Gujarat

વિધાનસભામાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું- કોવિડ વેક્સિનથી યુવાનોને હાર્ટ એટેકની વાત પાયાવિહોણી

ગાંધીનગર: (Gandhinagar) ગુજરાત વિધાનસભામાં (Gujarat Legislative Assembly) આજે કોંગ્રેસ દ્વારા એવો આક્ષેપ કરાયો હતો કે કોરોનાની રસીકરણના કારણે રાજ્યમાં યુવાનોનાં હાર્ટ એટેકથી મૃત્યુ થઈ રહ્યા છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કોવિડ રસીકરણની આડ અસરથી યુવાનોના હાર્ટ એટેકની વાતને પાયાવિહોણી અને સત્યથી વેગળી ગણાવી છે. તેમણે જણાવ્યું કે રસીકરણની દવાની કોઈ પણ આડ અસર નથી. દેશના નાગરિકોને ૨૫૦ કરોડથી વધુ રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.

  • કોવિડ રસીકરણની આડ અસરથી યુવાનોને હાર્ટ એટેકની વાત પાયાવિહોણી: ઋષિકેશ પટેલ
  • કોરોનાને કારણે કેટલાક કિસ્સામાં ફાઈબ્રોસિસ અને ફેફસા પર અસર થાય છે, હાર્ટ એટેકથી એકેય મોત થયું નથી
  • વિધાનસભામાં વિપક્ષી સભ્યના પ્રશ્નના જવાબમાં આરોગ્યમંત્રીની સ્પષ્ટતા

કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ પ્રશ્ન પૂછ્યો કે, રાજ્યમાં હાર્ટ અટેકના કિસ્સા વેકસીન કે દવાની અસર છે? જેના જવાબમાં આરોગ્ય મંત્રીએ કહ્યું હતું કે વેકિસનને કારણે હાર્ટ અટેકથી દર્દીઓનું મૃત્યુ થતું નથી. પટેલે કહ્યું હતું કે રાજ્યમાં હાલ કોરોનાના ૬૮ એક્ટિવ કેસ છે. રાજ્યમાં વેક્સિનના કારણે હાર્ટ એટેકથી કોઈ મૃત્યુ થયા નથી. કોરોનાના કારણે કેટલાક કિસ્સામાં ફેફસામાં ફાઈબ્રોસિસ થાય છે અને ફેફસાં પર અસર થાય છે.

ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમ્યાન અમદાવાદ શહેર અને જિલ્લામાં કોવિડ જે.એન. ૧ વેરિયેન્ટ અંતર્ગત પ્રશ્નના ઉત્તરમાં આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેર અને જિલ્લામાં કોવિડ જે.એન. ૧ વેરિયેન્ટ વિષે જણાવ્યું કે ૩૧/૧/૨૪ની સ્થિતિએ અમદાવાદ શહેરમાં ૮૦ દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. સરકારે સાવચેતીના પગલાં રૂપે લેવાયેલ પગલાં અંગે જણાવ્યું કે દર્દીના ઘરે તેમજ જરૂર પડે સરકારી હોસ્પિટલોમાં પણ સારવાર આપવામાં આવી છે.
તેમણે કહ્યું હતું કે આરોગ્યની ટીમોએ હાઉસ ટુ હાઉસ વિઝિટ કરી છે.

તેમના કોન્ટેક્ટમાં આવેલા તમામ શંકાસ્પદ દર્દીના ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે અને જરૂર જણાયે રૂબરૂમાં દવાઓ આપવામાં આવેલ છે. રાજ્ય સરકાર દ્વારા સતત “ટેસ્ટ-ટ્રેક-ટ્રીટમેન્ટ-વેક્સીનેશન-કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર”ની સ્ટ્રેટેજી અપનાવી કામગીરી હાથ ધરવામાં આવી છે. આ રોગને અટકાવવા સંકલિત રોગ સર્વેલન્સ કાર્યક્રમ દ્વારા દર્દીઓને શોધી દવા તેમજ અદ્યતન સારવાર આપવામાં આવે છે. રાજ્યમાં કોવિડ-૧૯ ટેસ્ટિંગ માટે ૨૦૭ લેબોરેટરીને મંજુરી આપવામાં આવી છે, જે પૈકી ૧૧૧ સરકારી અને ૯૬ ખાનગી લેબોરેટરીને મંજુરી આપવામાં આવી છે.

Most Popular

To Top