ દામજી’ નાટક આમ તો પ્રવીણ જોશીના ‘માણસ નામે કારાગાર’ અને બાસુ ચેટરજીએ બનાવેલી ફિલ્મ ‘એક રૂકા હુઆ ફેંસલા’ના આધારે લખાયેલું છે પણ પદમેશ પંડિતે તેમાં એક સ્ત્રી પાત્ર વડે નવા પરિમાણ ઉમેર્યાં છે. ન્યાયતંત્રની વાત અહીં જુદી રીતે થઇ છે. માણસ વિશે ધારણાથી ન્યાય તોળી ન શકાય એ માટે તમારે તેના સમગ્ર વ્યકિતત્વ અને સંજોગોમાં સાચી સહાનુભૂતિ અને ન્યાયની દ્રષ્ટિથી પ્રવેશવું પડે.

‘કૃષ્ણાબેન ખાખરાવાલા’, ‘ઇતના કરો ના મુઝે પ્યાર’, ‘અદાલત’ અને હમણાં જે 900 એપિસોડ કરશે તે ‘લક્ષ્મી સદૈવ મંગલમ’ના અભિનેતા પદમેશ પંડિત આ નાટક વડે પ્રેક્ષકોને માનવમનની ગલીઓમાં રહસ્ય સાથે પ્રવેશ કરાવશે ને આ નાટયોત્સવના છેલ્લા શનિ-રવિ પંકજ પાઠકજી દિગ્દર્શિત અભિનીત ‘શકરબાજ’ નાટકના હશે. વર્ષો પહેલાં હોમી વાડિયાએ આ નાટક ‘શક્કરબાજ’ નામે ભજવેલું ત્યારે ખૂબ સફળ રહેલું. પ્રવીણ સોલંકી લિખિત આ નાટકની ટેગ લાઇન છે- ‘ચતુર ચાલને ચોંકાવતું નાટક’. પંકજ પાઠકજી પણ કહે છે કે આ નાટક એક જુદો પ્રેક્ષાનુભવ બની રહેશે. થ્રીલરના તત્ત્વોથી ભરપૂર આ નાટકમાં રહસ્ય અને હાસ્યનો કાતિલાના સુમેળ છે. મૂળ નાટકને પંકજ પાઠકજીએ છેલ્લા દ્રશ્ય સુધી વિસ્તારતાં વધુ એક અંધારું અને ગીત પણ ઉમેર્યું છે. તેઓ સુરતના પ્રેક્ષકોને કહે છે કે તમારી એક એક પળને અમે નાટક દરમ્યાન થ્રીલથી ભરી દઇશું.

સુરતના પ્રેક્ષકો માટે આ પાંચ નાટકના મહોત્સવનું આયોજન કરનારા સ્તવન જરીવાલા અને ઉદય નાગરે દરેક પ્રયોગે યઝદી કરંજિયા, ચિરાગ વોરા, મનોજ શાહ, સંજય ગોરડિયા, મલ્હાર ઠક્કર, મેહુલ સુરતી, કપિલદેવ શુકલ, હેમંત ખેર જેવા નાટક અને ફિલ્મ ક્ષેત્રનાં લોકોને વિશેષ મહેમાન તરીકે નોતર્યા છે. આ આયોજકો માને છે કે સુરતના નાટ્‌યરસિકો હવે સુરતનાં નાટકો પૈસા ખર્ચી જોવા તત્પર છે કારણ કે સુરતની રંગભૂમિને અને તેના કળાકારોને બીજે પણ સતત પ્રશંસા મળી રહી છે.

સુરત માટે ગૌરવરૂપ ઘટના સમો આ નાટ્‌યોત્સવ એક નવો આરંભ કરવા તત્પર છે. આ મહોત્સવ કોરોના પછીની ગુજરાતી રંગભૂમિનો પંચ-રંગી ઉત્સવ બનશે.. નૃત્ય, સંગીતની પ્રવૃત્તિ કરનારાઓને પણ તેનાથી ચાનક ચડશે અને સુરત મહાનગરપાલિકા પણ હવે સુરતના પ્રેક્ષાગૃહો ઉઘાડે અને મંચને નાટક, નૃત્ય, સંગીતથી જાગતા કરે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top